• તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા
  • સની લિયોન અને પતિ ડેનિયલ વેબર તુર્કી-સીરિયાને કરશે મદદ
  • કોસ્મેટિક બ્રાન્ડની ફેબ્રુઆરીની કમાણીનો 10 ટકા હિસ્સો દાન કરશે

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા અને લાખો લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા હતા. બંને દેશોમાં તબાહીનું એવું દ્રશ્ય જોવા મળ્યું હતું કે, લોકોના હોશ ઉડી ગયા હતા. ભૂકંપમાં પત્તાના ઘરની જેમ બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપ બાદ દુનિયાભરમાંથી લોકો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે પણ મદદ કરવાની વાત કરી છે.

સની લિયોને નક્કી કર્યું છે કે, તે તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોની મદદ માટે તેની કોસ્મેટિક બ્રાન્ડની ફેબ્રુઆરીની કમાણીનો 10 ટકા હિસ્સો દાન કરશે. તેણે કહ્યું હતું કે, એ મહત્વનું છે કે લોકો જરૂરિયાતમંદોને મદદ કરે અને બચી ગયેલા લોકોને ફરીથી જીવન શરૂ કરવામાં મદદ કરવા માટે પોતાનું યોગદાન આપે.

સની લિયોને લોકોને મદદ માટે અપીલ કરી

સની અને વેબર તુર્કી અને સીરિયામાં ભૂકંપથી તબાહ થયેલા વિસ્તારોમાં મદદ કરવા અને બચાવવા માટે કામ કરતી NGOને દાન આપશે. સની લિયોને અન્ય લોકોને પણ તુર્કી અને સીરિયાની મદદ કરવા હાકલ કરી છે. આ પહેલા પ્રિયંકા ચોપરાએ ભૂકંપ પ્રભાવિત લોકોને મદદ કરવાની અપીલ કરી હતી.

હજી પણ લોકો કાટમાળમાં દટાયેલા

સીરિયા અને તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લગભગ 12 દિવસ પછી પણ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કિર્ગિસ્તાનની એક વિદેશી સર્ચ ટીમે દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેરની એક ઈમારતના કાટમાળમાંથી 49 વર્ષીય સમીર મોહમ્મદ અક્કર, તેની 40 વર્ષીય પત્ની રાગદા અક્કર,અને તેમના 12 વર્ષના પુત્રને બહાર કાઢ્યા હતા. તે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે બાદમાં બાળકનું મોત થયું હતું. તુર્કીમાં ભૂકંપથી 40 હજારથી વધુ લોકોના મોત થયા છે.