- G20 શિખર સંમેલન ભવ્યતાથી અને ભારતના શાનદાર યજમાનપણા સાથે યોજાયું
- બીજી સિદ્ધિ એ રહી કે બધા શિખર નેતાઓ દિલ્હી ઘોષણાપત્ર માટે સર્વસંમત થયા
- સફળતાનું ત્રીજું સોપાન રશિયા-યૂક્રેન યુદ્ધ સાથે જોડાયેલી ચિંતાઓને આમાં સામેલ કરવાનું રહ્યું
G20 શિખર સંમેલન ભવ્યતાથી અને ભારતના શાનદાર યજમાનપણા સાથે યોજાયું. પહેલા દિવસે ગ્લોબલ સાઉથ એજન્ડા સાથે G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવામાં આવ્યું. બીજી સિદ્ધિ એ રહી કે બધા શિખર નેતાઓ દિલ્હી ઘોષણાપત્ર માટે સર્વસંમત થયા. તેમાં ન તો ચીન આડું આવ્યું કે ના રશિયા.
સફળતાનું ત્રીજું સોપાન રશિયા-યૂક્રેન યુદ્ધ સાથે જોડાયેલી ચિંતાઓને આમાં સામેલ કરવાનું રહ્યું. દિલ્હી ઘોષણાપત્રમાં હસ્તાક્ષર કરવા ચીને પણ સંમતિના સૂરમાં સૂર પુરાવ્યો અને રશિયા જૂના વ્યૂહાત્મક વિશ્વસનીય સહયોગીની જેમ રહ્યું. G20ના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક શરૂ થયાના પહેલા સોપાન (વન અર્થ - એક પૃથ્વી)માં મોટી સફળતા મળી. અધ્યક્ષ હોવાના નાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયન (ગ્લોબલ સાઉથ)ને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને એને બધા દેશોએ સંમતિ આપી. પરિણામે, આફ્રિકન યુનિયનના 55 દેશના અવાજને આના આધારે વૈશ્વિક બળ મળવાની સંભાવના તૈયાર થઈ. આ ચીનના એજન્ડામાં પણ છે. ભારત અને ચીન ઊર્જા સુરક્ષા સહિત તમામ સંભાવનાઓ માટે આફ્રિકાના તમામ દેશો સાથે નિકટતા વધારી રહ્યા છે.
ભારત આફ્રિકન દેશોની ઘણી સહાય પણ કરે છેે. આ દેશો આર્થિક સંપન્નતા વગેરે બાબતોમાં અંતિમ પગથિયે ઊભા છે. આ રીતે ભારતે તેમના માટે અવાજ ઉઠાવીને અને તેમને અવાજ આપીને પહેલી અને મોટી કૂટનીતિક સફળતા હાંસલ કરી લીધી છે. ભારતના નેતૃત્વમાં આ વખતના G20માં ભારત તરફથી એક એજન્ડા જોડવામાં આવ્યો, કે જ્યાં સુધી દુનિયાના આર્થિક રીતે નબળા કહી શકાય તેવા દેશોને આમાં (G20માં) સ્થાન નહીં મળે ત્યાં સુધી G20નો ઉદ્દેશ પૂરો નહીં થાય. ભારતે તેને G20 દિલ્હીના સૂત્ર વસુધૈવ કુટુંબકમ્ને એક પૃથ્વી નામ આપ્યું છે. અર્થાત્ પૃથ્વી એક છે.
આફ્રિકન યુનિયન જી-20માં સામેલ : ચીને ભૂલ કરી , હવે 55 આફ્રિકી દેશોમાં આર્થિક ઘૂસણખોરી નહીં કરી શકે
દિલ્હીમાં જી-20 બેઠકમાં ચીને રાજદ્વારી મોરચે પોતાની અત્યારસુધીની સૌથી મોટી ભૂલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી પહેલને પગલે આફ્રિકી યુનિયન જી-20માં સામેલ થયું. આ પ્રસંગે ચીની પ્રમુખ શી જિનપિંગ ગેરહાજર રહેતાં આફ્રિકી યુનિયનના 55 દેશોમાં ચીન માટે વિશ્વાસનું સંકટ પેદા થશે એટલું જ નહીં, ચીને કરેલા અબજો ડોલરના રોકાણ સામે પણ સંકટ સર્જાઈ શકે છે. આ દેશોમાં ચીન સંબંધે એક નકારાત્મક સંદેશો જશે તો બીજી તરફ ભારતે કરેલી પહેલને પગલે આફ્રિકી યુનિયન જી-20માં સામેલ થતાં આફ્રિકી યુનિયનના 55 દેશોમાં ભારતની રાજદ્વારી પકડ મજબૂત થઈ છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન જી-20 સંગઠનમાં સામેલ થયું તે ભારતના મોટા રાજદ્વારી વિજય સમાન ઘટના છે. તેને કારણે વૈશ્વિક નેતૃત્વના સંદર્ભમાં ભારતને એક નવી ઓળખ મળી છે. આફ્રિકન યુનિયનમાં વિશ્વની લગભગ 66 ટકા વસતી રહે છે. આફ્રિકન યુનિયન ભારતે કરેલી પહેલને પગલે જી-20માં સામેલ થતાં યુનિયનના 55 દેશોમાં ભારત તરફનો ભરોસો વધશે. તે દેશોમાં ભારતની ભાગીદારી વધશે. ચીન આફ્રિકી દેશોમાં સતત રોકાણ કરતું રહે છે. પરંતુ આ દેશો જી-20માં સામેલ થયા તે પ્રસંગે ચીની પ્રમુખની ગેરહાજરી તે દેશોમાં ચીન માટે વિશ્વાસનું સંકટ ઊભું થશે.
G-20નું ભવ્ય આયોજન જોઈને પાકિસ્તાનીઓ ઊંચાનીચા થઈ ગયા : બોલ્યા, અમને ના બોલાવ્યા
ભારતમાં G-20 સમિટના ભવ્ય આયોજન અને ભારતને મળતું માન-સન્માન જોઈને પાકિસ્તાનીઓ ઊંચાનીચા થઈ ગયા. પાકિસ્તાનની એક યૂ-ટયૂબ ચેનલે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એન્કર પાકિસ્તાનની જનતાને ભારતમાં યોજાયેલા G-20 સંમેલન અંગે સવાલ પૂછે છે કે ભારત આટલું આગળ નીકળી ગયું તો પાકિસ્તાન શા માટે પાછળ રહી ગયું? તેના જવાબમાં લોકોએ બહુ રસપ્રદ જવાબો આપ્યા. એક પાકિસ્તાનીએ કહ્યું કે અમને ખૂબ જ શરમ આવી રહી છે કે ભારતે, આપણે પરમાણુ શક્તિ ધરાવતો દેશ હોવા છતાં, આપણને G-20 શિખર સંમેલનનું આમંત્રણ ન આપ્યું, અને બાંગ્લાદેશને આમંત્રણ આપવામાં આવ્યું. અન્ય એક શખ્સે કહ્યું કે પાકિસ્તાન ભૂલથી આઝાદ થઈ ગયો, જે લોકો તે વખતે ભાગલાનો વિરોધ કરી રહ્યા હતા તેઓ સાચા હતા. અન્ય એક પાકિસ્તાનીએ ભારતનાં વખાણ કરતાં કહ્યું કે ભારત આપણા કરતાં ખૂબ આગળ છે. ભારતવાળા કાશ્મીરમાં લોકો પાસે અમારા કરતાં વધારે સુવિધાઓ છે. તેમની સાથે અમારે કોઈ મુકાબલો નથી. એક શખસે પોતાના દેશના સત્તાધીશોની ટીકા કરતાં કહ્યું કે પાકિસ્તાન ભૂખ્યો, નગ્ન દેશ છે. અને એવા દેશ સાથે કોઈ સંબંધ ન બાંધે. દરેક દેશ એમ જ વિચારતો હશે કે પાકિસ્તાન પૈસા માગવા આવ્યું છે.
જી-20 : ભારતની રાજદ્વારી નીતિ પર અમેરિકી મીડિયા ફિદા, લખ્યું- મોદીએ આગળ આવીને નેતૃત્વ કર્યું
નવી દિલ્હીમાં જી-20 સમિટ વિષેના અહેવાલો વિશ્વભરના અખબારોમાં છવાયેલા રહ્યા. અમેરિકી મીડિયાએ પણ સમિટના અહેવાલોને પ્રાધાન્ય આપ્યું હતું. ભારતની રાજદ્વારી નીતિની પ્રશંસા કરી હતી. હકીકતે યૂક્રેન યુદ્ધને કારણે સંયુક્ત ઘોષણાપત્ર પર સહમતી બનવી ખૂબ પડકારજનક હતી, પરંતુ ભારતે પોતાના રાજદ્વારી પ્રયાસોથી તે મુશ્કેલ કામને પણ પાર પાડયું. જોકે સંયુક્ત ઘોષણાપત્રમાં યૂક્રેન યુદ્ધને મુદ્દે રશિયાને જવાબદાર ના ઠેરવવામાં આવ્યું તે મુદ્દે અમેરિકી મીડિયામાં નારાજગી જોવા મળી રહી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના લેખમાં લખ્યું હતું કે નવી દિલ્હી ખાતે જી-20ના સંયુક્ત ઘોષણાપત્રમાં યૂક્રેન યુદ્ધના મુદ્દે રશિયાના આક્રમક વલણ અને ક્રૂર આચરણની આલોચના કરવામાં નથી આવી. જોકે યૂક્રેનના લોકોની પીડા સંબંધે ખાલી દુઃખ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજીત જી-20ના સંયુક્ત ઘોષણાપત્રમાં યૂક્રેન પર રશિયન આક્રમણની ભારે આલોચના કરવામાં આવી હતી. તે ઘોષણાપત્રમાં રશિયા યૂક્રેનમાંથી સેના પાછી ખેંચે તેવી માગણી કરી હતી. અમેરિકી મીડિયાએ જણાવ્યું કે દિલ્હી ખાતેની જી-20 બેઠકમાં જે હાંસલ થયું તેમાં વૈશ્વિક ઋણને મુદ્દે ગરીબ દેશોની મુશ્કેલીઓ દૂર કરવા માટે વિશ્વ બેન્ક જેવી સંસ્થાઓમાં સુધારા માટે સહમતી બની હતી.
ભારત પોતાના સિદ્ધાંતો પ્રતિ વફાદાર, શાંતિ અને એકજૂટતા માટે જી-20નું યજમાનપદ સંભાળ્યું : ફ્રાન્સ
જી-20 સમિટમાં ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે ભારત પોતાના સિદ્ધાંતો પ્રતિ વફાદાર છે. ભારતે શાંતિ અને એકજૂટતાનો સંદેશો આપવા જી-20નું યજમાનપદ પૂરા પ્રયાસ સાથે સંભાળ્યું છે. જ્યારે રશિયા હજી પણ યૂક્રેન તરફ આક્રમણ વલણ રાખી રહ્યું છે. વૈશ્વિક શાસનમાં ઊંડાણપૂર્વક સુધારા કરવાના તેઓ સમર્થક છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, વિશ્વ બેન્ક અને આઇએમએફે વસતી આધારિત અર્થવ્યવસ્થાના સંદર્ભમાં વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી પડશે. અમે ઉપલબ્ધ સંસાધનોને વધારવા માંગીએ છીએ. અમે વિશ્વ બેન્કને ફરી ભરવા માંગીએ છીએ. ફ્રાન્સ ઉભરતા દેશો મોટી ભૂમિકા નિભાવી શકે તે બાબતનું સમર્થન કરે છે. અમે આફ્રિકી દેશો માટેના ધિરાણ પુનઃગઠન માટે ઉભરી રહેલા દેશો વધુ પ્રતિબદ્ધ બને તેવી આશા રાખીએ છીએ. અમે હજી વધુ કામ કરવા તૈયાર છીએ. આજનો એક જ એજન્ડા છે કે વિશ્વભરમાંથી વધુમાં વધુ વિત્તપોષણ એકઠું કરવું. ફ્રાન્સે પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારી છે અને ફ્રાન્સ વિકાસ પરિયોજનાઓ માટે ફાળવણીને મોરચે જીડીપીના પાંચ ટકા બરોબર પહોંચી ગયું છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વભરમાં આવું થાય.