વર્ષા માં 'વિશ્વા' - Sandesh
1.6M
1M
1.7M
APPS

વર્ષા માં ‘વિશ્વા’

 | 4:21 am IST
  • Share

કલિકુલગુરૂ કાલિદાસ મેઘદૂતમાં વર્ષાઋતુમાં પ્રકૃતિનું એવું આબેહૂબ વર્ણન કરે કે, યૌવન હૈયા ડોલવા માંડે, સર્વત્ર ભક્તિનું ઘોડાપૂર ઉમટે. વિશ્વભર સૂઈ જાય તેવી મધુરી કલ્પના ઋષિઓ સમજાવે અને ચરાચર સૃષ્ટિમાં વિશ્વનાં કણ-કણમાં વિશ્વભરને નિહાળવા માટે યાત્રા, મેળાવડા, કથા, પૂજા, ઉત્સવો, ગરબા, ઉપવાસ, ધ્યાન, ચાતુર્માસની સાધના સર્વત્ર શરૂ થાય.

આ બધું જ આયુર્વેદ દૃષ્ટિકોણથી પણ સમજીએ તો તે પૂર્ણતઃ વૈજ્ઞાાનિક છે તેવું આપણને ચોક્કસ લાગે. વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનના એક હજાર નામમાં સર્વ પ્રથમ નામ છે,’વિધ્ભ્’= ‘જે સર્વત્ર વ્યાપક છે તે’ આયુર્વેદમાં પણ એક ઔષધિનું નામ છે- વિશ્વમ્, વિશ્વા, વિશ્વભેષજ, મહૌષધ, નાગર, સૂંઠ- આ બધા જ પર્યાયી નામ છે- જેને આપણે સૌ સૂંઠ નામથી ઓળખીએ છીએ.

આ ચોમાસાનાં ચાર મહિના ભગવાન સૂઈ જાય છે.- અર્થાત્ પ્રત્યેક વ્યક્તિનો પાચક અગ્નિ, ભૂખ, વૈશ્વાનર, નબળો પડે છે, મંદ થાય છે, ત્યારે અગ્નિને જાળવવાનું કામ સૂંઠ કરે છે- તેથી પણ તેનું નામ વિદ્યા હોઈ શકે.

“શાંન્તેણ્નૌ મ્રિયતે યુવતં ચિરંજીવત્યાનામયઃ”

અહંવૈશ્વાનરોભૂત્વા- કહીને ભગવાને ગીતામાં કહ્યું છે કે, ‘હું પ્રત્યેકના શરીરમાં અગ્નિ, ભૂખ, સ્વરૂપે રહેલો છું અને આપણી પ્રત્યેક ક્રિયા શ્વાસોશ્વાસથી માંડીને ખોરાક પચાવવાની, વિચારવાની, ઊંઘવાની, જાગવાની અને શરીરના અંદરના બધા જ અંગોની ક્રિયામાં મુખ્ય આધાર-અગ્નિ છે, એટલે કે ઈશ્વર છે અને આ અગ્નિ શાંત થશે તો તે મૃત્યુ જ છે- અને અગ્નિ જેટલો નબળો તેટલી બીમારી.’

આદુનું બીજું નામ અગ્નિ છે. ભૂખ લગાડવાનું કામ આદુનું છે- આદુ ગરમ છે- વર્ષાઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, પિત્તનો સંચય થાય છે. શરદઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે.- આદુથી વાયુનું શમન થાય પરંતુ ગરમ હોવાથી પિત્ત વધે- જયારે આદુનું જ બીજું સ્વરૂપ સૂંઠ એ ગરમ નથી અને તેના ગ્રાહી ગુણથી કફ અને પિતનું શોષણ કરે છે. મધુર વિપાકથી પિતનું શમન કરે છે અને તીખારસથી વાયુનું શમન કરે છે- સૂંઠ એ ત્રણેય દોષનું શમન કરનારી ભૂખ લગાડનારી, પાચન સુધારનારી, શરીરના કોઈપણભાગમાંથી વહી જતા પ્રવાહીને દ્વવધાતુને અટકાવનારી જ નહીં તેને શાહીચૂસની જેમ ગ્રહણ કરનારી છે.

તેથી નાક, આંખ, કાન, ગળું, પેશાબ, મળમાર્ગ, ચામડી, યોનિમાર્ગથી વહી જતી ધાતુને અટકાવીને ગ્રહણ કરીને જીવન પ્રદાન કરનારીને આપણે ‘વિશ્વા’ કહીએ છીએ કે જે કામ વિશ્વમાં વ્યાપક વિષ્ણું કરે છે.

વર્ષાઋતુમાં જેમ સર્વત્ર પૂજા, અર્ચના, કથા, ભક્તિ ચાલે છે- તેમ ધર્મ, અર્થ, કામ, મોક્ષાણાં આરોગ્ય મૂલમ ઉત્તમમ્- તેથી આરોગ્યને સાચવવા માટે વિશ્વા-સૂંઠનું સેવન નિત્ય. નિયમિત કોઈપણ સ્વરૂપે કરવું એ પણ પ્રભુપૂજા શક્ય બનશે- તો પછી ‘મારે સૂંઠનું નિયમિત સેવન એટલા માટે કરવું છે કે જેથી હું પ્રભુ ભક્તિ વધુ સારી કરી શકું’ આ ભાવનાથી, સૂંઠનું સેવન કરવાથી તે પણ ભક્તિ બનશે- સૂંઠને ગોળ સાથે, પાણીમાં ઉકાળવામાં, દૂધ સાથે, માત્ર સાદા પાણી સાથે દરરોજ દરેક વ્યક્તિએ યોગ્ય માત્રા સાથે લેવી જોઈએ- સૂંઠ એ અનેક રોગનું એક ઔષધ છે.

–  વૈદ્ય મહેશઅખાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન