કોરોના સામે લડવા વડા પ્રધાન સહિતના તમામ સાંસદોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકાનો કાપ - Sandesh
  • Home
  • India
  • કોરોના સામે લડવા વડા પ્રધાન સહિતના તમામ સાંસદોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકાનો કાપ

કોરોના સામે લડવા વડા પ્રધાન સહિતના તમામ સાંસદોના પગારમાં એક વર્ષ સુધી ૩૦ ટકાનો કાપ

 | 2:01 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસ સામેની લડાઈમાં દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા પોતાની રીતે યોગદાન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ દિશામાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે સાંસદોના પગારમાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે. વડા પ્રધાનના વડપણ હેઠળ મળેલી બેઠકમાં વડા પ્રધાન તથા તમામ સાંસદોના પગારમાં આગામી એક વર્ષ સુધી ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ ભારત સરકારના ભંડોળમાં જશે અને કોરોના સામેના જંગમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલો દ્વારા પણ સ્વેચ્છાએ પોતાના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા સાંસદોને આપવામાં આવતું સાસંદ કલ્યાણ ફંડ પણ આગામી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ તમામ રકમનો ઉપયોગ પણ કોરોનાની મહામારીને ડામવા માટે કરવામાં આવશે. સાંસદોના પગારમાં કરાયેલા ફેરફારના વટહુકમને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો દ્વારા પણ પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તમામ રાજ્યપાલ, વડા પ્રધાન અને તમામ સાંસદો દ્વારા આગામી એક વર્ષ સુધી પોતાના પગારનો ૩૦ ટકા હિસ્સો લેશે નહીં. ૧ એપ્રિલ ૨૦૨૦થી આ નિયમ લાગુ કરાયો છે જે આગામી એક વર્ષ સુધી અમલી રહેશે. ૧૯૫૪માં લાગુ કરવામાં આવેલા સાંસદોના પગાર અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. તે હેઠળ જ આગામી એક વર્ષ પગારનો ચોક્કસ હિસ્સો કાપી લેવામાં આવશે.

દરેક સાંસદને મળતું ૧૦ કરોડનું ફંડ પણ બે વર્ષ સુધી રોકાયું

એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડને બે વર્ષ માટે અટકાવવામાં આવી છે. સાંસદોને આ યોજના માટે દર વર્ષે દસ-દસ કરોડ રૂપિયા આપવામાં આવે છે. હવે આગામી બે વર્ષ સુધી આ રકમ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા કરવામાં આવશે જેથી કોરોના મહામારીને અટકાવવામાં આર્થિક મદદ મળી રહે. આ સંયુક્ત રકમ અંદાજે ૭,૯૦૦ કરોડ રૂપિયા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન