ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ અને કાયદાઓની વાતો વચ્ચે વાસ્તવિકતા સાવ અલગ ચિત્ર રજૂ કરે છે. સામાન્ય માણસ દેશી દારૂની પોટલી સાથે પકડાય તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે, પરંતુ સંપન્ન અને વગદાર વર્ગ માટે આલીશાન ફાર્મહાઉસ અને ફોર-સ્ટાર/ફાઇવ-સ્ટાર હોટેલો સુરક્ષિત અડ્ડા બની ગયા છે. છેલ્લા કેટલાક સમયમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પડેલા મોટા દરોડા દર્શાવે છે કે બર્થ-ડે કે એનિવર્સરીના ઓથા હેઠળ દારૂ અને હુક્કાની મહેફિલો બેરોકટોક ધમધમી રહી છે.

1. રાજકોટના કાલાવડ રોડ પર સરાઝા હોટેલમાં ઇતિહાસનો સૌથી મોટો દરોડો

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સૌથી ચકચારી કિસ્સો કાલાવડ રોડ પર આવેલી જાણીતી ‘સરાઝા હોટેલ’માંથી સામે આવ્યો હતો. જાણીતા ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની આગોતરી ઉજવણી માટે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં મિત્રો-સ્નેહીઓ વ્યસ્ત રહેવાના હોવાથી અગાઉથી આ મહેફિલ ગોઠવવામાં આવી હતી.

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા

આ પાર્ટીમાં સૌરાષ્ટ્રના નામાંકિત બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ, જાણીતા તબીબો અને વેપારીઓ સામેલ હતા. 75થી વધુ લોકોમાં 33 મહિલાઓ અને 43 જેટલા પુરુષો મોંઘીદાટ શરાબ અને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. દરોડા દરમિયાન મીડિયાકર્મીઓ પહોંચતાં જ હોટેલમાં જનરેટર હોવા છતાં વીજળી ગુલ કરી દેવામાં આવી હતી. મહિલાઓને પોલીસ બસમાં બેસાડતી વખતે અંધારપટ કરી દેવાયો હતો. તમામના બ્લડ સેમ્પલ લેવાયા બાદ કોર્ટમાંથી ઝડપાયેલા લોકોને જામીન મળી જતાં તેઓ મુક્ત થયા હતા. હોટેલ મેનેજર સામે પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

2. અમદાવાદ: શિલજના ‘ઝેફાયર ફાર્મ’માં વીકેન્ડ પાર્ટી પર પોલીસ ત્રાટકી

અમદાવાદના પોશ વિસ્તારોને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મહાઉસ કલ્ચર નબીરાઓ માટે છૂપો અડ્ડો બની ગયું છે. બોપલ નજીક શિલજ વિસ્તારમાં આવેલા ‘ઝેફાયર ફાર્મ’માં બાતમીના આધારે બોપલ પોલીસે રાત્રિના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂ, હુક્કા અને મોંઘા વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ૬ મહિલાઓ સહિત 15થી વધુ (કુલ 20 જેટલા) નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ફાર્મહાઉસ મિલન પટેલ નામના શખ્સનું હતું, જે વીકેન્ડમાં પાર્ટીઓ માટે ભાડે અપાતું હતું. પોલીસે ફાર્મ માલિકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

3. સાણંદના ફાર્મહાઉસોમાં કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાતી મહેફિલો

અમદાવાદ નજીક આવેલા સાણંદના ગ્રામ્ય પંથકના ફાર્મહાઉસો હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.સાણંદ નજીક નિર્વાણા ગ્રીન્સ ફાર્મહાઉસમાં આદર્શ અગ્રવાલની ૨૫મી મેરેજ એનિવર્સરીની ઉજવણીના નામે મોટી શરાબ પાર્ટી ગોઠવાઈ હતી. પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ૩૮ મહિલાઓ અને ૪૩ પુરુષો સહિત કુલ 81 લોકોને ઝડપી પાડ્યા હતા. ઘટનાસ્થળેથી બ્રાન્ડેડ લક્ઝરી કાર અને વિદેશી શરાબ મળી કુલ ૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘી દ્વારા આયોજિત બર્થ-ડે પાર્ટીમાં 100થી વધુ લોકોની હાજરી વચ્ચે પોલીસે ત્રાટકીને ૧૩ યુવકો અને ૨૬ યુવતીઓ મળી કુલ 39થી વધુ નબીરાઓની ધરપકડ કરી હતી.

4. ડુમસના ‘બાપુજીની વાડી’ ફાર્મહાઉસમાં કોલેજિયનોની રંગરેલિયા

સુરતમાં દરિયાકિનારા તરફ જતા ફાર્મહાઉસો મોજશોખ માટે પંકાયેલા છે.ડુમસ વિસ્તારમાં આવેલી ‘બાપુજીની વાડી’ નામના આલીશાન ફાર્મહાઉસમાં મોડી રાત્રે બર્થ-ડે પાર્ટીના નામે ધમધમતી મહેફિલ પર ડુમસ પોલીસે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી 14 યુવકો અને 8 યુવતીઓ મળી કુલ 22 નબીરાઓને શરાબના નશામાં ઝડપી પાડ્યા હતા. ચોંકાવનારી બાબત એ સામે આવી કે પકડાયેલા મોટાભાગના નબીરાઓ ઉચ્ચ અને સંપન્ન પરિવારના હતા અને કેટલાક હજુ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Explainer: વિપક્ષની ચૂંટણી રદ કરવાની માગ પર શું કહે છે કાયદો?