કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, વર્ષ 2025 માં દેશભરમાં કુલ 25 વિમાની દુર્ઘટનાઓ નોંધાઈ છે, જેમાં દુર્ભાગ્યે ગુજરાતની 3 ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ દુર્ઘટનાઓમાં કુલ 275 લોકોના મોત નીપજ્યા હોવાનું સરકારે જણાવ્યું હતું. ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓમાં અમદાવાદ પ્લેન ક્રેશની સાથે અમરેલી અને મહેસાણામાં થયેલા અકસ્માતોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ત્રણ અકસ્માત
- 2025 માં દેશમાં જે 8 મોટા વિમાની અકસ્માતો થયા તેમાં અમરેલી અને મહેસાણાની ઘટનાઓ સામેલ છે.
- અમરેલીમાં ટ્રેઇની પાઇલટનું પ્લેન ક્રેશ થઈને સળગી ગયું હતું, જેમાં પાઇલટનું મૃત્યુ થયું હતું.
- મહેસાણામાં ઓછા ફ્યુલને કારણે ટ્રેઇની પાઇલટના પ્લેનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
- આ 8 અકસ્માતોમાંથી 4 માં જાનહાનિ થઈ હતી, જે જયપુર, દિલ્હી, ચેન્નઈ વગેરે સ્થળોએ પણ નોંધાઈ હતી.
બર્ડહિટની 5740 ઘટનાઓ, અમદાવાદ એરપોર્ટ ચોથા સ્થાને
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, જાન્યુઆરી 2020થી જૂન 2025ના પાંચ વર્ષના ગાળામાં દેશમાં પ્લેન સાથે બર્ડહિટ (પક્ષી ટકરાવ)ની કુલ 5740 ઘટનાઓ બની છે. આ ઘટનાઓને કારણે 804 પ્લેનને નુકસાન પણ થયું છે.
