- અમૃતપાલસિંહને પંજાબ પોલીસ દ્વારા 23 એપ્રિલે મોગા ખાતેથી પકડી લેવાયો હતો
- પોલીસના જાપ્તા હેઠળ તેને એરફોર્સના ખાસ વિમાનમાં દિબ્રૂગઢની જેલમાં લઈ જવાયો
- તેની સામે NSA તેમજ અન્ય કલમો હેઠળ હત્યા સહિતનો ગુનો દાખલ કરાયો
ખાલિસ્તાની સમર્થક અને 36 દિવસથી ફરાર અમૃતપાલસિંહને પંજાબ પોલીસ દ્વારા 23 એપ્રિલે મોગા ખાતેથી પકડી લેવાયો હતો. પોલીસના જાપ્તા હેઠળ તેને એરફોર્સના ખાસ વિમાનમાં દિબ્રૂગઢની જેલમાં લઈ જવાયો હતો. તેની સામે NSA તેમજ અન્ય કલમો હેઠળ હત્યા સહિતનો ગુનો દાખલ કરાયો હતો. પંજાબની મોગા પોલીસ દ્વારા રોડે ગામનાં ગુરુદ્વારા ખાતેથી તેની ધરપકડ કરાઈ હતી. તેણે સરન્ડર થવા માટે પોલીસને અરજ કરી હતી. વારિસ દે પંજાબનો કહેવાતો પ્રમુખ 18મી માર્ચથી ફરાર હતો જેને શોધવા પંજાબ પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. અમૃતપાલ સિંહની ધરપકડનાં અહેવાલને પગલે મોગામાં તંગદિલી સર્જાઇ હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને અનેક શહેરોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. લોકોને શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરાઈ હતી. તેનાં 9 સાગરીતોને પણ દિબ્રૂગઢની જેલમાં પૂરવામાં આવ્યા હતા. 22 એપ્રિલની રાત્રે તે રોડે ગામનાં ગુરુદ્વારામાં પહોંચ્યો હતો અને ધરપકડ કરાઈ તે પહેલાં લોકો સમક્ષ પ્રવચન કર્યું હતું. પોતાને ભિંડરાનવાલે નંબર ટુ માનતા અમૃતપાલ સિંહે ભિંડરાનવાલેના ગામ રોડે ખાતે સરન્ડર થવા યોજના ઘડી હતી. તે કેટલાક ટેકેદારો સાથે સરન્ડર થઈને શક્તિ પ્રદર્શન કરવા માંગતો હતો. લોકોની ભીડ જમા થતા મામલો બીચકશે તેવી આશંકા પછી પોલીસ સાદા ડ્રેસમાં રોડે ગુરુદ્વારા ગઈ હતી. નાકાબંધી કરીને તેને પકડી લીધો હતો. અમૃતપાલસિંહે 23મી ફેબ્રુઆરીએ તેના એક ટેકેદારને છોડાવવા અમૃતસર જિલ્લાનાં અજનાલા પોલીસ થાણા પર હુમલો કર્યો હતો.










