કોરોના સામેની લડાઈ ઘણી લાંબી ચાલશે, થાકીને હારશો નહીં, આપણે વિજેતા બનવાનું છે : મોદી - Sandesh
  • Home
  • India
  • કોરોના સામેની લડાઈ ઘણી લાંબી ચાલશે, થાકીને હારશો નહીં, આપણે વિજેતા બનવાનું છે : મોદી

કોરોના સામેની લડાઈ ઘણી લાંબી ચાલશે, થાકીને હારશો નહીં, આપણે વિજેતા બનવાનું છે : મોદી

 | 1:50 am IST

। નવી દિલ્હી ।

ભાજપના ૪૦મા સ્થાપના દિવસ નિમિત્તે સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓને વીડિયોકોલના માધ્યમથી સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સામેની લડાઈ ઘણી લાંબી ચાલવાની છે. નાગરિકોએ કોરોના વાઇરસ સામેની લડાઈમાં વિજેતા બનવાનું છે તેથી તેઓ થાકે નહીં અને અવિરત પરિશ્રમ કરે. હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે, કોરોના વાઇરસ સામેની લડાઈ ઘણી લાંબી ચાલવાની છે પરંતુ આ લડાઈમાં આપણે થાકવાનું નથી કે આરામ કરવાનો નથી. આપણે વિજેતા બનવાનું છે. આજે દેશ સામે એક જ લક્ષ્યાંક અને પ્રતિજ્ઞા છે કે આપણે આ યુદ્ધમાં વિજય મેળવવાનો છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારતે સ્થિતિની ગંભીરતા સમજીને કોરોના વાઇરસ સામે સમયસર યુદ્ધ શરૂ કર્યું છે. ભારતના પ્રયાસોએ વિશ્વભરમાં ઉદાહરણ સ્થાપિત કર્યું છે. લોકડાઉન દરમિયાન ૧૩૦ કરોડ ભારતીયોએ પ્રદર્શિત કરેલી સમજશક્તિને હું બિરદાવું છું. ભારતે સંખ્યાબંધ નિર્ણયો લઈને તેમનો વ્યાપક અમલ કર્યો છે.

રવિવારે રાત્રે ૯ કલાકે દેશભરમાં ૯ મિનિટ માટે દીવા પ્રગટાવવાની કવાયત પર વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણી માતાઓ અને બહેનોએ ભૂતકાળમાં યુદ્ધો દરમિયાન પોતાનાં ઘરેણા સુદ્ધાં ઉતારી આપ્યાં હતાં. હાલની સ્થિતિ યુદ્ધથી ઓછી ગંભીર નથી. આ માનવજાતને બચાવવાનું યુદ્ધ છે.

ભાજપના કાર્યકરો પાર્ટીએ આપેલા પાંચ મંત્રને અનુસરે : પીએમ મોદીનું આહ્વાન

વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને પાર્ટી દ્વારા અપાયેલા પાંચ મંત્રને અનુસરણ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યો સૂઈ જવો જોઈએ નહીં. ભાજપનો દરેક કાર્યકર્તા પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરે. ભાજપનો દરેક કાર્યકર્તા પોતે પીએમ કેર્સ ફંડમાં દાન આપે અને અન્યોને પણ દાન આપવા માટે પ્રોત્સાહિત કરે. ભાજપના કાર્યકર્તા કોરોના સામેની લડાઈમાં માનવ જાતને બચાવવા યોગદાન આપે.

શ્યામાપ્રસાદ મુખરજી સહિતના સંખ્યાબંધ નેતાઓના યોગદાનના કારણે ભાજપને કરોડો ભારતીયોની સેવાની તક મળી : મોદી

ભાજપના સ્થાપના દિવસે શ્યામાપ્રસાદ મુખરજી અને કુશાભાઉ ઠાકરે સહિતના સંખ્યાબંધ નેતાઓેએ પાર્ટીના નિર્માણમાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, સંખ્યાબંધ સિનિયર નેતાઓએ મુખરજીએ આપેલા મંત્રને અપનાવીને પાંચ સાત પેઢીનું યોગદાન આપ્યું અને જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવ્યું. તેમના યોગદાનના કારણે જ ભાજપને કરોડો ભારતીયોની સેવા કરવાની તક મળી છે.

કોરોનાને પોતાનાથી દૂર રાખવા સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્ત્વની ચાવી : PM મોદી

કોરોના સામેના જંગને લાંબી લડાઈ ગણાવતા PM મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને પોતાનાથી દૂર રાખવાની મહત્ત્વની ચાવી સોશિયલ ડિસ્ટન્સિંગ છે. હું દેશના નાગરિકોને ફક્ત બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ માસ્ક પહેરવાની અપીલ કરું છું. ઘરમાં બનાવેલા માસ્કથી પણ પોતાને અને પરિચિતોને કોરોનાના ચેપથી બચાવી શકાય છે. જ્યારે પણ ઘરની બહાર નીકળો તો ચહેરાને ઢાંકીને રાખો. જરૂરી નથી કે ડોક્ટર અને નર્સ પહેરે છે તેવા જ માસ્ક પહેરવા જોઈએ. ઘરના સાધારણ કાપડમાંથી પણ માસ્ક તૈયાર કરી શકાય છે.

ટ્વિટ

ભારતના લોકતંત્રની સાચી વાહક ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે તમામ કાર્યકર્તા અને દેશવાસીઓને ર્હાિદક શુભકામના. પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા અને સિદ્ધાંતો દ્વારા ભાજપે સદૈવ રાષ્ટ્રહિત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે.

  • અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન

મા ભારતીને પરમ વૈભવ પર સ્થાપિત કરવાના પુનિત વિચારમાંથી જન્મેલી ભારતીય જનતા પાર્ટીને પોતાના પરિશ્રમથી સિંચીને વિશાળ વટવૃક્ષ બનાવનાર તમામ નેતાઓ અને કરોડો સર્મિપત, નિષ્ઠાવાન કાર્યકરોને ભાજપના ૪૦મા સ્થાપના દિવસના અવસરે નમન, શુભકામના.

  • જે પી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન