• ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાયો

  • ચંદ્રની ધરતી પર ઉતરનાર ભારત વિશ્વનો ચોથો દેશ
  • આ યાદીમાં ભારત પહેલા અમેરિકા, ચીન અને સોવિયત સંઘ સામેલ છે

વર્ષોથી જે પળની રાહ જોવાતી હતી કે આખરે આ વર્ષે 23 ઓગસ્ટે આવી હતી. ઇસરોના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ઘ્રુવ પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો. 23 ઓગસ્ટે સાંજે છ વાગીને ચાર મિનિટે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઉતર્યુ હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો. આ સિવાય ભારત ચંદ્રની ધરતી પર ઉતરનારો ચોથો દેશ છે. આ યાદીમાં ભારત પહેલા અમેરિકા, ચીન અને સોવિયત સંઘ સામેલ છે.

ઇસરોના મહત્ત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર મોડયુલે ચંદ્રની સપાટીને સ્પર્શ કરીને સ્પેસ સાઇન્સના ક્ષેત્રે એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર ઉતરતા જ બેંગલુરુ સ્થિત ઇસરો મિશન કન્ટ્રોલ સેન્ટરમાં ખુશીની લહેર દોડી ગઇ હતા. સેન્ટર વંદે માતરમના નારા અને ઉજવણીના જોશમાં રંગાઇ ગયું હતું. લોકોએ તાળીઓના ગડગડાટ અને હર્ષની ચિચિયારી સાથે સિદ્ધિને ઉજવી હતી. ઇસરોના અનુસાર આ અભિયાનના અંતિમ તબક્કામાં તમામ પ્રક્રિયાઓ પૂર્વ નિર્ધારિત યોજનાઓ અનુસાર જ ચાલતી રહી હતી. આ સફળતાને માત્ર ઇસરોના ટોચના વિજ્ઞાનીઓ જ નહીં ભારતના તમામ લોકો ટીવી સ્ક્રીન પર જોઇ રહ્યા હતા. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સજ્જ ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યુ હતું. આ સિદ્ધિ હજુ સુધી ભારત સિવાય વિશ્વના કોઇપણ દેશને પ્રાપ્ત થઇ શકી નથી. ભારતે પોતાના ત્રીજા મૂન મિશનમાં આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ચાર વર્ષ પહેલાં સપ્ટેમ્બર, 2019માં ચંદ્રયાન-2ને લેન્ડ કરાવવાના પ્રયાસ કરાયા હતા પરંતુ ઠીક છેલ્લી ઘડીએ તેના લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.


  • Follow us on: