દુનિયામાં સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ તેનો ફાયદો તમામ દેશો અને વસ્તીને સમાન રીતે નથી મળી રહ્યો.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નવા રિપોર્ટ મુજબ છેલ્લા બે દાયકામાં સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધતા વધવા છતાં ધનિક અને ગરીબ દેશો વચ્ચે મોટો તફાવત યથાવત છે.ડૉક્ટરોની વધતી ઉંમર આવનારા વર્ષોમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે એક નવો પડકાર બની શકે છે. વિશ્વમાં દર ચારમાંથી એક ડૉક્ટર નિવૃત્તિના આરે છે.2006માં વિશ્વમાં દર 10 હજાર લોકોની વસ્તીદીઠ સરેરાશ 44.8 સ્વાસ્થ્યકર્મી હતા.2025માં આ સરેરાશ વધીને 67.9 થઈ છે પરંતુ વિશ્વમાં લગભગ 25 ટકા ડૉક્ટરોની ઉંમર 55 વર્ષ કે તેથી વધુ છે.દર ચારમાંથી એક ડૉક્ટર સેવાનિવૃત્તિની ઉંમર નજીક પહોંચી રહ્યા છે.ઉચ્ચ આવકવાળા દેશોમાં સ્થિતિ વધુ ગંભીર છે.ત્યાં લગભગ 33 ટકા ડૉક્ટરો 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.
ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની શું સ્થિતિ છે?
દેશમાં 15,35,155 નોંધાયેલા એલોપેથિક ડૉક્ટરો અને 7,51,768 નોંધાયેલા આયુષ તબીબો છે. જો એલોપેથિક અને આયુષ બંને પ્રણાલીઓમાં નોંધાયેલા તબીબોમાંથી 80 ટકા ઉપલબ્ધ ગણવામાં આવે તો ડૉક્ટર-વસ્તી ગુણોત્તર 1:811 હોવાનો અંદાજ છે.જે વિશ્વ આરોગ્ય સંસ્થાના 1:1000 ના ધોરણ કરતા સારો છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,દેશમાં 39.40 લાખ નર્સિંગ કર્મચારીઓ છે અને જો તેમાંથી 80 ટકા સક્રિય હોય તો દર હજાર વસ્તી પર 2.23 નર્સોનો ગુણોત્તર બને છે. દેશમાં નર્સિંગ કર્મચારીઓની જરૂરિયાતને પૂરી કરવા માટે 806 સરકારી સંસ્થાઓ સહિત 5310 નર્સિંગ સંસ્થાઓ છે, જ્યાંથી દર વર્ષે લગભગ 3.82 લાખ નર્સિંગ કર્મચારીઓ બહાર આવે છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાદવે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં આ માહિતી આપી હતી.

ભારતમાં 20 ટકા જેટલા ડોક્ટરો જ સરકારી સેવામાં કાર્યરત છે
ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર તમામ રાજ્યોમાં ફરજ બજાવતા કુલ સરકારી ડૉક્ટરોનો કોઈ એક કેન્દ્રીય લાઈવ ડેટાબેઝ ઉપલબ્ધ નથી.જો કે વિવિધ સ્વાસ્થ્ય રિપોર્ટો અને અનુમાનો અનુસારભારતના કુલ નોંધાયેલા ડૉક્ટરોમાંથી માત્ર 10%થી 20% ડૉક્ટરો જ સરકારી સ્વાસ્થ્ય સેવાઓમાં કાર્યરત છે બાકીના ડૉક્ટરો ખાનગી પ્રેક્ટિસ અથવા કૉર્પોરેટ હોસ્પિટલોમાં સેવાઓ આપી રહ્યા છે.દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્રોને સુચારુ રૂપે ચલાવવા માટે સરકાર સતત નવા ડૉક્ટરોની ભરતી કરી રહી છે.દેશમાં ડૉક્ટરોની અછતને જોતાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાના ડૉક્ટરોની નિવૃત્તિની ઉંમર વધારીને 65 વર્ષ કરી દીધી છે.અનેક રાજ્ય સરકારોએ પણ પોતાના રાજ્યમાં સરકારી ડૉક્ટરોની સેવાનિવૃત્તિની વય મર્યાદા 62થી વધારીને 65 વર્ષ કરી દીધી છે.
વિશ્વમાં બે દાયકામાં સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યામાં મોટો ઉછાળો
રિપોર્ટના આંકડા મુજબ,છેલ્લા વીસ વર્ષોમાં વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યકર્મીઓનું પ્રમાણ 52 ટકા સુધી વધી ગયું છે. વર્ષ 2006માં દર 10 હજાર લોકો સામે સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા 44.8 ટકા હતી.જે વર્ષ 2025 માં વધીને 67.9 થઈ ગઈ છે. આ આંકડામાં ડૉક્ટરો, નર્સો, દાઈ, ડેન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટ સામેલ છે વર્તમાનમાં દુનિયાભરમાં સ્વાસ્થ્ય અને સંભાળ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓની કુલ સંખ્યા સાત કરોડથી વધુ થઈ ગઈ છે.આ ઉપરાંત,આંકડાના સંગ્રહમાં પણ જબરદસ્ત સુધારો થયો છે.જેમાં 2025માં 90 ટકાથી વધુ સભ્ય દેશોએ પોતાના સ્વાસ્થ્ય સંબંધિત આંકડા શેર કર્યા છે.

અમીર અને ગરીબ દેશો વચ્ચે મોટી અસમાનતા
વૈશ્વિક સ્તરે સંખ્યામાં થયેલા સુધારા છતાં આ પ્રગતિ દરેક જગ્યાએ એક સરખી નથી.રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સ્વાસ્થ્ય સુવિધાઓના મામલામાં દુનિયાના અમીર અને ગરીબ દેશો વચ્ચે ખૂબ મોટું અંતર છે. ઉદાહરણ તરીકે, યુરોપિયન ક્ષેત્રમાં ડૉક્ટરોનું પ્રમાણ આફ્રિકન ક્ષેત્રની તુલનામાં 13 ગણું વધારે છે.બીજી તરફ,નર્સો અને દાઈઓની વાત કરીએ તો યુરોપમાં તેમની સંખ્યા આફ્રિકા કરતા છ ગણી વધારે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓનું કહેવું છે કે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓનું પ્રમાણ સીધી રીતે કોઈ દેશની રાષ્ટ્રીય આવક સાથે જોડાયેલું છે.જેના કારણે ઓછી આવક ધરાવતા દેશોમાં પાયાની સારવાર પણ લોકો સુધી યોગ્ય સમયે પહોંચી શકતી નથી
સ્વાસ્થ્ય સેવા પ્રણાલી માટે નવો ખતરો
આ વર્ષના રિપોર્ટનું વિશેષ ધ્યાન સ્વાસ્થ્યકર્મીઓની ઉંમર અને વધતી વસ્તી પર છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ડૉક્ટરોનું વૃદ્ધ થવું આવનારા સમયમાં સ્વાસ્થ્ય સેવાઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે.દુનિયામાં લગભગ ચારમાંથી એક ડૉક્ટરની ઉંમર 55 વર્ષથી વધુ છે અને તેઓ આગામી એક દાયકામાં નિવૃત્ત થવાના છે.અમીર દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર છે જ્યાં લગભગ દર ત્રીજો ડૉક્ટર નિવૃત્તિની નજીક છે.એક તરફ વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધવાથી તબીબી સેવાઓની માંગ વધી રહી છે તો બીજી તરફ અનુભવી ડૉક્ટરોના નિવૃત્ત થવાથી ડોક્ટરોની ભારે અછત સર્જાઈ રહી છે.
વર્ષ 2030 સુધી સ્વાસ્થ્ય કર્મીઓની મોટી અછતનું અનુમાન
રિપોર્ટ અનુસાર,વર્ષ 2030 સુધી દુનિયાએ લગભગ 1.11 કરોડ સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની ભયંકર અછતનો સામનો કરવો પડી શકે છે.દુનિયાના 67 દેશો એવા હશે કે જેમની પાસે પોતાની વસ્તીની પાયાની સ્વાસ્થ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૂરતા ડૉક્ટરો અને નર્સો ઉપલબ્ધ નહીં હોય.વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ,આ સંકટને પહોંચી વળવા માટે દુનિયાના તમામ દેશોએ તાત્કાલિક ધોરણે નક્કર અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવી પડશે.સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો માત્ર નવી હોસ્પિટલોના નિર્માણથી શક્ય નથી.પરંતુ તેના માટે સ્વાસ્થ્યકર્મીઓના શિક્ષણ,રોજગાર,તાલીમ અને તેમની સુરક્ષામાં મોટા પ્રમાણમાં રોકાણ કરવું અનિવાર્ય છે.સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો દુનિયાએ સૌના માટે સ્વાસ્થ્યનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો આ ક્ષેત્રીય વિષમતાને દૂર કરવી પડશે અને સ્વાસ્થ્ય કર્મીઓના સંરક્ષણ તથા નવી ભરતી પર ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?