લલિત હોટેલ ચેન, ભારત હોટેલ ગ્રૂપનાં એમડી જ્યોત્સના સુરીનાં આઠ સ્થળે આઇટીના દરોડા - Sandesh
  • Home
  • India
  • લલિત હોટેલ ચેન, ભારત હોટેલ ગ્રૂપનાં એમડી જ્યોત્સના સુરીનાં આઠ સ્થળે આઇટીના દરોડા

લલિત હોટેલ ચેન, ભારત હોટેલ ગ્રૂપનાં એમડી જ્યોત્સના સુરીનાં આઠ સ્થળે આઇટીના દરોડા

 | 3:12 am IST

। નવી દિલ્હી ।

આવકવેરા વિભાગ દ્વારા રવિવારે રાત્રે અને સોમવારે ભારત હોટેલ્સ અને લલિત હોટેલ ચેનનાં એમડી જ્યોત્સના સુરી અને તેમના નિકટના સહયોગીઓની ઓફિસ તેમજ નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. કરચોરીના કેસમાં દેશભરમાં ૮થી વધુ સ્થળે દરોડા અને જપ્તીની કામગીરી હાથ ધરાઈ હતી.

ભારત હોટેલ્સ ગ્રૂપ દ્વારા ધ લલિત લક્ઝરી હોટેલ ચેનની માલિકી ધરાવવામાં આવે છે. આવકવેરા અધિકારીઓને ગ્રૂપ કંપનીના હિસાબો અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ અને ગોટાળા જણાઈ આવ્યા હતા. જ્યોત્સના સુરીના નિકટના સહયોગી કાર્ગો મોટર્સના એમડી જયંત નંદાની ઓફિસ અને નિવાસે પણ દરોડા અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયંત દેશમાં તાતા મોટર્સનાં કોમર્શિયલ વાહનોના સૌથી મોટા ડીલર છે. હાલ કંપની ગુજરાત, દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત રાજ્યોમાં ૭૩ સેલ્સ આઉટલેટ અને ૩૦ વર્કશોપ ધરાવે છે.

લલિત ટ્રાવેલર બ્રાન્ડ હેઠળ ૧૨ લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટસ

જ્યોત્સના સુરીએ તેમના પતિનાં નિધન પછી ભારત હોટેલ્સ ગ્રૂપના એમડી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ભારત હોટેલ્સ ગ્રૂપના સ્થાપક લલિત સુરીનું ૨૦૦૬માં નિધન થયું હતું. જ્યોત્સના સુરી અગાઉ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI)ના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ ૧૯૮૮માં તેની પહેલી હોટેલ શરૂ કરી હતી. લલિત ટ્રાવેલર બ્રાન્ડ હેઠળ ૧૨ લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટસ ધરાવે છે. જેમાં ૨,૨૬૧ જેટલી રૂમ છે. લલિત ગ્રૂપ લંડનમાં ૭૦ રૂમ્સની હોટેલનું સંચાલન પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન