• પર્સીવરન્સ અન ઝુરોંગ રોવરને વહેતી નદીઓ, ભીની રેતના ઢુવાના ચિહ્નો મળ્યા

નાસાના પર્સીવરન્સ રોવર અને ચીનના ઝુરોંગ રોવરને મંગળ ગ્રહ પર વહેતી નદીઓ અને ભીની રેતના ઢુવાના સંકેત મળ્યા છે. ચીનના રોવરે નોંધ્યું કે અંદાજે 4 લાખ વર્ષ અગાઉ અસહ્ય ઠંડીના કારણે રેતના ઢુવા થીજીને સખત થઇ ગયા હશે જ્યારે નાસાના રોવરને જે સંકેતો મળ્યા છે તે દર્શાવે છે કે શક્તિશાળી જળમાર્ગે જેજીરો ખડકમાં રસ્તો બનાવ્યો હશે, જેના કારણે તેમાં સારું એવું પાણી પડયું હશે. પર્સીવરન્સ રોવરને મંગળ ગ્રહ પરની અત્યાર સુધીની સૌથી મોટી નદી મળી હતી. ખડકોના આકારથી અંદાજ લગાવાયો કે આ નદી કેટલીક જગ્યાએ 66 ફૂટથી વધુ ઊંડી હતી. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ સંરક્ષિત નદીના કાંઠાની રેત હતી. ઉટાહની બ્રિગહામ યંગ યુનિવર્સિટીના રિસર્ચર જોની રાડેબનું બંને માહિતી અંગે કહેવું છે કે આ બીજા ગ્રહની સપાટી અંગેની ખૂબ જ મહત્ત્વની માહિતી છે.

દરમિયાન, ચીનના રોવરે પણ મંગળની સપાટી પર પાણીના નિશાન શોધ્યા હતા. રોવરની નજીક રેતના ઢુવા પર એક પ્રકારનું પડ બની ગયું હતું, જે પાણી ખનીજોના સંપર્કમાં આવવાથી બન્યું હશે. ભૂતકાળમાં પાણી અહીં આ રેતના ઢુવા સુધી આવ્યું હોય કે હજારો વર્ષો પૂર્વે આ ક્ષેત્રમાં બરફ પડયો હોય તેવું બની શકે છે. બ્રાઉન યુનિવર્સિટીના ગ્રહવિજ્ઞાની અને નાસાના માર્સ ક્યૂરિયોસિટી મિશનના સભ્ય રાલ્ફ મિલ્લિકેનનું કહેવું છે કે મંગળ પરની ધૂળ ખનીજોથી ભરપૂર છે, જે હવામાં રહેલા પાણીને શોષી શકે છે. જો આ સામગ્રી રેતના ઢુવાને ઢાંકી લેતી હોય તો હવામાનમાં ફેરફારથી સર્જાયેલો ભેજ ધૂળમાંથી પાણીને શોષી શકે છે અને ફરી પ્રવાહી સ્વરૂપમાં ફેરવ્યા વિના છોડી શકે છે.

ચીનના રોવરે ભીની રેતના ઢુવાનો અભ્યાસ કર્યો છે તો બીજી તરફ પર્સીવરન્સ રોવરે પાણીના શક્તિશાળી પ્રવાહના અવશેષો શોધ્યા હતા. નાસાના રોવરે જે પુરાવા રજૂ કર્યા તે હિસાબે મંગળ ગ્રહ પર પ્રાચીન સમયમાં એક નદી વહેતી હતી, જે બહુ ઊંડી હતી અને તેનું વહેણ બહુ તેજ હતું. આ નદી જેજીરો ખડકમાં વહેતા જળમાર્ગનો હિસ્સો હતી. આ ક્ષેત્રમાં રોવર છેલ્લા બે વર્ષથી સૂક્ષ્મ જીવોના જીવનના સંકેતોની આશા સાથે રિસર્ચ કરી રહ્યું હતું. નાસાએ જણાવ્યું કે આ સાથે સ્પષ્ટ થાય છે કે એક શક્તિશાળી નદી પોતાની સાથે ઘણો બધો કાટમાળ લઇને આવી છે. નદીનું વહેણ જેટલું શક્તિશાળી હોય તેટલી સરળતાથી તે પોતાની સાથે મોટા ટુકડા તણાઇને લાવી શકે છે. અન્ય ગ્રહો પર આવા ખડકો દેખાવા અને પરિચિત પ્રક્રિયાઓ હોવી બહુ ખુશીની વાત છે.

નાસાએ પૃથ્વી પર મંગળ ગ્રહને અનુકૂળ ઘર બનાવ્યું

નાસાએ મંગળ ગ્રહ પર માનવ વસવાટના પ્લાનિંગ પર કામ શરૂ કરી દીધું છે. તેણે પૃથ્વી પર મંગળને અનુકૂળ ઘર બનાવ્યું છે, જેમાં રહીને કેનેડાના જીવવિજ્ઞાની કેલી હેસ્ટન સહિત ચાર વિજ્ઞાની તેની ટ્રાયલ લેશે. ટ્રાયલમાં બધું બરાબર રહ્યું તો 2030 સુધીમાં મનુષ્યોને મંગળ પર મોકલવાનું શરૂ કરી દેવાશે.


  • Follow us on: