જમ્મુ-કાશ્મીરના દક્ષિણ હિમાલયમાં 3,880 મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. એક તરફ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે, તો બીજી તરફ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે 'બાબા બર્ફાની' (હિમ શિવલિંગ) ઝડપથી પીગળી રહ્યા હોવાના અહેવાલોએ ચિંતા વધારી દીધી છે.
કુદરતી અને માનવસર્જિત કારણો જવાબદાર
આજના સંદેશ ડિજિટલ એક્સપ્લેનરમાં આપણે જાણીશું કે શિવલિંગ વહેલા ઓગળવા પાછળ કયા કુદરતી અને માનવસર્જિત કારણો જવાબદાર છે, આ વર્ષે યાત્રાની સ્થિતિ કેવી છે અને બંને રૂટનો સંપૂર્ણ રોડ મેપ શું છે.

ચિંતાજનક સમાચાર: ઝડપથી પીગળી રહ્યા છે 'બાબા બર્ફાની'
ચાલુ વર્ષની અમરનાથ યાત્રા દરમિયાન જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે હિમ શિવલિંગના કદમાં થયેલો ઘટાડો છે. મીડિયા અહેવાલો અને તાજી તસવીરો અનુસાર, પવિત્ર શિવલિંગનો આકાર પીગળીને હવે માત્ર 1 ફીટ જેટલો જ બચ્યો છે.
અગાઉ હિમ શિવલિંગની ઊંચાઈ આશરે 7 ફીટ હતી
23 મેના રોજ જ્યારે BSFના જવાનોએ પહેલી તસવીરો જાહેર કરી ત્યારે હિમ શિવલિંગની ઊંચાઈ આશરે 7 ફીટ હતી ત્યારબાદ 29 જૂને જ્યારે યાત્રાની પ્રથમ સત્તાવાર પૂજા થઈ, ત્યારે પણ હિમલિંગ 5 ફીટ કરતાં વધુ ઊંચું હતું.પણ 6 જુલાઈ સુધીમાં સામે આવેલી વિગતો મુજબ, હિમ શિવલિંગનો આશરે 90 % ભાગ ગાયબ થઈ ચૂક્યો છે અને તે માત્ર 1 ફીટની આસપાસ જ રહી ગયું છે.
યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલવાની છે
આ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલવાની છે અને તે ૨૮ ઓગસ્ટ (રક્ષાબંધન) ના રોજ પૂર્ણ થશે. યાત્રાના શરૂઆતના દિવસોમાં જ શિવલિંગ આટલું ઝડપથી ઓગળી જતાં ભક્તો અને પર્યાવરણવિદો બંને ચિંતિત છે.
હિમ શિવલિંગનું કદ ઘટવા પાછળના 5 મુખ્ય વૈજ્ઞાનિક કારણો
ભૂસ્તરશાસ્ત્ર ની ભાષામાં અમરનાથનું શિવલિંગ એ કોઈ સામાન્ય બરફનો ટુકડો નથી, પરંતુ એક પ્રાકૃતિક આઈસ સ્ટેલેગ્માઈટ (છે. ગુફાની ઉપર રહેલા ચૂનાના પથ્થર અને જિપ્સમની દરારોમાંથી ગ્લેશિયરનું પાણી જ્યારે નીચે ટપકે છે, ત્યારે ગુફાના અતિ નીચા તાપમાનને કારણે તે જમીન પર જામી જાય છે અને ધીમે-ધીમે શિવલિંગનો આકાર લે છે.
નિષ્ણાતોના મતે, આ વર્ષે શિવલિંગ વહેલા ઓગળી જવા પાછળ નીચેના 5 મુખ્ય કારણો જવાબદાર છે
તાપમાનમાં સતત વધારો
સમગ્ર વિશ્વની જેમ હિમાલયન ક્ષેત્રમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે. તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાને કારણે ગુફાની અંદરનો બરફ ખૂબ જ ઝડપથી પાણીમાં રૂપાંતરિત થઈ રહ્યો છે.
શ્રદ્ધાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા
ગુફાની અંદર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ એકસાથે પ્રવેશ કરે છે. માનવ શરીરની કુદરતી ગરમી અને શ્વાસ છોડવાની પ્રક્રિયાના કારણે ગુફાની અંદરનું સ્થાનિક તાપમાન વધી જાય છે. આ ગરમી બરફને ઓગાળવા માટે પૂરતી છે.

ટપકતા પાણીના સ્ત્રોતમાં ફેરફાર
શિવલિંગનું કદ ગુફાની છત પરથી પડતા પાણીના ટીપાં પર નિર્ભર કરે છે. જો ગરમીના કારણે પાણી જામવાને બદલે વહેવા લાગે અથવા ઉપરથી પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય, તો શિવલિંગની ઊંચાઈ અને પહોળાઈ બંને ઘટવા લાગે છે.
ભેજ અને આંતરિક પવનની સ્થિતિ
ગુફાની અંદર રહેલા ભેજનું પ્રમાણ અને ત્યાં ફૂંકાતા પવનની દિશા પણ બરફના અસ્તિત્વને અસર કરે છે. આ વર્ષે હવામાનની આંતરિક સ્થિતિ બરફને લાંબો સમય ટકાવી રાખવા માટે અનુકૂળ રહી નથી.
ક્લાઈમેટ ચેન્જ અને ઓછી બરફવર્ષા
શિયાળા અને વસંત ઋતુ દરમિયાન આ વિસ્તારમાં અગાઉની સરખામણીએ ઓછી બરફવર્ષા થઈ છે. વળી, ઉનાળાની શરૂઆતમાં જ ગરમ પવનો ફૂંકાવા અને સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાને કારણે ગ્લેશિયર્સ પર નકારાત્મક અસર પડી છે.

શું શિવલિંગ ફરી મોટું થઈ શકે?
નિષ્ણાતોના મતે, યાત્રા દરમિયાન શિવલિંગ ફરી મોટું થવાની શક્યતા નહિવત છે. આવું ત્યારે જ શક્ય બને જો આ વિસ્તારમાં અચાનક ભારે બરફવર્ષા થાય અને તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહે. જો કે, શિવલિંગ ઓગળવા છતાં અમરનાથ યાત્રા રોકવામાં આવી નથી તે પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ જ રહેશે.
બદલાતી વેધર સ્થિતિ અને ગ્લોબલ વોર્મિંગ
અમરનાથ હિમ શિવલિંગ ઓગળવા અંગે એક્સપર્ટ પ્રિયંકા જોશીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે બદલાતી વેધર સ્થિતિ અને ગ્લોબલ વોર્મિંગ આ માટે મુખ્યત્વે જવાબદાર છે. વર્ષોથી પ્રકૃતિનું ઋતુચક્ર બદલાયું છે, પરંતુ લોકોમાં તેની પૂરતી સમજ નથી. અમરનાથ એક પરમ આધ્યાત્મિક જગ્યા છે, જ્યાં આત્મશુદ્ધિ વગર ન જવું જોઈએ. આજે લોકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો વધ્યો છે કે તેઓ તેને માત્ર ફોટા પડાવવા માટેનું પિકનિક સ્પોટ સમજી બેઠા છે. વાહનોની સતત અવરજવર અને શ્રદ્ધાળુઓની પ્રચંડ સંખ્યાના કારણે ત્યાંનું સ્થાનિક તાપમાન વધે છે, જે બરફને ઓગાળે છે. આ કોઈ સામાન્ય પર્યટન સ્થળ નથી પરંતુ આધ્યાત્મિક અને તંત્ર સાધનાની પવિત્ર જગ્યા છે, જેની મર્યાદા જળવાવી ખૂબ જ જરૂરી છે.
ભક્તોનો ભારે ધસારો, આંકડાની નજરે યાત્રા
શિવલિંગના આકારમાં ઘટાડો થયો હોવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ ઓટ આવી નથી. દેશભરમાંથી લાખો ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે. આ વર્ષે આશરે 4 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ યાત્રા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રા શરૂ થયાના માત્ર ત્રણ જ દિવસમાં આશરે 60 હજાર ભક્તોએ પવિત્ર ગુફાના દર્શન કરી લીધા છે. એકલા ત્રીજા દિવસે જ 24 હજારથી વધુ લોકો ગુફા પર પહોંચ્યા હતા.ક હવે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી વધુ એક નવો જથ્થો ચુસ્ત સુરક્ષા વચ્ચે રવાના થયો છે

અમરનાથ યાત્રા રૂટ ગાઈડ: બંને રસ્તાઓની સંપૂર્ણ વિગત
પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે પ્રશાસન દ્વારા મુખ્યત્વે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે. યાત્રાળુઓ પોતાની શારીરિક ક્ષમતા અને સમયની અનુકૂળતા મુજબ આમાંથી કોઈપણ એક માર્ગ પસંદ કરી શકે છે.
બાલટાલ માર્ગ (ટૂંકો પરંતુ કઠિન રસ્તો)
આ માર્ગને નકશામાં સામાન્ય રીતે નારંગી રંગથી દર્શાવવામાં આવે છે. આ રૂટ ઘણો ટૂંકો છે, પરંતુ તેનું ચઢાણ ખૂબ જ સીધું અને કઠિન છે. યાત્રાની સત્તાવાર શરૂઆત નીલગ્રથથી થાય છે, જ્યાંથી ભક્તો બાલટાલ બેઝ કેમ્પ પહોંચે છે. બાલટાલ બેઝ કેમ્પથી આગળ વધતાં જ 2 કિલોમીટર બાદ મુખ્ય અને સીધું ચઢાણ શરૂ થાય છે. બાલટાલથી બરાડીનું અંતર આશરે 5 કિલોમીટર છે. બરાડીથી આગળ વધીને આ માર્ગ પવિત્ર 'સંગમ' સ્થળ પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં પહેલગામથી આવતો બીજો રૂટ પણ આ માર્ગ સાથે ભળી જાય છે. સંગમથી પવિત્ર ગુફાનું અંતર માત્ર 3 કિલોમીટર જેટલું જ બાકી રહે છે.
પહેલગામ માર્ગ (પરંપરાગત અને લાંબો રસ્તો)
આ માર્ગને નકશામાં વાદળી રંગથી દર્શાવવામાં આવે છે. આ ખૂબ જ જૂનો અને પરંપરાગત માર્ગ છે. તે લાંબો હોવા છતાં તેનું ચઢાણ બાલટાલ જેટલું સીધું નથી અને રસ્તામાં અદ્ભુત કુદરતી સૌંદર્ય જોવા મળે છે. આ રૂટની શરૂઆત પહેલગામથી થાય છે, જ્યાંથી વાહનો દ્વારા 16 કિલોમીટર દૂર આવેલા ચંદનવાડી સુધી પહોંચી શકાય છે. મુખ્ય પદયાત્રા અહીંથી શરૂ થાય છે.ચંદનવાડીથી આગળ વધતાં 3 કિલોમીટરનું આકરું ચઢાણ કાપીને યાત્રાળુઓ પ્રખ્યાત પિસ્સૂ ટૉપ પર પહોંચે છે. પિસ્સૂ ટૉપથી આગળ વધતાં રસ્તામાં જોજીબલ અને ત્યારબાદ નાગાકોટી જેવા મહત્વના આરામદાયક પડાવો આવે છે. નાગાકોટીથી આગળ વધીને આશરે 9 કિલોમીટરનું અંતર કાપીને ભક્તો પવિત્ર શેષનાગ તળાવ અને વરબલ પહોંચે છે. શેષનાગ તળાવનું નયનરમ્ય દ્રશ્ય આ રૂટનું મુખ્ય આકર્ષણ છે. વરબલથી આગળ વધીને પ્રખ્યાત અને સૌથી ઊંચા પોઈન્ટ એવા મહાગુણસ ટૉપ સુધી પહોંચવાનું અંતર 4.6 કિલોમીટર છે. ત્યાંથી આગળ પપીબલ આવે છે. પપીબલથી આગળ વધીને આશરે 6 કિલોમીટરનું અંતર કાપીને શ્રદ્ધાળુઓ પંચતરણી બેઝ કેમ્પ પહોંચે છે, જ્યાં રાત્રિ રોકાણની ઉત્તમ વ્યવસ્થા હોય છે. પંચતરણીથી આગળ વધીને આ પરંપરાગત માર્ગ 'સંગમ' ખાતે બાલટાલ રૂટ સાથે જોડાઈ જાય છે અને ત્યાંથી આગળના 3 કિલોમીટરકાપીને ભક્તો પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના શરણોમાં પહોંચે છે.

હાઈટેક સુરક્ષા: આતંકીઓ પર નજર અને રિયલ-ટાઇમ મોનિટરિંગ
જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને ભારતીય સેના દ્વારા અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે આ વર્ષે પણ અભેદ્ય અને બહુસ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ સપોર્ટ સ્ટાફ કે સેવા પ્રદાતા બનીને ઘૂસી ન જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા યાત્રા રૂટ પર સેવા આપતા તમામ રજીસ્ટર્ડ સર્વિસ પ્રોવાઈડર્સ (ઘોડાવાળા, પાલખીવાળા અને દુકાનદારો) ને ખાસ QR કોડવાળા ઓળખપત્રો જારી કરવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ વ્યક્તિઓની ત્વરિત તપાસ થઈ શકે. તમામ તીર્થયાત્રીઓ, તેમની ગાડીઓ અને સ્થાનિક સર્વિસ આપનારાઓ માટે RFID ટેગ ફરજિયાત કરવામાં આવ્યા છે. આનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક વ્યક્તિ અને વાહનનું રિયલ-ટાઇમ લોકેશન ટ્રેક કરી શકાય છે. પવિત્ર ગુફા અને બંને યાત્રા માર્ગોને 'નો-ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. હવામાં ડ્રોન અને જમીન પર વોચટાાવર દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. બંને રૂટના દરેક સંવેદનશીલ વળાંક અને પડાવો પર સીસીટીવી કેમેરાનું મોટું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે, જેનું 24 કલાક મોનિટરિંગ થાય છે.
ભક્તોનો વિશ્વાસ આજે પણ એટલો જ અડગ
અમરનાથ યાત્રા એ માત્ર ધાર્મિક આસ્થાનું જ પ્રતીક નથી, પરંતુ હિમાલયની સંવેદનશીલ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલો વિષય પણ છે. ભલે બાબા બર્ફાનીનું ભૌતિક સ્વરૂપ ગરમીને કારણે નાનું થઈ રહ્યું હોય, પરંતુ ગુફાની દિવ્ય ઊર્જા અને ભક્તોનો વિશ્વાસ આજે પણ એટલો જ અડગ છે. જો તમે પણ આ વર્ષે જઈ રહ્યા હોવ, તો પોતાની શારીરિક ક્ષમતા અનુસાર જ યોગ્ય રૂટ પસંદ કરો અને પ્રશાસનની સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરો. હર હર મહાદેવ
આ પણ વાંચો---- Gujarat Latest News Live : બે દિવસ રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ
