ચોમાસાની વિદાય બાદ અચાનક ભારે વરસાદ અને ત્યારબાદ તાપમાનમાં આવતા ફેરફારો હવે સામાન્ય બની રહ્યા છે.ભારતીય હવામાન વિભાગ પુણે દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ખુલાસો થયો છે કે વિતેલા 70 વર્ષોમાં ભારતના હવામાન પેટર્નમાં મોટો અને ચિંતાજનક બદલાવ આવ્યો છે. હવામાન જર્નલમાં પ્રકાશિત 'ભારતના વિવિધ ક્ષેત્રોમાં આબોહવામાં બદલાવ'નામના આ રિપોર્ટના મુખ્ય લેખિકા અને IMD પુણેના વૈજ્ઞાનિક અનન્યા કરમાકરના જણાવ્યા અનુસાર,વર્ષ 1951થી 2020 સુધીના ડેટાની સરખામણી કરતા સામે આવ્યું છે કે ઉત્તર ભારત પહેલા કરતાં વધુ ગરમ અને શુષ્ક બન્યું છે.જ્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. આ બદલાવની સૌથી મોટી અસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ગંગા નદીના મેદાની વિસ્તારોમાં થઈ શકે છે. 

છેલ્લા 70 વર્ષમાં 7 ટકા બદલાયું ભારતનું હવામાન

આ સ્ટડી રિપોર્ટ તૈયાર કરનાર આઈએમડી પૂણેના વૈજ્ઞાનિક અને તેના લેખિકા અનન્યા કર્માકરે કહ્યું હતું કે, વર્ષ 1951થી 2020 સુધીના જળવાયુ નકશાની તુલના કર્યા બાદ ઉત્તર ભારતના હવામાનમાં સૌથી મોટો બદલાવ જોવા મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે 1951થી 1980 અને 1991થી 2020 સુધીના હવામાનના આંકડાની તુલનામાં જાણવા મળ્યું હતું કે, ભારતના કૂલ ભૌગોલિક વિસ્તારનો સાત ટકા હિસ્સો પોતાની જૂની જળવાયુ શ્રેણીમાંથી બદલાઈને વધુ ગરમ અને સુકી શ્રેણીમાં પહોંચી ગયો છે.જે વિસ્તારો ગરમ અને સુકા ક્ષેત્રના મુખ્ય રૂપે રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી સિમિત હતાં તે હવે પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ આગળ વધી રહ્યા છે. સ્ટડી રિપોર્ટ પ્રમાણે એરિડ સ્ટેપી હોટ જળવાયુ ક્ષેત્ર સતત પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્ર પહેલા પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી સિમિત હતું પરંતુ હવે પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયું છે. જેનો મતલબ એ થયો કે ગંગાના ઉપજાઉ મેદાનમાં ભવિષ્યમાં પાણીની ઉલબ્ધતા, ખેતી અને ભૂજળ પર દબાણ વધી શકે છે. 

ગરમ અને ઓછા વરસાદવાળા વિસ્તારો વધ્યા

1951 થી 1980 દરમિયાન ભારતનો લગભગ 25 ટકા હિસ્સો ગરમ અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આવતો હતો.1991 થી 2020 વચ્ચે આ વધીને લગભગ 33 ટકા થઈ ગયો.બીજી તરફ એવા વિસ્તારો, જ્યાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં સરખામણીએ ઠંડી રહેતી હતી તેમનો વ્યાપ સતત ઘટતો ગયો છે.જ્યાં ઉત્તર ભારત વધુ શુષ્ક બન્યું છે ત્યાં દક્ષિણ ભારતના અનેક હિસ્સાઓમાં વરસાદ વધ્યો છે.રિપોર્ટ અનુસાર,દ્વીપકલ્પીય ભારતનો લગભગ 15 ટકા વિસ્તાર પહેલાં ગરમ અને શુષ્ક શ્રેણીમાં આવતો હતો પરંતુ હવે તે વધુ વરસાદવાળા ટ્રોપિકલ સવાના ક્ષેત્રમાં બદલાઈ રહ્યો છે.જેનાથી ત્યાં હરિયાળી અને ભેજ વધવાના સંકેતો મળ્યા છે.

ખેડૂતોએ ઓછું પાણી માંગતા પાકો તરફ વળવું પડશે

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઉત્તર ભારતમાં બદલાતી આબોહવાની સૌથી વધુ અસર ડાંગરની ખેતી પર પડી શકે છે.ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, જેથી સિંચાઈની માંગ વધી શકે છે અને ઓછું પાણી માંગતા પાકો તરફ વળવું પડી શકે છે.આ સાથે જ ખેડૂતોએ વાવણી અને કાપણીનો સમય પણ બદલવો પડી શકે છે.નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં કૃષિ કેલેન્ડરમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.સંશોધકોના જણાવ્યા અનુસાર, પેસિફિક વિક્ટોરિયા મોડ નામની દરિયાઈ પેટર્ન ચોમાસાને પ્રભાવિત કરે છે.જ્યારે તેનો સકારાત્મક તબક્કો સક્રિય થાય છે.ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ ઘટી શકે છે, જેનાથી દુષ્કાળની સ્થિતિ ઊભી થવાનું જોખમ વધી જાય છે.

ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ

ગુજરાતમાં સામાન્ય રીતે નવરાત્રિના પ્રારંભ સાથે કે ઓક્ટોબરના મધ્ય સુધીમાં વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ જતો હોય છે.પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ઠંડી હજુ સુધી ગાયબ છે. તેના બદલે રાજ્યના 09 થી વધુ શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.આ વખતે નવરાત્રિ પુરી થવા છતાંય ઠંડીની અસર અનુભવાતી નથી તેનાથી વિપરિત રાજ્યના અનેક શહેરો તપી રહ્યાં છે.સૌથી મહત્વની વાત તો એ છે કે રાજ્યનું સૌથી ઓછું તાપમાન કચ્છ જીલ્લાના નલિયામાં નોંધાતું હોય છે. જો કે અહિયા પણ નવાઈની વચ્ચે તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ગરમીમાં વધારો થયો છે. જેના કારણે સીધી અસર ખેતી પર થઈ છે. રાજ્યમાં વરસાદમાં જે જળાશયો સંપૂર્ણ છલકાયા હતાં તેમાં પણ હવે પાણીનો સ્ટોક ઘટી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે