પીઢ અભિનેતા નાના પાટેકર ક્વિઝ-આધારિત રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 17' માં મહેમાન તરીકે પહોંચ્યા અને હોટ સીટ પર બેઠા હતા. આ દરમિયાન તેમણે પોતાના ગામડે પાછા ફરવાનું અને મોટા શહેર મુંબઈથી દૂર રહેવાનું કારણ પણ જણાવ્યું હતું.


અમિતાભ બચ્ચનના સવાલ પર નાના પાટેકરનો જવાબ

શોના હોસ્ટ અમિતાભ બચ્ચને નાના પાટેકરને પૂછ્યું હતું કે, 'તમે જીવનમાં આટલું બધું હાંસલ કર્યું તો પછી તમે બધું છોડીને ગામડે કેમ ગયા?' આ અંગે પોતાના દિલની લાગણીઓ શેર કરતાં નાના પાટેકરે સિમપ્લ જવાબ આપ્યો હતો કે, 'હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો નથી. હું અહીં ફક્ત કામ કરવા આવું છું અને પછી પાછો જતો રહું છું. હું ક્યારેય કોઈ પાર્ટીમાં ગયો નથી કે હું લાંબા સમય સુધી શહેરમાં રહ્યો નથી. હું ગામડાનો છું અને ત્યાં રહેવાનું પસંદ કરું છું. મને ત્યાંનું જીવન ગમે છે.'

માતા તરફથી અપાર પ્રેમ મળ્યો

નાનાએ ભાવનાત્મક રીતે કહ્યું હતું કે, મારી માતા પાસેથી મેં જે ઇચ્છ્યું હતું તેના કરતાં મને અનેક ગણું વધારે મળ્યું છે. જરૂરિયાતો મર્યાદિત કરવી ખૂબ જ જરૂરી છે. મારી પાસે એસી નથી કારણ કે મને તેની જરૂર નથી લાગતી. જેમ શહેરની આસપાસ દિવાલો હોય છે તેમ મારા ઘરની આસપાસ પર્વતો હોય છે. મારું ઘર પર્વતોથી ઘેરાયેલું છે અને હું ત્યાં આરામથી રહું છું. મને તે ખૂબ ગમે છે.'

નાના પાટેકરે કરી માધુરી દીક્ષિતની પ્રશંસા

શોમાં જ્યારે એક દર્શકે નાના પાટેકરને પૂછ્યું કે ફિલ્મ 'વજુદ'માં માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આ અંગે કહ્યું હતું કે, 'માધુરી દીક્ષિત સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો. તે એક મહાન અભિનેત્રી, સુંદર, અદ્ભુત નૃત્યાંગના છે,અને તેની પાસે તે બધું છે જે દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. હું તેને ખૂબ જ આદરથી જોઉં છું.'

પ્રેક્ષકોએ નાના પાટેકરને ફિલ્મ 'વજુદ'માં માધુરી દીક્ષિતને સંભળાવેલી કવિતા 'કૈસે બતાઉં મેં તુમ્હેં' સંબંધિત સવાલો કર્યા હતા. આ સાંભળીને અભિનેતાએ હસતાં હસતાં જવાબ આપ્યો કે, આ કવિતા કવિતા જાવેદ અખ્તર સાહેબે લખી હતી. તે ફિલ્મ બન્યાને લગભગ 30-35 વર્ષ થઈ ગયા છે પરંતુ મને હજુ પણ આ કવિતા યાદ છે. મેં માધુરીને આ કવિતા સંભળાવી હતી તેથી તેને ભૂલી જવું મારા માટે મુશ્કેલ છે. આજે પણ એવું લાગે છે કે, આ કવિતા મારા લોહીમાં વહે છે. કારણ કે જ્યારે પણ આ કવિતા સાભળું ત્યારે મારા હૃદયમાં ઘણી યાદો તાજી થઈ જાય છે.


  • Follow us on: