• મોદીનો જાદુ છવાયો : સત્તાની સેમિફાઇનલમાં કોંગ્રેસની 3-1થી કારમી હાર

  • ત્રણ રાજ્યોની જીત સબ કા સાથ, સબ કા વિકાસની જીત : મોદી
  • નારીશક્તિ, યુવા શક્તિ, કિસાન અને ગરીબો એ જ મારો પરિવાર છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે વિજય પતાકા લહેરાવી. મધ્યપ્રદેશમાં તેણે સત્તા જાળવી જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરતા તેની પાસેથી સત્તા છીનવી હતી. પીએમ મોદી તેમજ ભાજપનાં અશ્વમેધ યજ્ઞનાં વિજયી અશ્વને રોકવામાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો નબળા પડયા. મતદારો પર પીએમ મોદીની ગેરંટી તેમજ મોદીનાં ચહેરાનો જાદુ છવાયો હતો. મોદી હૈ તો મુમકિન હૈની ઉક્તિમાં લોકોએ ભરપૂર વિશ્વાસ મૂકીને ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા. ભાજપે રાજસ્થાનમાં સૌપ્રથમ વખત ધારાસભ્ય ચૂંટાયેલા ભજનલાલ શર્માને, મધ્યપ્રદેશમાં મોહન યાદવને જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવ્યા. સત્તાની સેમિફાઇનલમાં કોંગ્રેસની 3-1થી કારમી હાર થઈ. કોંગ્રેસે સમ ખાવા પૂરતી તેલંગાણામાં જીત મેળવી. આ ચૂંટણીમાં પીએમ મોદીનાં નેતૃત્વ, ભાજપનાં ચાણક્ય ગણાતા અમિત શાહનો ચૂંટણી વ્યૂહ તેમજ સરકારની ગરીબો તેમજ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોલક્ષી કલ્યાણ યોજનાઓએ ભાજપ માટે જીતની કેડી કંડારી. ત્રણ રાજ્યોમાં લહેરાતી વિજય પતાકાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે જીતનો માર્ગ ખુલ્લો કર્યો છે.

મધ્યપ્રદેશમાં લાડલી બહેના સ્કીમનો જાદુ પથરાયો હતો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપનાં ઉમેદવારો પર મતની હેલી વરસાવી હતી. રાજસ્થાનમાં લોકોએ ફરી એકવાર સત્તા પરિવર્તનની પરંપરા જાળવી કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપી ભાજપને સત્તા સોંપવાનું પસંદ કર્યું હતું. છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પર હતી પણ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરીને અનેક રેલીઓ-સભાઓ સંબોધી હતી. મતદારોએ અહીં વિકાસને વરેલી ડબલ એન્જિન સરકારને સત્તા સોંપવા મન બનાવ્યું. ભાજપે આ ચૂંટણીઓમાં કેન્દ્રીય પ્રધાનો, સાંસદોને ચૂંટણી લડાવવાનો કીમિયો અજમાવ્યો હતો. જે સફળ રહ્યો.

ત્રણ રાજ્યોની જીત સબ કા સાથ, સબ કા વિકાસની જીત : મોદી

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઐતિહાસિક વિજય પછી પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીનાં કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ત્રણ રાજ્યોમાં જીતની હેટ્રિકે ભાજપને 2024ની જીતની ગેરંટી આપી દીધી છે. આ જીત આત્મનિર્ભર ભારતની જીત છે, પ્રમાણિકતા, પારદર્શકતા અને ગુડ ગવર્નન્સની જીત છે. ત્રણ રાજ્યોમાં જીત એ સબ કા સાથ...સબ કા વિકાસની જીત છે. દરેક ગરીબ અને મહિલાઓ પાર્ટીની જીતમાં તેમની જીત જોઈ રહ્યા છે. આ જીત ઐતિહાસિક અને અસાધારણ છે. એમપી, રાજસ્થાન અને છત્તીસગઢની પ્રજાએ ભાજપ પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. આ ચૂંટણીમાં કેટલાક લોકોએ જાતિને આધારે દેશનાં ભાગલા પાડવાની કોશિશ કરી પણ જનતા જનાર્દને તેમનો મજબૂત જનાદેશ આપીને તેમને જાકારો આપ્યો છે. મારા માટે તો ચાર જાતિ જ મહત્ત્વની છે. નારીશક્તિ, યુવા શક્તિ, કિસાન અને ગરીબો એ જ મારો પરિવાર છે. આ ચાર જાતિનાં લોકોએ ભાજપનાં વિશ્વાસ દર્શાવ્યો છે. દરેક ગરીબ આજે પોતાની જીત જોઈ રહ્યો છે. મોદીએ મહિલા મતદારોનો આભાર માનતા કહ્યું હતું કે, મહિલાઓને વિશ્વાસ છે કે એકમાત્ર ભાજપ જ તેમને સલામતી, સુરક્ષા આપી શકશે અને તેમનું ગૌરવ જાળવી શકશે.


  • Follow us on: