રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામો જાહેર થયા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતી વખતે ગવર્નર સંજય મલ્હોત્રાએ લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. RBIએ રેપો રેટમાં વધારો કરતા લોન ધારકોની ચિંતા વધી ગઇ છે.
રેપો રેટમાં કર્યો વધારો
RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેથી રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. ત્યારે આરબીઆઇના આ નિર્ણયની અસર FD પર કેવી થશે ? લોન ધારકો કે જેઓ હાલ હપ્તા ભરી રહ્યા છે તેમની પર શું અસર થશે.. તે વિશે જાણીએ.

રેપો રેટમાં વધારાથી લોન પર અસર કેવી રીતે ?
રેપો રેટ એ મૂળભૂત રીતે તે વ્યાજ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે બેંકો માટે ભંડોળ મેળવવાનો ખર્ચ વધી જાય છે. આ વધારાનો ખર્ચ પોતે ભોગવવાને બદલે, બેંકો તેનો બોજ તેમના ગ્રાહકો પર નાખે છે. તેનું સીધું પરિણામ એ આવે છે કે વિવિધ પ્રકારની લોન જેમ કે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી બને છે.
જો તમે ₹20 લાખની લોન લીધી હોય તો EMIમાં શું ફરક આવશે ?
ધારો કે કોઈ વ્યક્તિએ બેંક પાસેથી 20 વર્ષના સમયગાળા માટે 7.5%ના વ્યાજ દરે ₹20 લાખની હોમ લોન લીધી છે. તો હાલનો EMI ₹16,112 થાય છે. જો કે, RBI દ્વારા 25 બેઝિસ પોઈન્ટ (અથવા 0.25%)નો વધારો કર્યા પછી, વ્યાજ દર 7.75% થઈ જશે. આ ગણતરીના આધારે, ₹20 લાખની લોન માટે માસિક EMI વધીને ₹16,419 થશે. એટલે કે દર મહિને ₹307ની વધારાની ચુકવણી કરવી પડશે.
જો તમે ₹30 લાખની લોન લીધી હોય તો EMIમાં શું ફરક આવશે ?
હવે, એવી સ્થિતિનો વિચાર કરો કે જેમાં કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 7.50%ના વ્યાજ દરે ₹30 લાખની લોન લીધી છે. હાલમાં, માસિક EMI ₹24,168 હશે, પરંતુ, RBI દ્વારા 25-બેઝિસ-પોઈન્ટના વધારા બાદ દર 7.75% થતાં, માસિક EMI વધીને ₹24,628 થઈ જશે. આનો અર્થ એ છે કે દર મહિને વધારાના ₹460 ચૂકવવા પડશે.

જો તમે ₹50 લાખની લોન લીધી હોય તો EMIમાં શું ફરક આવશે ?
ચાલો ₹50 લાખની હોમ લોન માટેના આંકડાઓની ગણતરી કરીએ. જો કોઈ વ્યક્તિએ 7.5%ના વ્યાજ દરે 20 વર્ષ માટે આટલી રકમની લોન લીધી હોય, તો તેઓ હાલમાં ₹40,280નો માસિક EMI ચૂકવતા હશે. જોકે, જો વ્યાજ દર વધીને 7.75% થાય, તો EMI વધીને ₹41,047 થઈ જશે. આનો અર્થ એ છે કે લોન લેનારે દર મહિને વધારાના ₹767 ચૂકવવા પડશે.
રેપો રેટમાં વધારાથી FD પર કંઇ અસર પડે ?
જો તમે FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ અપડેટ છે. ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને 5.50% થઈ ગયો છે. તેની અસર કાર લોન, હોમ લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકો પર પડી શકે છે. આ ઉપરાંત, RBIના આ નિર્ણયની અસર બેન્કોના વ્યાજદર પર પણ જોવા મળી શકે છે. આગામી સમયમાં બેન્કો FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં વધારો કરી શકે છે. તેનો લાભ FD કરાવનારા લોકોને મળી શકે છે.
શું FD કરાવનારાઓને મળશે વધુ વળતર?
જો બેન્કો FDના વ્યાજદરમાં વધારો કરે છે તો નવા રોકાણકારોને અગાઉની સરખામણીએ વધુ વ્યાજ મળી શકે છે. એટલે કે જે લોકો હવે FD કરાવવાનું વિચારી રહ્યા છે, તેમને વધેલા વ્યાજદરનો લાભ મળવાની શક્યતા છે.
માહિતી અનુસાર, બેન્કો આગામી થોડા દિવસોથી લઈને કેટલાક અઠવાડિયામાં FDના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી શકે છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ઘણા મોટા તહેવારો પણ આવે છે. આવી સ્થિતિમાં બેન્કો તહેવારોની સિઝન દરમિયાન ખાસ FD યોજના શરૂ કરીને વધેલા વ્યાજદરની જાહેરાત કરી શકે છે.
તો પછી FD કરાવતા પહેલા થોડી રાહ જોવી હિતાવહ ?
જો તમે FD કરાવવા માગો છો અને મોટી રકમ જમા કરાવવાનું વિચારી રહ્યા છો, તો થોડા અઠવાડિયા રાહ જોવી યોગ્ય રહી શકે છે. આ દરમિયાન બેન્કો FDના વ્યાજદરમાં વધારો કરે તો તમને તેનો લાભ મળી શકે છે.
લોન લેનારાઓ માટે વધી શકે છે મુશ્કેલી
રેપો રેટ વધવાથી લોન લેનારા ગ્રાહકો પર પણ અસર પડી શકે છે. કાર લોન, પર્સનલ લોન અને હોમ લોનના વ્યાજદરમાં વધારો થાય તો ગ્રાહકોની EMI પણ વધી શકે છે. તેમને અગાઉની સરખામણીએ વધુ EMI ચૂકવવી પડી શકે છે. એટલે કે એક તરફ FD કરાવનારા લોકો માટે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ લોન લેનારા ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે.
