ફિલ્મી જગતના સુપરસ્ટાર રજનીકાંત 30 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. રજનીકાંતને છાતીમાં દુખાવા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની અહીં સારવાર ચાલી રહી છે અને હવે તેમની હાલત સ્થિર છે. ગુરુવારે માહિતી આપતા હોસ્પિટલે કહ્યું કે રજનીકાંતને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
હાલ રજનીકાંતની તબિયત કેવી ?
અપોલો હોસ્પિટલ ચેન્નાઈમાંથી મળેલી માહિતી અનુસાર રજનીકાંતના હૃદય સાથે જોડાયેલી એક રક્તવાહિની (નસ)માં સોજો આવી ગયો હતો. જેના કારણે દુખાવાની ફરિયાદો ઉઠી હતી. પરિણામે ડૉક્ટરોએ તેની સારવાર બિન-સર્જિકલ પ્રક્રિયાઓ દ્વારા કરી છે. હવે રજનીકાંતની હાલત સ્થિર છે અને શુક્રવારે તેમને રજા આપવામાં આવશે.
ક્યારે અપાશે રજા ?
એક તમિલ ન્યૂઝના અહેવાલ અનુસાર હોસ્પિટલે તેના નિવેદનમાં કહ્યું છે કે વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ સાઈ સતીશ રજનીકાંતની સારવાર કરી રહ્યા છે. સ્ટેન્ટ મૂકીને સારવાર કરવામાં આવી છે. આ પછી તેમને સોજો આવવાની તકલીફ સંપૂર્ણ દૂર થઇ ગઇ છે. વધુમાં કહ્યું કે અમે તેમના શુભેચ્છકો અને ચાહકોને જણાવવા માંગીએ છીએ કે પ્રક્રિયા સારી રીતે થઇ ગઇ છે. રજનીકાંતની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ છે. તે આગામી બે દિવસમાં ઘરે પરત ફરી શકે છે. અગાઉ હોસ્પિટલે કહ્યું હતું કે તેમને ગુરુવારે રજા આપવામાં આવશે.
પીએમ મોદીએ કર્યો હતો ફોન
ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપરસ્ટારની પત્ની લતા રજનીકાંતને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછ્યું હતું અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ અને રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રજનીકાંતના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
રજનીકાંતની ફિલ્મ થશે રિલીઝ
મહત્વનું છે કે રજનીકાંતની નવી ફિલ્મ 'વેટ્ટાઈયાં' 10 ઓક્ટોબરે રિલીઝ થશે. ટી.જે. જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત વેટ્ટૈયનથી અમિતાભ બચ્ચન તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરવાના છે. બિગ બી અને મલયાલમ અભિનેત્રી મંજુ વારિયર ઉપરાંત ફિલ્મમાં ફહાદ ફાસિલ, રાણા દિગ્ગુબતી, રિતિકા સિંહ, તુષારા વિજયન અને અભિરામી પણ છે. આ ફિલ્મમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચન 33 વર્ષ પછી એક સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ છે. જેમાં આ બંને સુપર સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે.