નેપાળમાં 6.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો જેણે નેપાળનાં અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ભીષણ ધરતીકંપને કારણે 157થી વધુનાં મોત થયા હતાં. 166થી વધુને ઈજા થઈ હતી. 6.4ની તીવ્રતાનાં ભૂકંપ પછી ત્યાં 4.6 અને 4.5 તેમજ 4.2નાં આફ્ટર શોક આવ્યા હતા. 40 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી હતી જેને કારણે સેંકડો ઘર પત્તાનાં મહેલની જેમ તૂટી ગયા હતા. હજારો લોકો કાટમાળ નીચે દટાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાઠમંડુથી 331 કિ.મી. ઉત્તર-પિૃમમાં જમીનની નીચે 10 કિ.મી ઊંડું હતું. ઝાઝરકોટ અને રુકુમ જિલ્લામાં ભૂકંપની વધુમાં વધુ અસર જોવા મળી હતી. ઝાઝરકોટમાં 105 અને રુકુમમાં 38થી વધુ લોકોનાં મોત થયા હતા. નેપાળનાં પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ સ્થિતિની સમીક્ષા કરવા ઝાઝરકોટ પહોંચ્યા હતા. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમણે આદેશો આપ્યા હતા. સરકાર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન માટે 6 કરોડ 30 લાખ નેપાળી રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાં ઝાઝરકોટ અને રુકુમને 3 -3 કરોડ આપવામાં આવશે. ભૂકંપની સૌથી વધુ અસર ઝાઝરકોટમાં થઈ હતી. સેંકડો મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. લોકો રાત્રે હજી સુવાની તૈયારી કરતા હતા ત્યારે જ નેપાળની ધરા ધ્રૂજી ઊઠી હતી. આથી લોકો ભૂકંપની અસરથી બચવા ખુલ્લા મેદાનોમાં આવી ગયા હતા.



  • Follow us on: