ઉ. કોરિયાનો જુલમી શાસક આખી દુનિયા માટે ખતરો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ઉ. કોરિયાનો જુલમી શાસક આખી દુનિયા માટે ખતરો

ઉ. કોરિયાનો જુલમી શાસક આખી દુનિયા માટે ખતરો

 | 4:18 am IST
  • Share

સાંપ્રતઃ મનોજ ગાંધી

લો,દસ વર્ષમાં પાંચ અણુપરીક્ષણ કરવા છતાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન ઉનને ધરવ થતો નથી. હવે તે છઠ્ઠા અણુપરીક્ષણની તૈયારી કરી રહ્યાના અહેવાલ આવી રહ્યા છે. ઉત્તર કોરિયા, ચીન અને પાકિસ્તાનની ત્રિપુટીએ જ આજની સ્થિતિ પેદા કરી છે અને અમેરિકા એ કારસ્તાનને જાણતું હોવા છતાં મૌન સેવીને બેઠું હતું. હવે જ્યારે ફરીથી કિમ જોન ઉન ઉન્માદે ચઢયો છે, ત્યારે અમેરિકા પ્યોંગયોંગને તબાહ કરી દેવાની ચીમકી આપી રહ્યું છે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોન ઈલનું ૨૦૧૧માં અવસાન થયું એ પછી તેમના જેવો જ ચહેરો  ધરાવતો કિમ જોન ઉન પ્રમુખ બની બેઠો છે. તે ભેજાગેપ અને ક્રૂર શાસક ગણાય છે. લોખંડી પડદામાં રહેતો હોય એમ એ દેશ અંગે કોઈ ખાસ માહિતી જાણવા મળતી નથી, પરંતુ વાર-તહેવારે ઉત્તર કોરિયા અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે બાંય ચઢાવતું રહે છે, તેથી ચર્ચામાં રહે છે. ઉન સૌથી શંકાશીલ શાસક છે અને તેથી જ તેને જેના ઉપર શંકા જાય તેનું ‘રામ નામ સત્ય હૈ’ થઈ જતાં વાર લાગતી નથી. ગયા વર્ષે જ મે-૨૦૧૫માં કિમ જોન ઉન સમક્ષ સુરક્ષાદળોની પરેડ યોજાઈ હતી. એ પરેડમાં તેના સંરક્ષણ મંત્રી હ્યોંગ યંગ સોલ હાજર રહ્યા ન હતા.

સોલ ઉનના શાસનની ટીકા કરતા હોવાના હેવાલ પણ તેને મળ્યા, સરવાળે ઉને તેને ગદ્દારી ગણાવીને રાજધાની પ્યોંગયોંગની ઉત્તરે આવેલી મિલિટરી અકાદમીમાં સોલને લઈ જઈ એન્ટિએરક્રાફ્ટ ગન સામે રાખીને તેને ગોળીથી મારી નાંખ્યો હતો. હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પીડાતા જોન ઉનને પોતાની ખુરશી છિનવાઈ જવાનો સતત ભય લાગતો હોય એમ સોલને કરેલી સજાને જોવા માટે તમામ સૈન્ય અધિકારીઓને તેણે હાજર રાખ્યા હતા, જેથી તેઓને ગદ્દારીનું ફળ શું હોઈ શકે તેનું ઉદાહરણ મળે. સોલ પહેલાં ઉન તેના રાજનીતિક ગુરુ અને તેના કૂઆ જેંગ સોગ ટૈકની હત્યા કરાવી હતી અને પછી પોતાની ફૂઈ સહિતના પરિવારને પણ જાહેરમાં ગોળીએ દઈ દીધો હતો. આટલી ક્રૂરતા દેખાડીને જ તે ભયનું શાસન બરકરાર રાખી રહ્યો છે. આવા ભેજાગેપ ઉને થોડા વખત પહેલાં જ એવું ફરમાન કર્યું હતું કે ઉત્તર કોરિયાના યુવાનોએ પોતાના જેવી જ હેરસ્ટાઈલ રાખવી. આવા તો કેટલાય ઉટપટાંગ ફરમાનો ત્યાં થતા રહે છે. જિન્સ આપણે ત્યાં યુવાનો હોંશેહોંશે પહેરે છે, જ્યારે જિન્સ અમેરિકાના સામ્રાજ્યવાદનું પ્રતીક હોય ઉત્તર કોરિયામાં તે પહેરવા ઉપર પ્રતિબંધ છે. દર પાંચ વર્ષે ત્યાં ચૂંટણી તો યોજાય છે, પરંતુ મતદાનપત્રકમાં એક જ નામ હોય છે- કિમ જોગ ઉનનું. પ્યોંગયોંગમાં દોઢ લાખ બેઠકોવાળું એક સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમમાં ઉન રેલી કરે ત્યારે એકપણ બેઠક ખાલી હોવી ન જોઈએ, જો રહી તો મર્યા ઠાર. આપણે તો સેવન બાય ટ્વેન્ટી ફોર ટીવી ચેનલો જોતા રહીએ છીએ, પરંતુ ઉત્તર કોરિયામાં ત્રણ જ ચેનલ ચાલે છે, જેમાંની બે તો ફક્ત વીકએન્ડમાં જ ચાલે તો ત્રીજી ચેનલ દરરોજ ફક્ત સાંજે જ ચાલતી હોય છે. બાળકોને ભણવા માટે ફી તો આપવી જ પડે છે, પણ ભણવા જાય ત્યારે બેસવા માટે ખુરશી અને ટેબલના મતલબ કે બેન્ચ માટે પણ પૈસા આપવા પડતા હોય છે. અહીં કોઈને પણ સજા થાય તો જેને સજા થાય તેના માતા-પિતા અને દાદા-દાદીએ પણ એ સજા અંતર્ગત જેલમાં કામ કરવું પડે છે.

જે દેશનો શાસક આવો ક્રૂર હોય, પોતાની પ્રજાને પણ સાંખી લેતો ન હોય, તે દુનિયા સામે તો કેવો ક્રૂર થઈ શકે એની તો કલ્પના જ કરવી રહી. કદાચ, હું મરું તો વાંધો નહીં, પણ તને વિધવા કરી જાઉં એવો અભિગમ હોય ત્યારે ઉત્તર કોરિયા વધુ જોખમી બની જાય છે, તેમાં વળી તેને ચીન અને પાકિસ્તાનનો સાથ મળી ગયો, એ ઓછું હોય એમ અમેરિકાએ તમામ કારસ્તાન નજરઅંદાજ કરી દીધા હતા. પરિણામે આજની સ્થિતિ પેદા થઈ છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે બાથ ભીડવા માટે મિસાઈલ અને અણુબોમ્બની ટેક્નોલોજી માટે ફાંફાં મારતું હતું ત્યારે ચીને તેની ટેક્નોલોજી ઉત્તર કોરિયાને વાયા પાકિસ્તાન આપી. આ બંને દેશો ચીની ટેક્નોલોજીના બળે શક્તિશાળી થઈ ગયા. એ વાત તમામ પુરાવા સાથે અમેરિકાના અખબારોએ પ્રકાશિત કરી ખરી પણ અમેરિકાએ એ ત્રણેમાંથી કોઈની સામે પગલાં ભર્યા જ નહીં.

આજે ઉત્તર કોરિયા પાસે આખી દુનિયાને તબાહ કરી શકે એટલા શસ્ત્રો હોવાનું મનાય છે. હવે જ્યારે ઉત્તર કોરિયાએ ત્રણ વર્ષના સમયગાળા બાદ અણુપરીક્ષણ કર્યું છે ત્યારે ફરીથી દક્ષિણ કોરિયા અને અમેરિકામાં સળવળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લાં દસ વર્ષોમાં તેણે બોમ્બ કે મિસાઈલના પરીક્ષણ કર્યે જ રાખ્યા છે, તેની સાથે તેના ઉપર વિવિધ પ્રતિબંધો લાગતા જ રહ્યા છે, આમ છતાં નબળા અર્થતંત્ર સાથે પણ ઉત્તર કોરિયા સાવ પડી ભાંગ્યું નથી, ઊલટાનું તે વધુ ને વધુ પરીક્ષણ કરતું રહ્યું છે. ગયા જાન્યુઆરી મહિનામાં જ તેણે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, તો તે પહેલાં તે એક રોકેટના નામે બેલાસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કરી ચૂક્યું છે.

મતલબ કે, અમેરિકા કે તે જેને કાયમી દુશ્મન માને છે એ દક્ષિણ કોરિયા તેના નિશાના ઉપર છે જ. અમેરિકાને પણ હાથે કર્યા હૈયે વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા પાસે ટાઈપોડોંગ-૩ બેલાસ્ટિક મિસાઈલ છે, જેની મારક ક્ષમતા ૧૦ હજાર કિલોમીટરની છે. ઉપરાંત મુસુડાન અને નોડોંગ મિસાઈલ પણ બેલાસ્ટિક પ્રકારની છે. તે પણ ખતરનાક નીવડી શકે છે.

આ મિસાઈલના આક્રમણ સામે તો અમેરિકા એન્ટિ-મિસાઈલ પ્રણાલી બનાવીને બચાવ કરી શકે છે. અમેરિકાએ તેના સાથી દક્ષિણ કોરિયાને બચાવવા માટે ર્ટિમનલ હાઈ એલ્ટિટયૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમ એટલે કે થાડ લગાવવાનો નિર્ણય કરી લીધો છે, પરંતુ વધુ જોખમ તો ઉત્તર કોરિયા પાસે જૈવિક અને રાસાયણિક હથિયારો હોવાનું છે. ઉત્તર કોરિયામાં આઠ ઉદ્યોગ એકમ એવા છે જે જૈવિક શસ્ત્રો બનાવવા માટે સક્ષમ છે. ૨૦૦૯માં ઈન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપના રિપોર્ટમાં કહેવાયું છે કે, ઉત્તર કોરિયા પાસે ૨૫૦૦થી ૫૦૦૦ ટન રાસાયણિક શસ્ત્રોનો જથ્થો છે. આ શસ્ત્રોમાં મસ્ટર્ડ ગેસ, સરીનથી લઈને નર્વ એજન્ટ્સ પણ તેની પાસે છે. આ શસ્ત્રો દુનિયા માટે વધુ જોખમી બની શકે છે. ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાએ એક શક્તિશાળી ન્યુક્લિયર ટેસ્ટ કરીને આખા વિશ્વને ધ્રૂજાવી મૂક્યું છે. ગયા શુક્રવારે ઉત્તર કોરિયાનો સ્થાપના દિવસ હતો. એ દિવસે આ ટેસ્ટનું અનુમોદન કરવા સાથે એવો પણ દાવો કરાયો તો કે ન્યુક્લિયર વેપન લઈ જઈ શકે એવી બેલાસ્ટિક મિસાઈલનો પણ ટેસ્ટ કરી લીધો છે.

જો કે, ઉત્તર કોરિયાના કેટલાક દાવાને ડંફાસ પણ મારી રહ્યા છે. ખાસ કરીને તેણે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યાનો દાવો ઘણા માનવા તૈયાર નથી. વિશ્લેષકો માને છે કે હાઈડ્રોજન બોમ્બ ન હતો. પૂંગેરીમાં આ પરીક્ષણ કરાયા છે. ઉત્તર કોરિયાએ ૨૦૦ કિલોમીટરની રેન્જવાળી ૩૦થી વધુ મિસાઈલ તહેનાત કરી દીધાનો પણ દાવો કર્યો છે. જોન ઉન તો દક્ષિણ કોરિયા અને અમેરિકા ઉપર હુમલો કરવાની તૈયારી કરી લીધી હોવાનો પણ દાવો કરે છે.

એ ખરું કે કિમ જોન ઉન પણ સમજતો જ હશે કે જો તે આક્રમણ કરવા જશે તો તેના હાલ પણ સદ્દામ હુસેન જેવા જ થઈ જશે. છતાં એમ પણ લાગે છે કે ઉત્તર કોરિયા નબળું પડતું જતું રાષ્ટ્ર છે અને કિમ જોન ઉન પણ નબળા નેતા છે. નબળો પતિ બૈરી પર શૂરો એ ઉક્તિ મુજબ ઉન પણ પ્રજા પર હાક અને ધાક જમાવવા માટે પ્રયાસ કરતા રહે છે. એ માટે જાહેરમાં લોકોને સજા કરતો રહે છે. આમ છતાં પ્રજામાં ઉકળાટ છે, ત્યારે લોકોની નારાજગી પોતાના શાસન સામેથી દૂર કરવા માટે તેના પિતાએ ૨૦૧૦માં કર્યું હતું એમ દક્ષિણ કોરિયાના યોંગપ્યોંગ ટાપુઓ ઉપર બોમ્બમારો કર્યો હતો, એમ ઉન પણ કોઈ હુમલાની યોજના બનાવી બેઠા હોય એમ લાગે છે. જો કે, હવે એમ કરવા જતાં ઉત્તર કોરિયા અને જોન ઉન પણ વધુ મુશ્કેલીમાં મૂકાઈ જશે, એ નક્કી. અત્યારે તો આ દ્વીપ સમૂહમાં સંઘર્ષ તેજ બનવાના એંધાણ વર્તાય રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો