- તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી' લગભગ 25 દિવસ પછી ઘરે પરત ફર્યા છે
- 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2024થી ગાયબ હતા
- પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા છે. તેઓ 25 દિવસથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR નોંધાવી હતી. ગુરુચરણ પોતે ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ ઘરે પરત ફર્યા છે. પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. દરમિયાન, તેઓ અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયા હતા. પછી તેમને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તેઓ ઘરે પરત આવ્યા છે.
રોશન સિંહ સોઢી ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા.
22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેમના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે સામે આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. એવું પણ જાણવા મળે છે કે રોશન સિંહ સોઢી જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. મુંબઈમાં તેમને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડી લીધા, આ સમાચાર પણ સામે આવ્યા હતા. પ્રશંસકો સતત ચિંતામાં હતા કે તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી આખરે ક્યાં ગયા છે?