• નદી પાર કરતા પ્રતિકૂળ હવામાનને કારણે બૉટ પલટી જતા પાણીમાં ગરકાવ થયા હતા

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા બે પરિવારના 8 લોકોનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બે પરિવારનાં 8 લોકો બૉટમાં બેસીને નદી પાર કરી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા હતા. જો કે પ્રતિકૂળ હવામાનને કારણે બૉટ પલટી જતા કરુણાંતિકા સર્જાઈ હતી. મૃતકોમાં 4 ભારતીયો હતો. જેમાં બે નાના બાળકોએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા બે બાળકોનાં મૃતદેહ પાસેથી કેનેડાના પાસપોર્ટ મળી આવ્યા હતા. અગાઉ જાન્યુઆરીમાં આવી જ એક ઘટનામાં ગુજરાતનાં એક જ પરિવારનાં 4 લોકો કેનેડામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ ગયેલા અને બરફમાં થીજી ગયેલા મળી આવ્યા હતા.

ક્યૂબેક વિસ્તારમાં બોટ પલટી ગઈ

પ્રાથમિક માહિતી મુજબ ક્યૂબેક વિસ્તારમાં બે પરિવારના 8 સભ્યો બોટમાં બેસીને સેન્ટ લોરેન્સ નદી ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા હતા ત્યારે બૉટ ડૂબી જતા તેમાં રહેલા 8 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અકવેસ્ને મોહોકના પોલીસ વડાએ ઉપર મુજબ માહિતી આપી હતી. જો કે ભારતીય પરિવાર અંગે વધુ કોઈ માહિતી મળી નથી. પોલીસ એક લાપતા વ્યક્તિની શોધ કરતી હતી ત્યારે પલટી ગયેલી બૉટ નજીક 8 મૃતદેહો તરતા જોવા મળ્યા હતા.

જસ્ટિન ટ્રુડોએ શોક વ્યક્ત કર્યો

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ કરુણાંતિકા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘટનાને દર્દનાક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

17 લાખ આપો અને અમેરિકામાં ઘૂસણખોરી કરો

અમેરિકી સરહદે અપરાધી ટોળીઓ ભારતીયોને છેતરીને કાળો ધંધો કરે છે

અમેરિકી સરહદે ઘૂસખોરીના સમાચાર સામે આવતા રહે છે. હવે અમેરિકામાં ઘૂસણખોરીને મુદ્દે એક નવી ચોંકાવનારી સ્પષ્ટતા સામે આવી છે. અમેરિકી સાંસદોએ દાવો કર્યો છે કે અમેરિકી સરહદ પાર કરવામાં મદદ કરવા બદલ અપરાધી ટોળીઓ પાસેથી સરેરાશ 17 લાખ રૂપિયા વસૂલી રહી છે.આ ટોળકીઓ ભારતીયો પાસેથી રૂપિયા 17 લાખ લઈને અમેરિકી સરહદમાં પ્રવેશ કરાવી દેતી હોય છે. એરિઝોનાની કોચિસ કાઉન્ટીના શેરીફ માર્ક ડેનિયલે હાઉસ જ્યુડિશિયરી કમિટીના સભ્યોને આ સપ્તાહે જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે એક વિદેશી નાગરિક પાસેથી અપરાધી ટોળીઓ ઓછામાં ઓછા રૂપિયા પાંચ લાખ વસૂલતી હોય છે. ભારતીયો પાસેથી સૌથી વધુ 17 લાખ વસૂલવામાં આવે છે. સાંસદોને અમેરિકી સરહદે પ્રવર્તી રહેલી સ્થિતિથી વાકેફ કરતાં માર્ક ડેનિયલે જણાવ્યું હતું કે મેક્સિકોને સ્પર્શતી સરહદ સુરક્ષિત નથી. કાર્ટેલ નામની આંતરરાષ્ટ્રીય અપરાધીઓની ટોળકી અમેરિકી સરહદની દક્ષિણે નિયંત્રણ ધરાવે છે.


  • Follow us on: