સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોએ સાબર ડેરી સામે ભાવફેર ઓછો ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે હિંસક અથડામણમાં એક પશુપાલકનું મૃત્યુ થયું અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા.


સાબર ડેરી સામે વિરોધ

સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન-જુલાઈમાં પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવે છે, પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થતાં અને કથિતપણે ઓછો ભાવ ચૂકવવામાં આવતા પશુપાલકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. 14મી જુલાઈના રોજ મોટી સંખ્યામાં પશુપાલકોએ હિંમતનગરમાં આવેલી સાબર ડેરી સામે વિરોધ કર્યો હતો.પશુપાલકોના આંદોલન દરમિયાન પરિસ્થિતિ વણસી ગઈ. હિંમતનગરમાં આંદોલનકારીઓએ પોલીસના બેરિકેડ્સ તોડીને સાબર ડેરીમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. સાબરકાંઠાના હાઇવે પર પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 દૂધ ઢોળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે આશરે 70 જેટલા ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને 60 જેટલા પશુપાલકોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઈડરના ઝીંઝવા ગામના પશુપાલક અશોક પટેલનું મૃત્યુ થયું હતું, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો. પોલીસે આ ઘટના બાદ 74 લોકો સામે નામજોગ અને 900થી 1000 જેટલા અજાણ્યા લોકો સામે હિંસા અને અન્ય ગુનાઓ હેઠળ FIR દાખલ કરી છે.

દૂધના ભાવમાં વધારો જાહેર કરાયો

જોકે, આંદોલન બાદ સાબર ડેરી ખાતે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરી હવે પશુપાલકોને વાર્ષિક પ્રતિ કિલો ફેટે 990ની જગ્યાએ 995 ચૂકવશે, જે હજારો પશુપાલકો માટે આંશિક રાહતરૂપ નિર્ણય સાબિત થશે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: