• નેતન્યાહૂની હમાસને ચેતવણી : તમારો અંત નજીક છે, હવે સરેન્ડર જ આખરી વિકલ્પ

  • ઇઝરાયેલ પર હમાસે ગત 7 ઓક્ટોબરે કરેલા આતંકી હુમલા બાદ ઇઝરાયેલી દળો દ્વારા

પેલેસ્ટાઇનમાં હાથ ધરાયેલી જવાબી કાર્યવાહીમાં ગાઝામાં અત્યાર સુધીમાં અંદાજે 8,700 બાળકો અને 4,500 મહિલાઓ સહિત કુલ 20,000 લોકો માર્યા ગયા છે અને 50,897 લોકો ઘવાયા છે, ઓક્યૂપાઇડ વેસ્ટ બેંકમાં અત્યાર સુધીમાં કુલ 297 લોકો માર્યા ગયા છે અને 3,365 લોકો ઘવાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ નવી ટેક્નોલોજી સાથે હમાસના આતંકવાદીઓ પર તૂટી પડયું છે. ઘણા મોર્ચા પર ઇઝરાયેલી સેનાને આરામ આપીને એઆઈ ટૂલ્સની મદદથી હમાસના ગુપ્ત ઠેકાણાને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ હમાસના આતંકીઓને આખરી વિકલ્પ આપતાં કહ્યું હતું કે તેમની સામે હવે આત્મસમર્પણ કરવાનો જ વિકલ્પ છે કેમ કે પેલેસ્ટિનિયન આતંકી સમૂહનો અંત નજીક છે. નેતન્યાહૂનું આ નિવેદન હમાસની ખુલ્લી ધમકી બાદ આવ્યું હતું. હમાસે ધમકી આપી હતી કે ઇઝરાયેલ તેમની શરત માન્યા વગર પોતાના બંધકોને જીવતા લઈ જઈ શકશે નહીં. ઇઝરાયેલ-હમાસની લડાઈ અઢી મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહી છે અને બન્નેમાંથી કોઈ થાક્યું નથી. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલો નરસંહાર વિશ્વની ચિંતા વધારી રહ્યો છે. તાજેતરમાં WHOએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગાઝામાં દર 10માંથી 9 લોકોને ભરપેટ ભોજન પણ મળતું નથી, જે ખૂબ જ ચિંતાજનક છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે પાછલા કેટલાક દિવસો દરમિયાન હમાસના ડઝનબંધ આતંકીઓએ સરન્ડર કર્યું છે. જોકે હમાસે આ દાવો ફગાવ્યો હતો અને ખુલ્લી ચેતવણી આપી હતી કે ઇઝરાયેલ હમાસની શરતો નહીં માને તો એકપણ બંધકને બચાવી શકશે નહીં.


  • Follow us on: