વર્ષ 2017ના જુલાઈ મહિનામાં યુનેસ્કો (UNESCO) દ્વારા અમદાવાદને ભારતના પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી' નો ગૌરવપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની ગંભીર બેદરકારી તેમજ આંખ આડા કાન કરવાની નીતિના કારણે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક પોળોની ઓળખ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કોટ વિસ્તારમાં આવેલા રહેણાંક અને ઐતિહાસિક હેરિટેજ મકાનો તોડીને તેની જગ્યાએ બેરોકટોક કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવતા પોળોની અસલી ઓળખ લગભગ ભુંસાઈ રહી છે.
25 વર્ષમાં 5,000થી વધુ હેરિટેજ મકાનો ગાયબ
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો ચોંકાવનારી હકીકત સામે આવે છે. વર્ષ 2001ના ભૂકંપ પછી એ સમયના મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ દ્વારા કોટ વિસ્તારના અંદાજે 1.54 ચોરસ કિલોમીટરના હેરિટેજ ઝોનમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રેડ-1, ગ્રેડ-2(A), ગ્રેડ-2(B) અને ગ્રેડ-3 મળીને કુલ 13,202 રહેણાંક હેરિટેજ મકાનો લિસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 25 વર્ષના સમયગાળામાં કોટ વિસ્તારમાંથી 5,000થી વધુ હેરિટેજ મકાનો ગાયબ થઈ ગયા છે.
ઐતિહાસિક પોળોની ઓળખ પર મોટું સંકટ
બીજી તરફ, વર્ષ 2011થી મે-2021 સુધીના 10 વર્ષના ગાળામાં કોટ વિસ્તારના 6 મુખ્ય વોર્ડ (ખાડિયા-1, ખાડિયા-2, શાહીબાગ, શાહપુર, જમાલપુર અને દરિયાપુર)માં કુલ 2,057 ગેરકાયદેસર બાંધકામો ખડકાયા હોવાનું તંત્રના જ સર્વેમાં બહાર આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, જુલાઈ-2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદ પણ આ 6 વોર્ડમાં 589 જેટલા ગેરકાયદે બાંધકામો બાંધવામાં આવ્યા છે.
2011થી 2021 દરમિયાન વોર્ડ વાઈઝ નોંધાયેલા ગેરકાયદે બાંધકામોની વિગત
- ખાડિયા-1: 492 (યુનેસ્કો દરજ્જા બાદ: 106)
- ખાડિયા-2: 426 (યુનેસ્કો દરજ્જા બાદ: 97)
- દરિયાપુર: 369 (યુનેસ્કો દરજ્જા બાદ: 105)
- જમાલપુર: 351 (યુનેસ્કો દરજ્જા બાદ: 96)
- શાહીબાગ: 242 (યુનેસ્કો દરજ્જા બાદ: 114)
- શાહપુર: 177 (યુનેસ્કો દરજ્જા બાદ: 71)
2016ના સર્વેમાં 30 ટકા ઐતિહાસિક મિલકતો જોખમી અથવા નામશેષ હોવાનો ખુલાસો
વર્ષ 2016માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં કરાવવામાં આવેલા સર્વેમાં 30 ટકા હેરિટેજ મિલકતો અસ્તિત્વમાં નહીં હોવાનું અથવા તો અત્યંત જોખમી હોવાનું તારણ સામે આવ્યું હતું. હેરિટેજ વિભાગ દ્વારા એ સમયે સ્વ. મધુસુદન નાયકના અધ્યક્ષપદે કરાવાયેલા સર્વેમાં 486 મિલકતોમાંથી 38 મિલકતો તોડી પાડવામાં આવી હતી, 19 સ્થળો ખાલી પ્લોટ જોવા મળ્યા હતા, 56 રહેણાંક હેરિટેજ બિલ્ડિંગ કોમર્શિયલ ટચ સાથે નવેસરથી બાંધી દેવાયા હતા અને 32 કેસમાં ઇમારતો જર્જરિત હાલતમાં હતી.
બે દાયકામાં હેરિટેજ મકાનોની સંખ્યામાં થયેલો તોતિંગ ઘટાડો
| ગ્રેડ | વર્ષ-2001 | વર્ષ-2021 | વર્ષ-2026 |
| ગ્રેડ-વન (1) | 458 | 30 | અપ્રાપ્ય |
| ગ્રેડ-વન (A) | 1,222 | 66 | અપ્રાપ્ય |
| ગ્રેડ-ટુ (B) | 10,822 | 560 | અપ્રાપ્ય |
| ગ્રેડ-થ્રી (3) | અપ્રાપ્ય | 1,575 | અપ્રાપ્ય |
તંત્રની મિલીભગત અને બેદરકારીના કારણે નાગરિકો લાચાર
એક સમયે ભવ્ય ઐતિહાસિક વારસા માટે ઓળખાતો કોટ વિસ્તાર અને તેમાં આવેલી પોળો નાગરિકોની લાચારી, કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કે વિપક્ષના કહેવાતા નગરસેવકોની બેદરકારીના કારણે પોતાની અસલી ઓળખ ગુમાવી ચૂક્યો છે. ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો પોળોની મૂળભૂત સ્ટ્રક્ચર સાથે ચેડાં કરીને નવી-નવી ડિઝાઈનના રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામો તાણી દે છે અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને મંજૂરી આપી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હેરિટેજ વારસો લુપ્ત થવાના આરે પહોંચી ગયો
વર્ષ-2011 અને વર્ષ-2013માં તત્કાલીન મ્યુનિ. કમિશનર દ્વારા આ પ્રકારે ઓળખિત હેરિટેજ મકાનને કોમર્શિયલ હેતુમાં ફેરવવામાં આવે તો તેને તત્કાળ તોડી પાડવા પરિપત્ર કરાયો હતો, પરંતુ તે પરિપત્રને કોર્પોરેશનના અધિકારીઓએ ઘોળીને પી ગયા હોવાથી આજે અમદાવાદનો અમૂલ્ય હેરિટેજ વારસો લુપ્ત થવાના આરે પહોંચી ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad: સાણંદ ચોકડી પર ટ્રાવેલ્સ બસ અને ઇકો કાર વચ્ચે ટક્કર; 4 લોકો ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ ફોડ્યા