ગીતો વગર પણ સફળ રહેલી સિનેજગતની ફિલ્મો - Sandesh
1.6M
1M
1.7M
APPS

ગીતો વગર પણ સફળ રહેલી સિનેજગતની ફિલ્મો

 | 12:11 am IST
  • Share

ફિલ્મી ટ્રેક :- મોના સુતરિયા

લગભગ દરેક હિન્દી ફિલ્મમાં ઓછામાં ઓછું એક ગીત તો અવશ્ય હોય જ છે. બોલિવૂડમાં ભાગ્યે જ એવી કોઈ ફિલ્મો હશે જેમાં ગીતો ન હોય. અરે, અમુક ગીતોમાં તો સ્ટોરી ઓછી અને ગીતો વધારે હોય એવું પણ બને છે, કારણ કે માનવામાં આવતું આવ્યું છે કે ગીતો એ ફિલ્મનો આત્મા હોય છે. ગીતોને કારણે જ ફિલ્મની ઓળખ બને છે. ઘણી એવી ફિલ્મો પણ છે જેમાં ફિલ્મ ભલે ન ચાલી હોય પણ તેનાં ગીતોએ ધૂમ મચાવી હોય. અને એવી પણ ફિલ્મો હોય છે જેમાં દસથી પણ વધારે ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. તમે નહીં માનો પણ એક જૂની ફિલ્મ ‘ઈન્દ્રસભા’માં લગભગ ઈક્કોતેર ગીતો હતાં. પણ આજે તમને એવી ફિલ્મોની વાત કરીશું જેમાં એક પણ ગીતનો સમાવેશ કર્યો ન હોય અને માત્ર વાર્તાના દમ પર જ ફિલ્મે સફળતા મેળવી હોય. અને દર્શકોએ પણ એવી ફિલ્મોનાં ભારોભાર વખાણ કર્યાં છે.

ભૂત (૨૦૦૩)

નિર્માતા રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભૂત ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અજય દેવગન અને ઊર્િમલા માતોંડકર મૂખ્ય ભૂમિકામાં હતાં. સામાન્ય રીતે ભૂતિયા ફિલ્મમાં ગીતો ઓછાં જ હોય છે. પણ ફિલ્મ ‘ભૂત’માં એક પણ ગીત ફિલ્માવામાં આવ્યું નથી. જોકે આ ફિલ્મમાં પ્રમોશનલ ગીતો હતાં પણ તે ફિલ્મની વાર્તાનો ભાગ ન હતાં. એક પણ ગીત ન હોવા છતાં દર્શકોએ તેને ઘણી પસંદ કરી હતી.

બ્લેક (૨૦૦૫)

૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘બ્લેક’નું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની મોટાભાગની ફિલ્મોમાં ગીતો તો હોય જ છે પણ તેમની આ ફિલ્મમાં એક પણ ગીતનો સમાવેશ કર્યો નથી. ફિલ્મ ‘બ્લેક’માં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ ઉમદા અભિનય કર્યો છે. તેમના અભિનયનાં દર્શકોએ મન ભરીને વખાણ કર્યાં છે. ફિલ્મ ‘બ્લેક’માં રાની મુખર્જીએ એક આંધળી અને બહેરી છોકરીની ભૂમિકા નિભાવી છે જ્યારે અમિતાભ બચ્ચન તેના મેન્ટોર છે.

ધ વેનસ ડે (૨૦૦૮)

ફિલ્મ ‘ધ વેનસ ડે’ ૨૦૦૮માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં નસિરુદ્દીન શાહ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં એક સામાન્ય માણસની વાત કરી છે, જે સિસ્ટમ સામે જાતે બાથ ભીડે છે. ફિલ્મ ‘ધ વેનસ ડે’ની નો સોંગ ફિલ્મોમાં ગણતરી થાય છે. પણ ફિલ્મની વાર્તા એટલી દમદાર છે કે અંત સુધી દર્શકોને જકડી રાખે છે. આ ફિલ્મે દર્શકો તરફથી ઘણી વાહવાહી મેળવી છે.

ભેજા ફ્રાય (૨૦૦૭)

ફિલ્મ ‘ભેજા ફ્રાય’ પણ આ હરોળમાં આવે છે. ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘ભેજા ફ્રાય’ તે સમયની સફળ કોમેડી ફિલ્મોમાંની એક છે. ફિલ્મની વાર્તા એકદમ સરળ છે, તેમ છતાં તે દર્શકોના દિલમાં ખરી ઊતરી છે. ફિલ્મમાં રજત કપૂર, વિનય પાઠક અને મિલિંદ સોમન જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ ‘ભેજા ફ્રાય’માં એક પણ ગીત નથી પણ ફિલ્મની વાર્તા એટલી દમદાર હતી કે ફિલ્મી પડદે તે હિટ ફિલ્મ રહી છે. આ ઉપરાંત આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે.

ધ લંચબોક્સ (૨૦૧૩)

દુનિયાને અલવિદા કહી ગયેલા અને જેમણે પોતાની અભિનયશૈલીથી દર્શકોનાં દિલમાં એક જગા બનાવી છે તેવા અભિનેતા ઈરફાન ખાન અભિનીત ફિલ્મ ‘ધ લંચબોક્સે’ પણ ઘણી પ્રશંસા મેળવી છે. ઈરફાન ખાનની અભિનય શૈલીએ ફિલ્મને એક અલગ જ સ્ટેજ પર પહોંચાડી છે. આ ફિલ્મમાં બે એવા લોકોની વાત કરી છે જેઓ એકબીજાને ઓળખતા નથી. પણ એક લંચબોક્સ મારફતે તેઓ મળે છે. આ ફિલ્મમાં એક પણ ગીત ફિલ્માવાયું નથી તેમ છતાં લોકોએ તેને ઘણી પસંદ કરી છે. ઈરફાનની હિટ ફિલ્મોના લિસ્ટમાં ફિલ્મ ‘લંચબોક્સ’નો પણ સમાવેશ થઈ શકે છે.

ડરના મના હૈ (૨૦૦૩)

૨૦૦૩માં આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ડરના મના હૈ’ની ગણતરી પણ ગીતો વગરની ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મમાંય એક પણ ગીત સાંભળવા મળશે નહીં. આ ફિલ્મમાં અનેક જાણીતા કલાકારોનો જમાવડો છે. ફિલ્મમાં દરેક પાત્રની એક અલગ વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મ ‘ડરના મના હૈ’માં સૈફ અલી ખાન, શિલ્પા શેટ્ટી, સોહેલ ખાન અને નાના પાટેકર જેવા ઉમદા કલાકારોએ અભિનય કર્યો છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન