પાંચ નાયબ મુખ્યપ્રધાન ધરાવતા આંધ્રમાં હવે ત્રણ પાટનગર બનશે! - Sandesh
  • Home
  • India
  • પાંચ નાયબ મુખ્યપ્રધાન ધરાવતા આંધ્રમાં હવે ત્રણ પાટનગર બનશે!

પાંચ નાયબ મુખ્યપ્રધાન ધરાવતા આંધ્રમાં હવે ત્રણ પાટનગર બનશે!

 | 3:10 am IST

। હૈદરાબાદ ।

આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી સરકારે સોમવારે રાજ્યમાં ત્રણ પાટનગરની રચનાની જોગવાઇ ધરાવતા ખરડાને વિધાનસભામાં રજૂ કર્યું હતું. તે પહેલાં મુખ્યપ્રધાન રેડ્ડીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટે આ અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેબિનેટ બેઠક પછી વિધાનસભા કાર્યવાહી સલાહકાર સમિતિની ૧૦ વાગે મળેલી બેઠકમાં પણ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ સરકાર અમરાવતી ખાતે વૈધાનિક પાટનગર, વિશાખાપટ્ટનમ ખાતે વહીવટી મુખ્યાલય અને કર્નુલ ખાતે ન્યાયકીય પાટનગર ઊભું કરવાની નેમ ધરાવે છે. બીજી બાજુ જગનમોહન સરકાર આ દરખાસ્ત પાછી ખેંચે તેની માગણી સાથે મોટી સંખ્યામાં વિધાનસભા ગૃહ બહાર એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં હાલમાં પાંચ નાયબ મુખ્યપ્રધાન પદ સંભાળી રહ્યા છે. તેમાં પી.રાજન્ના દોરા, એમ.સુચારિથા, એ નાનિ, અમજદ બાશા અને કે. પાર્થસારથિનો સમાવેશ થાય છે. જગનમોહન રેડ્ડીએ અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાતવર્ગ, લઘુમતી અને  કપુ સમુદાયને મહત્વના પદ આપવા તે સમુદાયમાંથી પાંચ નાયબ મુખ્યપ્રધાનની પસંદગી કરી હતી.

ટીડીપી દ્વારા ઉગ્ર વિરોધ

રાજ્યને વિવિધ ઝોનમાં વહેંચીને ઝોનકક્ષાએ આયોજન અને વિકાસબોર્ડ રચવા માટે ત્રણ પાટનગર બનાવવામાં આવ્યા છે. તેનો વિરોધ કરતાં તેલુગુ દેશમ્ અને વિરોધપક્ષના સંખ્યાબંધ નેતાને નજરકેદ રાખવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ વિજયવાડા, ગંટુર અને અમરાવતી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારમાં ટીડીપીના ૫૭ નેતાને નજરકેદ રાખવામાં આવ્યા છે. તે લોકો સરકારના નિર્ણયના વિરોધમાં રેલી યોજવા આયોજન કરી રહ્યા હતા. વિવિધ પક્ષના ૮૦૦ નેતાની અટકાયત થઇ ચૂકી છે.

૫૦,૦૦૦ કરોડનું નુકસાન

ટીડીપી અધ્યક્ષ એન.ચંદ્રાબાબુ નાયડુએ ચેતવણી આપી છે કે રાજધાની ખસેડવામાં આવતાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડનું રોકાણ પરત જશે અને ખેડૂતોને કષ્ટ ઉઠાવવું પડશે. તેલુગુ દેશમ સરકારની આ દરખાસ્તના રકાસ માટે પ્રયાસશીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;