• પવન કલ્યાણની જનસેના પાર્ટીને આંધ્રમાં લોકસભા ચૂંટણીમાં મળી છે સફળતા

  • પવન પોતે 70,354 મતોની સરસાઈથી પિથાપુરમ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે
  • આ વિશેષ સફળતા મેળવવા બદલ અભિનેતા પર સતત શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે

દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણ વર્તમાનમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં તેમની જનસેના પાર્ટીએ આંધ્રપ્રદેશમાં સારો દેખાવ કર્યો છે. પવન પોતે 70,354 મતોની સરસાઈથી પિથાપુરમ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. કેન્દ્રમાં એનડીએને સત્તામાં લાવવામાં પણ તેમના પક્ષે ભૂમિકા નિભાવી છે. આ વિશેષ સફળતા મેળવવા બદલ અભિનેતા પર સતત શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

અભિનેતા કમલ હાસને પણ તેમને ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન આપ્યા છે. 'ઇન્ડિયન-2' અભિનેતાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. કમલ હાસને લખ્યું કે,'પવન કલ્યાણ સાથે ભાવનાત્મક વાતચીત થઈ. તેમને શાનદાર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા. આંધ્રપ્રદેશના લોકોની આશા અને આકાંક્ષાઓની સેવા કરવા માટેની તેમની આ યાત્રાને મુદ્દે તેમને શુભેચ્છા આપું છું. તમારા પર ગૌરવ છે.'

કલમ હાસનનું ટ્વિટ ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. બંને અભિનેતાના ફેન્સ મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. બંને અભિનેતાઓ વચ્ચેના આ લાગણીસભર સંબંધો ફેન્સને પસંદ આવી રહ્યા છે. પવનનો શાનદાર વિજય માત્ર ફિલ્મી હસ્તીઓને જ નહીં પરંતુ રાજનેતાઓને પણ પ્રેરણા આપી રહ્યો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં પવન કલ્યાણના પક્ષને બે બેઠકો પર પરાજય મળ્યો હતો. વર્ષ 2024ની ચૂંટણીમાં પવન ગેમ ચેન્જર બની રહ્યા છે.


  • Follow us on: