Environment: Challenges Efforts - Panoti is a plastic scale, not going
  • Home
  • Columnist
  • પર્યાવરણ : પડકારો પ્રયાસો – પનોતી પ્લાસ્ટિકના પાયે છે, જવાની નથી

પર્યાવરણ : પડકારો પ્રયાસો – પનોતી પ્લાસ્ટિકના પાયે છે, જવાની નથી

 | 4:53 am IST
  • Share

  • વર્ષ 1862માં સૌપ્રથમ માનવર્સિજત પ્લાસ્ટિકની શોધ કરી
  • 1907માં સિન્થેટિક મટિરિયલ પ્લાસ્ટિકની શોધ થઈ 
  • છેલ્લા 50 વર્ષોમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન લગભગ 22 ગણું વધ્યું

માનવજાતના વિકાસ પાછળની દોટ દરમિયાન કેટલાક એવા આવિષ્કાર નોંધાયા છે કે, જે માનવજાત માટે આશીર્વાદરૂપ નીવડયા છે, કેટલાક અભિશાપરૂપ નીવડયા છે તો કેટલાક એક જ સિક્કાની બે બાજુની જેમ આશીર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ છે. પ્લાસ્ટિકની શોધ એ માનવજાતના ઇતિહાસમાં આવી જ સાબિત થઈ રહી છે. આજથી 114 વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 1907માં બેલ્જિયમમાં જન્મેલા અને આમ અમેરિકન લીઓ હેન્ડ્રિક બેકલેન્ડ દ્વારા સૌપ્રથમવાર કોઈપણ જાતના કુદરતી તત્ત્વો વિનાના એટલે કે, સંપૂર્ણ સિન્થેટિક મટિરિયલ પ્લાસ્ટિકની શોધ થઈ જેને બેકેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો તેનાથી પણ 45 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 1862માં એલેક્ઝાન્ડર પાર્કસ નામના વૈજ્ઞાાનિકે સૌપ્રથમ માનવર્સિજત પ્લાસ્ટિકની શોધ કરી હતી જે વાતને આજે લગભગ 160 વર્ષ થવા આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિકે માનવજીવનના દરેક પાસામાં પ્રવેશીને એક એવું અમરત્વ પ્રાપ્ત કરી લીધેલ છે કે, તેમાંથી બહાર આવવાનું જાણે કે અસંભવ બની ગયું છે. આપ જે ડ્રોઇંગરૂમમાં, ઓફ્સિમાં, દુકાનમાં કે પછી કારમાં, ટ્રેનમાં કે ફ્લાઇટમાં બેસીને આ લેખ વાંચી રહ્યા છો ત્યાં આજુબાજુ નજર કરતાં આપ ખુદ અચંબો પામશો કે ચોતરફ પથરાયેલ ચીજવસ્તુઓમાં સૌથી વધુ તો પ્લાસ્ટિકની બનેલી છે. પહેલાં જે લાકડું, ધાતુ, કાચ, માટી, રબર વગેરેમાંથી બનતી હતી તેમાંની મોટાભાગની વસ્તુઓ આજે પ્લાસ્ટિકની જોવા મળે છે. શાંતિથી વિચારશો તો, તે વાત અચરજ પમાડશે કે સવારથી રાત સુધીમાં આપણે પ્લાસ્ટિકની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક નામના આ કૃત્રિમ પદાર્થે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મૂળ ગ્રીક શબ્દ ‘પ્લાસ્ટિકોઝ’ ઉપરથી બનેલો શબ્દ પ્લાસ્ટિક તેના વિવિધ સોહામણા અને લોભામણા ગુણધર્મો જેવા કે ટકાઉપણું, જુદા જુદા રંગ, આકાર અને સાઇઝમાં ઉપલબ્ધતા તથા લીસી સપાટીને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. અન્ય પદાર્થોની ઘનતા (કિલોગ્રામ પ્રતિ ઘનમીટર) લોખંડ (7850), તાંબુ (8930), ટાઇટેનિયમ (4500) તથા એલ્યુમિનિયમ (2700)ની સરખામણીમાં પ્લાસ્ટિક માત્ર 1000થી 1100 કિલોગ્રામ પ્રતિ ઘનમીટરની ઘનતા સાથે હળવુંફૂલ છે પરંતુ એટલી જ ભારેખમ છે તેની પર્યાવરણીય અસરો, છેલ્લા 50 વર્ષોમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન લગભગ 22 ગણું વધીને હાલ પ્રતિવર્ષ 37 કરોડ ટન જેટલું છે જેમાંથી 50% કરતાં વધુ જથ્થો માત્ર એક વખત ઉપયોગમાં લેવાતાં પ્લાસ્ટિકનો હોય છે. પરિણામે દર વર્ષે અંદાજે 30 કરોડ ટન પ્લાસ્ટિક કચરો આ પૃથ્વી ઉપર જમા થાય છે.

ભારતમાં દર વર્ષે દોઢ કરોડ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જે પૈકી 33 લાખ ટન પ્લાસ્ટિક કચરા સ્વરૂપે સરદર્દ બને છે. કેટલાક મૂળભૂત નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનાં કારણે તેમજ વ્યાપક ગરીબીના કારણે આપણા દેશમાં પ્લાસ્ટિકનો માથાદીઠ વપરાશ પ્રતિવર્ષ 11 કિલોગ્રામ છે જે વૈશ્વિક સરેરાશ (28 કિલોગ્રામ) તથા અમેરિકા જેવા સમૃદ્ધ દેશ (109કિલોગ્રામ)ની સરખામણીએ મર્યાદિત ગણાય. આમ છતાં આપણા દેશમાં પ્રત્યેક નાગરિક પ્રતિદિન 8 ગ્રામ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે, જો કે દિલ્હીમાં તો તે 37 ગ્રામ અને ગોવામાં 60 ગ્રામ પ્રતિવ્યક્તિ પ્રતિદિન છે. સેલ્યુલોઝ, કોલસો, પ્રાકૃતિક ગેસ, મીઠું તેમજ ક્રૂડ ઓઈલ જેવા પ્રાકૃતિક પદાર્થોમાંથી એકવાર પ્લાસ્ટિક તરીકે એ જન્મ લે પછી તે મોટે ભાગે ખાતરમાં પરિર્વિતત ના થઈ શકે તેવું સિન્થેટિક મટિરિયલ બની જાય છે. પ્લાસ્ટિક આપણાં જીવનને વધુ સ્વચ્છ, સરળ, સલામત અને આનંદપ્રદ બનાવે છે અને તે પ્રમાણમાં સસ્તું છે તેના પરિણામે ખાદ્ય પદાર્થોના પેકેજિંગથી લઈને આપણા કપડાં, ઘરો, વાહનો, રમકડાં, ટીવી / મોબાઈલ સ્ક્રીન, ઇન્ફેર્મેશન ટેક્નોલોજીના તથા લેબોરેટરીના સાધનો ફિલ્મસ, ફઇબર, પ્લેટસ, ટયૂબ્સ, બોટલ્સ, બોક્સ વગેરે વગેરે અનેક સ્વરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિકનું માર્કેટ હાલ 45,000 અબજ રૂપિયા પ્રતિ વર્ષ છે જ્યારે લોખંડનું 75,000 અબજ રૂપિયા પ્રતિવર્ષ છે. પ્લાસ્ટિકના માર્કેટમાં પ્રતિવર્ષ 3.4% નો વધારો થઈ રહ્યો છે જે જોતાં નજીકના ભવિષ્યમાં જ તે સ્ટીલના માર્કેટને આંબી જાય તો નવાઈ નહીં.

પરંતુ આ રૂપાળા પ્લાસ્ટિકે જે પર્યાવરણીય સમસ્યાઓ સર્જી છે તે મહાનગરોના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી લઈને અફાટ જળરાશિ ધરાવતાં સાગરોની મલિનતા સુધી વિસ્તરેલી છે. પ્રતિવર્ષ 80 લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ઠલવાઈ રહ્યું છે અને આ નંબર ભયજનક રીતે સતત વધી રહ્યો છે. આશરે એક હજાર જેટલી નદીઓ તેના જળરાશિની સાથે-સાથે દરિયામાં પ્લાસ્ટિક ઠાલવ્યાં કરે છે, જે પૈકીનો મોટાભાગનો પ્લાસ્ટિક કચરો 10 મોટી નદીઓ ઠાલવે છે. ઉદાહરણ તરીકે ચીનની યાંગ્ત્ઝે   નદી પ્લાસ્ટિક કચરાનો સૌથી મોટો સ્ત્રોત છે જે દર વર્ષે 15 લાખ ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં ઠાલવે છે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમ ના અહેવાલ ‘પોલ્યૂશન ટુ સોલ્યુશન’ મુજબ જો અત્યંત કડક પગલાં ના લેવામાં આવે તો વર્ષ 2040 સુધીમાં દરિયામાં ઠલવાતા પ્લાસ્ટિક કચરામાં ત્રણ ગણો વધારો થનાર છે.

સુક્ષ્મ દરિયાઈ પ્રજીવોથી માંડીને માછલીઓ, કાચબા તથા વહેલ જેવા તમામ જીવો પ્લાસ્ટિકના અત્યાચારથી અત્યંત પરેશાન છે. પ્લાસ્ટિક જળ, જમીન અને વાયુ એમ ત્રણેય પ્રકારના પ્રદૂષણો માટે જવાબદાર છે અને આપણી ત્રિ-પરિમાણીય વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા માટે કારણભૂત બને છે જેમાં ક્લાયમેટ ચેન્જ, જૈવિક વિવિધતામાં ઓટ અને પ્રદૂષણનો સમાવેશ થાય છે. વૈશ્વિક કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક કક્ષાએ વિવિધ સંસ્થાઓ તથા સરકારો પ્લાસ્ટિક પ્રદૂષણની વિશ્વવ્યાપી સમસ્યા પ્રત્યે જાગૃત છે જ અને વિવિધ સ્તરે આ પડકારને પહોંચી વળવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આ બહુઆયામી પ્રયાસોની રસપ્રદ વાત આવતા ગુરુવારે કરીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો