ભારતીય રેલવેએ ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ પરિવહન તરફ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના સાબરમતીથી દેશની પહેલી એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)થી ચાલતી ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે. અમદાવાદ રેલ મંડળના સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોમાં 1400 HP ક્ષમતાવાળી બે ડ્રાઇવિંગ પાવર કાર (DPCs)ને ડ્યુઅલ-ફ્યુલ ટેક્નોલોજીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ ટ્રેન 2000 કિમીથી વધુના સફળ પરીક્ષણ બાદ હવે પાટા પર દોડી રહી છે.
LNG ટ્રેન બનાવવાની પ્રોસેસ
સામાન્ય ડીઝલ ટ્રેનને LNG સિસ્ટમમાં બદલવા માટે ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ માટે એન્જિન (Driving Power Cars - DPC) માં ખાસ ફેરફારો કરવામાં આવે છે
ક્રાયોજેનિક ટાંકી ફિટ કરવી: કુદરતી ગેસને પ્રવાહી રાખવા માટે અત્યંત નીચું તાપમાન (-162°C) જરૂરી છે. આ માટે ટ્રેનના પાવર કારમાં સ્પેશિયલ ડબલ-વોલ વેક્યૂમ ઇન્સ્યુલેટેડ ક્રાયોજેનિક ટાંકી લગાવવામાં આવે છે. દાખલા તરીકે, નવી ભારતીય ટ્રેનમાં 2,200 લીટરની ટાંકી સ્થાપિત કરાઈ છે.
રી-ગેસિફિકેશન સિસ્ટમ: પ્રવાહી LNGને સીધું એન્જિનમાં દહન કરી શકાતું નથી. તેથી, ટાંકી સાથે એક હીટ એક્સચેન્જર (Vaporizer) જોડવામાં આવે છે, જે પ્રવાહી ગેસને ફરીથી સામાન્ય ગેસ સ્વરૂપમાં ફેરવે છે.
ડ્યુઅલ-ફ્યુઅલ કીટ અને માઇક્રોપ્રોસેસર કંટ્રોલ: એન્જિનના સિલિન્ડરમાં ગેસ અને ડીઝલ બંનેનું ચોક્કસ મિશ્રણ મોકલવા માટે ઇલેક્ટ્રોનિક ગેસ કંટ્રોલ સિસ્ટમ અને ઇન્જેક્ટર લગાવવામાં આવે છે. આ કંટ્રોલર નક્કી કરે છે કે, ક્યારે કેટલો ગેસ અને કેટલું ડીઝલ વાપરવું.
LNG ટ્રેનનું સંચાલન
એલએનજી ટ્રેન રોડ પર ચાલતી CNG કાર જેવી જ પણ વધુ મોટા પાયે ડ્યુઅલ-ફ્યુઅલ મોડ પર કામ કરે છે.
ઇંધણ ભરવાની પ્રક્રિયા: પ્રેશરાઇઝ્ડ નોઝલ દ્વારા ક્રાયોજેનિક ટાંકીમાં અત્યંત સાવચેતીપૂર્વક લિક્વિડ નેચરલ ગેસ ભરવામાં આવે છે.
એન્જિન સ્ટાર્ટ અને પ્રારંભિક પિકઅપ: ટ્રેનને જ્યારે ચાલુ કરવામાં આવે કે લોડ વધુ હોય (Idle/Start Mode), ત્યારે તે 100% ડીઝલ પર શરૂ થાય છે, કારણ કે LNG દબાણથી આપમેળે સળગતો નથી.
ડ્યુઅલ-ફ્યુઅલ મોડ પર શિફ્ટિંગ: એકવાર ટ્રેન ગતિ પકડી લે, એટલે ઓટોમેટિક સિસ્ટમ ડીઝલનો વપરાશ ઘટાડીને LNG સપ્લાય શરૂ કરે છે. ગેસ સિલિન્ડરમાં પ્રવેશતાની સાથે જ ડીઝલ એક 'સ્પાર્ક' (પાયલોટ ઇગ્નીશન) તરીકે કામ કરે છે. આ સિસ્ટમમાં આશરે 40% થી 50% ડીઝલની બચત થાય છે અને તેની જગ્યા LNG લે છે.
રેન્જ અને ફ્લેક્સિબિલિટી: જો મુસાફરી દરમિયાન LNG ગેસ ખલાસ થઈ જાય, તો ટ્રેન અટક્યા વગર આપમેળે પૂરેપૂરી ડીઝલ મોડ પર શિફ્ટ થઈને ચાલતી રહે છે. સિંગલ રિફિલિંગમાં આ ટ્રેન 400 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે.
https://www.instagram.com/reel/Ddyn0Togmko/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
ડ્યુઅલ-ફ્યુલ ટેક્નોલોજી, ડીઝલ અને એલએનજી બંને પર ચાલશે ટ્રેન
આ નવી ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, ટ્રેન માત્ર ડીઝલ પર નિર્ભર નથી. આ ઇન્જિન ડીઝલ અને એલએનજી બંને પર કામ કરી શકે છે. જેમ સામાન્ય કાર પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલી શકે છે અને જરૂર મુજબ સ્વિચ કરી શકાય છે, તેવી જ રીતે આ ટ્રેન પણ ઇંધણની ઉપલબ્ધતા મુજબ ડીઝલથી એલએનજી અથવા એલએનજીથી ડીઝલ પર ફેરવી શકાય છે. એલએનજી ઉપલબ્ધ ન હોય ત્યારે પણ ટ્રેનનું સંચાલન અટકશે નહીં.
https://twitter.com/AmitShah/status/2104108373067350287
રેલવેને થશે મોટી નાણાકીય બચત
આ પ્રોજેક્ટથી રેલવેને ઇંધણ પાછળ ભારે બચત થવાની અપેક્ષા છે. 2000 કિમીથી વધુના ફિલ્ડ ટ્રાયલ પછી એવું સાબિત થયું છે કે, એક ડીપીસી (DPC)થી વાર્ષિક આશરે 11.9 લાખ રૂપિયાની બચત થશે. જ્યારે 8 કોચવાળી આખી ટ્રેન માટે વાર્ષિક અંદાજે 23.9 લાખ રૂપિયાની બચત થશે. ડીપીસીમાં આશરે 2200 લીટર ક્ષમતાવાળો એલએનજી ટેન્ક લગાવવામાં આવ્યો છે, જેમાં 950 થી 1000 કિલોગ્રામ એલએનજી ભરી શકાય છે. ટેન્ક ફૂલ થવા પર ટ્રેન અંદાજે 440 કિમીથી વધુનું અંતર કાપી શકે છે.
પર્યાવરણને શું ફાયદો થશે?
પર્યાવરણની દ્રષ્ટિએ આ ટ્રેન અત્યંત ફાયદાકારક સાબિત થશે. એલએનજીના ઉપયોગથી અંદાજે 40 ટકા સુધી ડીઝલનો વપરાશ ઓછી થશે. આના કારણે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને પર્ટીક્યુલેટ મેટર (PM) જેવા હાનિકારક પ્રદૂષકોના ઉત્સર્જનમાં ભારે ઘટાડો થશે, જે હવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે.
https://twitter.com/drmadiwr/status/2104053918439498187
એલએનજી ટ્રેનના ફાયદા શું શું છે?
- ખર્ચમાં બચત: ડીઝલની સરખામણીમાં એલએનજી સસ્તું હોવાથી વાર્ષિક લાખો રૂપિયાની બચત થાય છે (એક રેક દીઠ અંદાજે 23.9 લાખ રૂપિયા).
- પ્રદૂષણમાં ઘટાડો: કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પર્ટીક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે.
- વધુ રેન્જ: એકવાર ટેન્ક ફૂલ થવાથી ટ્રેન લાંબુ અંતર (લગભગ 440 કિમી) કાપી શકે છે, જેથી વારંવાર રિફ્યુઅલિંગની જરૂર પડતી નથી.
- ડ્યુઅલ-ફ્યુલ સુવિધા: એલએનજી ઉપલબ્ધ ન હોય ત્યારે પણ ડીઝલ પર સ્વિચ કરીને ટ્રેન ચાલુ રાખી શકાય છે.

ભારત અને વિશ્વમાં એલએનજી ટ્રેન ક્યાં ક્યાં ચાલે છે?
ભારતમાં: ભારતીય રેલવે દ્વારા સૌપ્રથમવાર અમદાવાદ ડિવિઝનના સાબરમતી ડિપો ખાતે 1400 HP ડ્રાઇવિંગ પાવર કારને એલએનજી-ડીઝલ ડ્યુઅલ-ફ્યુલ સિસ્ટમમાં કન્વર્ટ કરીને આ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં સ્ટીમ, ડીઝલ, ઇલેક્ટ્રિક, સીએનજી અને હાઇડ્રોજન ટ્રેનો પણ ચાલી ચૂકી છે.
વિશ્વમાં: રશિયા, કેનેડા, અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં માલગાડીઓ અને મુસાફર ટ્રેનો માટે એલએનજી ટેક્નોલોજીનો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે.
એલએનજી ટ્રેનથી મુસાફરોને શું ફાયદો થાય છે?
શુદ્ધ અને પોલ્યુશન ફ્રી સફર: પ્રદૂષણ ઓછું થવાથી મુસાફરો અને આસપાસના વિસ્તારના લોકોને શુદ્ધ વાતાવરણ મળે છે.
- ભરોસાપાત્ર અને સરળ મુસાફરી: ડીઝલ ઇન્જિન જેવી જ શક્તિ (પાવર), વિશ્વસનીયતા અને પ્રદર્શન મળવાથી મુસાફરીમાં કોઈ અડચણ આવતી નથી.
- વિકસિત રેલવે સેવા: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટ્રેનોના કારણે ભારતીય રેલવે વધુ આધુનિક અને સમયબદ્ધ બને છે.

