ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં રાજ્ય સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક પસાર કર્યું હતું.આ વિધેયક બહુમતીથી પસાર થઈ ગયું હતું.UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું હતું.આ બિલને હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા હવે રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટમાં પ્રસિદ્ધિ સાથે જ અમલ શરૂ થઈ જશે. ત્યારે આવો જાણીએ UCCના કાયદાના અમલથી શું બદલાવ આવશે?
ફરજિયાત લગ્ન નોંધણી અને સજા
આ વિધેયકમાં લગ્નનાં 60 દિવસમાં નોંધણી ફરજિયાતની જોગવાઇ કરવામાં આવી છે.નોંધણી ન કરાવવાથી 10000 સુધીનો દંડ થઈ શકે છે. બળજબરી/ધાક-ધમકી/છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજા તથા એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં પણ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.ફરજિયાત નોંધણીથી લગ્નને કાનૂની માન્યતા મળે છે.સ્ત્રીઓ તથા બાળકોના અધિકારોનું રક્ષણ થાય છે.ફરજિયાત નોંધણીથી વ્યક્તિની સાચી વૈવાહિક સ્થિતિ નોંધાય છે.જેના કારણે ખોટી માહિતી આપી છેતરપિંડીથી થતા લગ્નના કિસ્સાઓ નિવારી શકાય.
છૂટાછેડા-સમાનતા અને નિયંત્રણ
કોર્ટ દ્વારા છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત છે; કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે.કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે, તેમજ સ્ત્રીને કોઈપણ શરતો વિના પુનઃલગ્નનો અધિકાર આપવામાં આવ્યો છે.ફરજિયાત નોંધણી અને કોર્ટ દ્વારા માન્ય છૂટાછેડા પ્રક્રિયાના કારણે છેતરપિંડી, ગેરકાયદેસર છૂટાછેડા અને ખોટી વૈવાહિક સ્થિતિ દર્શાવવાના કિસ્સાઓને અટકાવે છે તેમજ ભવિષ્યના લગ્નોમાં પારદર્શક્તા સુનિશ્ચિત કરે છે.

ભરણપોષણ અને વારસાગત અધિકારમાં સમાનતા
બધા ધર્મો માટે ભરણપોષણની સમાન જોગવાઈના કારણે મહિલાઓને વિશેષ સુરક્ષા મળે છે. આ ઉપરાંત, સમાન સિવિલ કોડમાં તમામ ધર્મોના પુત્ર અને પુત્રીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે.પુત્ર અને પુત્રીને સમાન કૌટુંબિક હક્કો આપવાથી લિંગ સમાનતા, સ્ત્રીઓની આર્થિક સુરક્ષા અને સમાજમાં ન્યાયી અને સમાન વ્યવસ્થા સ્થાપિત થશે.
લીવ-ઇન સંબધોનું નિયમન અને સજા
લીવ-ઇન સંબંધ માટે નોંધણી ફરજિયાત છે; નોંધણી ન કરાવવાથી 3 મહિના સુધીની કેદ અથવા ₹10,000 દંડ થઈ શકે છે.જો સંબંધમાં રહેલા વ્યક્તિઓની ઉંમર 18 થી 21 વર્ષ વચ્ચે હોય તો નોંધણીની જાણ તેમના માતા-પિતાને કરવામાં આવશે.બળજબરી/ધાક-ધમકી/છેતરપિંડીથી લીવ ઈન માટે સંમતિ લેવાના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે.તેમજ સગીર સાથે લીવ ઈન સંબંધમાં પોકસો એક્ટ મુજબ સજાની જોગવાઈ છે.ઉપરાંત પહેલાથી પરણિત હોવા છતાં લીવ-ઈન સંબંધમાં રહેનાર માટે પણ કડક સજાની જોગવાઈ છે.

લીવ-ઇન રિલેશનશીપમાં સ્ત્રીને કાનૂની રક્ષણ
આ વિધેયકમાં સ્ત્રીને ભરણપોષણ અને બાળકને કાનૂની માન્યતા આપવામાં આવી છે.નોંધણીથી લીવ-ઇન સંબંધોને નિયમન કરવામાં મદદ મળશે.લીવ-ઇન પાર્ટનર દ્વારા ત્યાગ કરવામાં આવે ત્યારે મહિલાને ભરણપોષણ મળી શકે.લીવ-ઇન સંબંધમાંથી જન્મેલા બાળકોના ભરણપોષણ, ઓળખ અને વારસાના હકોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે.
UCC બનાવવા ઊંડાણપૂર્વકનો અભ્યાસ
યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાયેલી સમિતિ દ્વારા વિવિધ કાયદાઓ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વખતોવખતનાં ચુકાદાઓ અને ઉત્તરાખંડ રાજ્યના યુનિફોર્મ સિવિલ કોડ તથા વિશ્વના અન્ય દેશોના આ પ્રકારના મોડલ કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ બધાના નિષ્કર્ષરૂપે તૈયાર થયેલું યુસીસી બિલ, 2026 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યુ હતું અને બહુમતીથી પસાર થયુ હતું.