'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નામની સિટકોમ છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોની સ્ટોરીની સાથે, તેના કલાકારો પણ ફેન્સના પ્રિય છે. વર્ષોથી આ શો ટીઆરપી લિસ્ટમાં પણ સતત ટોપ પર રહ્યો છે.
આ શો અંગેનો વિવાદ સતત ચર્ચામાં છે. એક પછી એક ઘણા સ્ટાર્સ શો છોડીને જતા રહ્યા. ઘણા કલાકારોએ તો નિર્માતાઓ પર માનસિક સતામણીનો આરોપ પણ લગાવ્યો છે. આ શોને જેટલો પ્રેમ મળ્યો, તેટલો જ વિવાદ પણ થયો. આ પરિસ્થિતિમાં, 17 વર્ષ પછી પહેલીવાર, અસિત મોદીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
હું હંમેશા પ્રામાણિક રહ્યો છું: અસિત મોદી
અસિત મોદીએ તાજેતરમાં જ મીડિયાને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે 'મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને શોને પ્રથમ રાખું છું. મેં ક્યારેય કોઈ અંગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓ મને પરેશાન કરે છે, પરંતુ તે જીવનનો એક ભાગ છે.
મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું: અસિત મોદી
અસિતે કહ્યું કે તે ઘણા આરોપોનો જવાબ આપવા માંગતો નથી. પરંતુ, તેને શોની સફળતાનો શ્રેય કલાકારોને પણ આપ્યો. મેકરે આગળ કહ્યું કે 'જે કલાકારો શો છોડી ગયા છે તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે.' કોઈ વાંધો નથી. હું તેમને કંઈ કહીશ નહીં. તેમને મારા શોમાં કામ કર્યું છે અને TMKOCની સફળતામાં તેમની ભૂમિકા છે. ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હતું, પણ બધાના પ્રયાસોને કારણે આ શો પોપ્યુલર બન્યો. આજે જે છે તે હું એકલા હાથે મેળવી શક્યો ન હોત. આપણે એક ટ્રેન જેવા છીએ. કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા, પણ ટ્રેન ચાલુ રહી. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું, કારણ કે જો મારા હૃદયમાં કોઈ દ્વેષ હોય તો. હું ખુશ નહીં રહીશ અને લોકોને હસાવી શકીશ નહીં.