અભિવ્યક્તિની તરફેણમાં અદાલતનું કડક વલણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અભિવ્યક્તિની તરફેણમાં અદાલતનું કડક વલણ

અભિવ્યક્તિની તરફેણમાં અદાલતનું કડક વલણ

 | 3:32 am IST
  • Share

સંકટનો સામનો કરી રહેલા લોકોને સહાયતા પહોંચાડવી સરકારોની જવાબદારી હોય છે. તે માટે તે જોવું જરૂરી નથી કે કોઇ પ્રબાવિત વ્યકતિએ મદદ માટે માગણી કરી છે કે નથી કરી. પરંતુ ઘણીવાર સંકટનું કદ એટલું મોટું હોય છે કે લોકો સામે સરકારની મદદ મેળવવા પ્રતિક્ષા કરવાને સ્થાને પોતાની કક્ષાએ જ તેનો સામનો કરવાનો પડકાર હોય છે. ક્યારેક એવું પણ થાય છે કે સરકારી વ્યવસથાની બેદરકારી, નિષ્કાળજી કે કોઇક અન્ય કારણસર સંકટ ગંભીર પણ બની જતું હોય છે. આવી સ્થિતીમાં એક સભ્ય સમાજમાં આપમેળે માનવતાને ધોરણે એકબીજાને મદદ કરવાનું અસંગઠીત કાર્ય શરૂ થઇ જાય છે. દરેક સંવેદનશીલ વ્યક્તિ પોતાની મર્યાદામાં કોઇક જરૂરિયાતમંદની મદદ કરે છે કે પછી જરૂરી માહિતી આપે છે. કોઇપણ સમાજમાં આ પ્રકારની મદદની ભાવનાનું મુલ્યાંકન લોકોની સંવેદનશીલતા અને માનવીય મુલ્યો પ્રતિની જાગૃતિના રૂપમાં થવું જોઇએ. વિટંબણા એ છે કે ઘણીવાર સરકારો આ પ્રકારની પ્રવૃત્તિની મુલવણી જાણે તેમને આરોપીના પાંજરામાં ઉભા રાખવા થતી હોય તેમ સમજી બેસે છે. હકીકત એ છે કે કામ કરવું તે સરકારની જવાબદારી છે.સવાલ એ છે કે તેમાં નિષ્ફળ જતાં સરકાર શરમ અનુભવવાને બદલે એકબીજાની મદદ કરી રહેલી જનતા પર સકંજો કસવાની શરૂઆત શા માટે કરી દેતી હોય છે.

ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે સરકારના આ વલણ સામે જ સવાલ ઉઠાવતાં કહ્યું કે કોઇ પણ રાજ્ય કોવિડ -૧૯ સંબંધી માહિતીના પ્રસાર પર સકંજો ના કસી શકે અને ઇન્ટરનેટ પર મદદનો પોકાર કરી રહેલા નાગરિકોને એક વિચારીને ચુપ ના કરી શકે કે તેઓ ખોટી ફરિયાદ કરી રહ્યા છે. અદાલતે ત્યાં સુધી કહી દીધું કે સોશિયલ મીડિયા પર લોકોને મદદ માટે પોકાર કરતા સહિતની કોરોના સંબંધી માહિતીના સ્વતંત્ર પ્રવાહને રોકવાનો કોઇ પ્રયાસ થશે તો તેને ન્યાયાલયની અવગણના માનવામાં આવશે.

સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો ઉત્તર પ્રદેશ સરકારના તે નિર્ણય સંદર્ભમાં આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલમીડિયા પર મહામારી સંબંધી કોઇ ખોટા અહેવાલો ફેલાવવામાં આવશે તો રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ પોતાના ૮૮ વર્ષના બિમાર દાદાને ઓક્સિજન ઉપલબ્ધ થાય તે હેતુસર સોશિયલ મીડિયા પર મદદ માંગી હતી. પોલીસે તેની સામે મહામારી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરી દીધો હતો. આ અંગે પુર્વ ન્યાયાધીશ લોકુરે એક વ્યાખ્યાનમાં સવાલ ઉઠાવ્યો હતો કે આ રીતે મદદ માંગનારી વ્યક્તિ શું કોઇ અપરાધ કરી રહી રહ્યો છે? પુર્વ ન્યાયાધીશે કહ્યું કે આ રીત અને પદ્ધતિથી પોતાનો અવાજ ઉઠાવનારની અભિવ્યક્તિની આઝાદી પર કાતર ફેરવવામાં આવે છે. હકીકતે વીતેલા કેટલાક દિવસથી કોરોના સંક્રમિતોના ઉપચાર માટે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતની મોટી સમસ્યા સર્જાયેલી છે. સરકાર અને આરોગ્ય તંત્રની સમગ્ર વ્યવસ્થા ધરાશયી થઇ હોવાથી આ સ્થિતીનું સર્જન થયું છે. તેવામાં લોકો સોશિયલમીડિયાના માધ્યમથી બિમારીને કારણે સંકટમાં મુકાયેલા લોકો માટે ઓક્સિજન કે બેડ ઉપલબ્ધ કરાવવા પોકાર કરતા હોય છે, અને માહિતી જાહેર થતાં તેમને મદદ મળી પણ રહી છે. પરંતુ તેથી એ પણ જાહેર થઇ રહ્યું છે કે સરકારની વ્યવસ્થામાં ખામી છે. ઉત્તર પ્રદેશ સરકારને કદાચ એ વાત જ ના ગમી. અફસોસની વાત એ છે કે સામાન્ય માનવીની આ પહેલને જોઇને સરકારે હકીકતે પોતાની આરોગ્ય સેવાઓને સુધારવા પ્રયાસ કરવો જોઇતો હતો. નાગરિકોની જાગૃતિ અને સંવેદનશીલતાની પ્રશંસા કરવી જોઇતી હતી. પરંતુ એવું ના થયું. સરકારે તો આવા પોકાર કરનારા પર ગાળિયો કસવાનું શરૂ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન