2025ના વર્ષમાં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા 16મી સિંહોની વસતી ગણતરી યોજાઇ હતી. જંગલ ધરાવતા ગુજરાતના 11 જિલ્લામાં કાળજીપૂર્વક અને આધુનિક રીતે સિંહોની વસતી ગણતરી થઇ હતી.
એશિયાઈ સિંહોની 2025ની વસતી ગણતરી પ્રમાણે 891 નોંધાઈ
ગુજરાતમાં એશિયાઈ સિંહોની 2025ની વસતી ગણતરી પ્રમાણે 891 નોંધાઈ હતી, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા અને 225 બચ્ચા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં, 2015ની ગણતરીના 523 સિંહની સરખામણીમાં, સિંહોની વસ્તીમાં 27% નો વધારો નોંધાયો છે.
ગણતરીની પદ્ધતિ અને વિસ્તાર
16મી વસતી ગણતરી 10 મે થી 13 મે 2025 દરમિયાન બે તબક્કામાં યોજાઇ હતી. સિંહોની વસતી ગણતરી ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી 11 જિલ્લાઓના 58 તાલુકા, 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં કરવામાં આવી.જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદના વનવિસ્તારોનો સમાવેશ થાય છે.
વસતી વધારો અને ઇતિહાસ
રાજ્યમાં સૌપ્રથમ સિંહ વસ્તી ગણતરી વર્ષ 1936માં થઈ હતી. ત્યારપછીનું વાસ્તવિક વસ્તીનો અંદાજ:
1995: 304
2001: 327
2005: 359
2010: 411
2015: 523
2020: 674
વન વિભાગના જણાવ્યા અનુસાર નિયમિત મોનિટરિંગ, મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે સિંહની વસ્તી સતત વધતી જતી જોવા મળી છે.
મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ
સિંહોની ઓળખ અને અવલોકન માટે હાઇ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ, રેડિયો કોલર અને e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો સાથે જ GIS સોફ્ટવેર દ્વારા સર્વેક્ષણ વિસ્તારોને નકશાકૃત કરી સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણનો ડેટા તૈયાર કરવામાં આવ્યો.
ગણતરી પ્રક્રિયા
સુવિસ્થિત વસ્તી અંદાજ માટે સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન અને સબ ઝોનમાં વિભાજિત કરીને 3,000 જેટલા અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા નોંધણી કરવામાં આવી. દરેક સિંહ અંગે લિંગ, ઉંમર, હિલચાલની દિશા, ઓળખ ચિન્હો અને GPS લોકેશન સહિતની વિગતવાર માહિતી ભરી હતી.
આ પણ વાંચો---- કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ