- એક વ્યક્તિએ વિદ્યા બાલનનું નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું
- વિદ્યા બાલનના IDથી બોલીવૂડ સાથે સંકળાયેલા લોકો પાસે માંગતો પૈસા
- વિદ્યા બાલને મુંબઈ પોલીસમાં FIR નોંધાવી
બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ માટે તસવીરો અને રીલ્સ શેર કરતી રહે છે. પરંતુ હાલનાં એક સમાચારે અભિનેત્રીના ફેન્સને પરેશાન કરી દીધા છે. હકીકતમાં વિદ્યા બાલનના નામે એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં, તે ફેક એકાઉન્ટથી મનોરંજન ઉદ્યોગના લોકો પાસેથી પૈસા પણ માંગવામાં આવી રહ્યા છે. આ મામલે વિદ્યા બાલને કડક કાર્યવાહી કરી છે અને મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે.
વિદ્યા બાલને FIR નોંધાવી
અહેવાલ મુજબ, વિદ્યા બાલનએ નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા અને તેના નામે પૈસાની માંગ કરવા બદલ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મુંબઈ ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ વિદ્યા બાલનના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી રહ્યો હતો અને લોકોને કામ આપવાના બહાને પૈસા માંગી રહ્યો હતો. ખાર પોલીસે આ મામલે કલમ 66 (C) IT હેઠળ FIR નોંધી છે.

વ્યક્તિ કામના બદલામાં પૈસા માંગતો હતો!
અહેવાલો અનુસાર, વિદ્યા બાલનના નામ પર નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી અને જીમેલ એકાઉન્ટ બનાવીને વ્યક્તિ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરી રહ્યો હતો અને નોકરીની ખાતરી આપીને તેમની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. જ્યારે વિદ્યા બાલનને આ વાતની જાણ થઈ તો તેણે તરત જ તેના પર પ્રતિક્રિયા આપી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તમને જણાવી દઈએ કે, વિદ્યા બાલન પહેલા મહેશ બાબુની દીકરી સિતારા ઘટ્ટામેન્નીની ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું હતું જેની માહિતી ખુદ મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરે આપી હતી.