- ઇસરોનો વૈજ્ઞાનિક હોવાના ગપગોળા ચલાવ્યા, પણ 'સંદેશ' અખબારે પર્દાફાશ કર્યો
- ભારત દેશે ચંદ્રની સપાટી પર ડંકો વગાડીને વૈશ્વિક ફલક પર નામના હાંસલ કરી
- ચંદ્રયાન-3ની ડિઝાઇન ખુદ બનાવી હોવાના ગપગોળા ચલાવી શહેરીજનોને ઉલ્લુ બનાવ્યા
ભારત દેશે ચંદ્રની સપાટી પર ડંકો વગાડીને વૈશ્વિક ફલક પર નામના હાંસલ કરી હતી. 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે જ સુરત શહેરમાં નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી ફૂંટી નીકળ્યો હતો. ચંદ્રયાન-3ની ડિઝાઇન ખુદ બનાવી હોવાના ગપગોળા ચલાવી શહેરીજનોને ઉલ્લુ બનાવ્યા હતા. જોકે, સંદેશ અખબાર દ્વારા નકલી વૈજ્ઞાનિકનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મિસ્ટર ફ્રોડનો ભાંડો ફૂટવાની સાથે જ તેની સામે પોલીસ કાર્યવાહી થઇ હતી અને આખરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.
ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે જ સુરતમાં એલ.પી.સવાણી રોડ સ્થિત સ્વાતિ સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કર્યો હતો. 23મીની રાત્રિએ જ સોશિયલ મીડિયામાં મિતુલ અને તેના શિક્ષકની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. બીજા દિવસે આખો દિવસ મિતુલ ત્રિવેદીના ગપગોળાને સાચા માણી સુરતવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા હતા. જોકે, તેના દાવામાં કેટલાક ભેદભરમ હોય સંદેશ અખબારે શંકા વ્યક્ત કરી હતી. મિતુલ ત્રિવેદીના શાબ્દિક ગપગોળા સામે મૂંઝવણ પ્રવર્તી રહી હોય આકરા પ્રશ્નો પૂછાયા હતા અને અંતે તે ફ્રોડ હોવાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર પ્રકરણમાં સુરત પોલીસ તંત્ર સક્રિય થયું હોય મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ઇસરોમાં વેરિફિકેશન સહિતની તપાસ કામગીરી હાથ ધરાઇ હતી. આખરે ગુનો દાખલ થવાની સાથે જ મિતુલ ત્રિવેદીએ જેલમાં જવાની નોબત આવી હતી. સંદેશ અખબારે કરેલા પર્દાફાશની નોંધ સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી હતી.










