Filed a crime against a Cong MLA who had a birthday party in a lockdown
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લોકડાઉનમાં માનવ જીવનને જોખમમાં મૂકી બર્થ-ડે પાર્ટી કરનારા કોંગી MLA વિરૂદ્ધ ગુનો દાખલ

લોકડાઉનમાં માનવ જીવનને જોખમમાં મૂકી બર્થ-ડે પાર્ટી કરનારા કોંગી MLA વિરૂદ્ધ ગુનો દાખલ

 | 11:00 pm IST

પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ દ્વારા કોરોના મહામારી દરમ્યાન કાયદાની ઐસીતૈસી કરી હોવાના અનેક બનાવો નોંધાતા રહ્યા છે. બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાની જવાબદારી ભુલીને કોરોના મહામારી દરમ્યાન જાહેર લૉકડાઉનના સમયમાં ગત તા.27 મે ના રોજ તેમના જન્મ દિવસની ઉજવણી કાર્યકરોને એકઠા કરીને કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ મામલે સંદેશમાં છપાયેલા અહેવાલને પગલે બાલાસિનોર પોલીસે તપાસ બાદ આજરોજ ધારાસભ્ય સહિત અન્ય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોના મહામારી દરમ્યાન સંક્રમણ ફેલાતું અટકાય તે આશયથી સરકાર દ્વારા લૉકડડાઉન જાહેર કરીને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સાથે સાથે મેળાવડા ઉપર પ્રતિબંધ લગાવાયો છે. જોકે બાલાસિનોરના ધારાસભ્યને માનવજીવનને જોખમમાં મુકીને પણ પોતાના જન્મ દિવસની ઉજવણી મહત્વની હોય તેમ કાર્યકરોને એકઠા કરીને બર્થ ડે પાર્ટી કરીને ફોટા અને વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરીને કાયદાની ઐસીતૈસી કરી રહ્યા હોવાનો સંદેશ સામાન્ય જનતાને આપ્યો હતો. જેને પગલે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં ધારાસભ્ય દ્વારા પોતાના ગામ પાંડવામાં તા.27 મે ના રોજ જન્મ દિવસની ઉજવણી કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે બાલાસિનોર પોલીસે ધારાસભ્ય અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ ઉપરાંત અન્ય 6 ઈસમો સહિત જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા અન્ય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે.

બાલાસિનોરના ધારાસભ્ય દ્વારા જન્મ દિવસની ઉજવણી કરીને જાહેરનામાનો ભંગ કર્યો હોવાછતાં તેઓએ પોલીસને અરજી આપીને તેઓના અગાઉના વર્ષના ફોટા અને વીડિયો કોઈએ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યા હોવાની ફરીયાદ કરી હતી. જેને પગલે બાલાસિનોર પીએસઆઈ પંડયા દ્વારા તપાસ કરતાં ધારાસભ્યએ જાતે માનવ જીવનને જોખમમાં મુકવાની બેદરકારી દાખવી હોવાનું માલુમ પડયું હતું અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયો લૉકડાઉન દરમ્યાનના હોવાનું શોધી કાઢયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન