• દિલ્હીની તિહાડ જેલમાં 14 એપ્રિલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગેંગવોર થઈ

  • જેમાં દિલ્હીના ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાની હત્યા કરી દેવાઈ હતી
  • આ હુમલામાં પ્રિન્સ તેવટિયા પર તીક્ષ્ણ હથિયારના 7થી 8 ઘા મારવામાં આવ્યા

દિલ્હીની તિહાડ જેલમાં 14 એપ્રિલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગેંગવોર થઈ હતી, જેમાં દિલ્હીના ગેંગસ્ટર પ્રિન્સ તેવટિયાની હત્યા કરી દેવાઈ હતી. તિહાડ જેલ નંબર 3માં કોઈ વાતે બે જૂથ વચ્ચે મારામારીમાં તીક્ષ્ણ હથિયારથી ચાર ગેંગસ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્રિન્સ તેવટિયા પર તીક્ષ્ણ હથિયારના 7થી 8 ઘા મારવામાં આવ્યા હતા. જેલમાં અંદરોઅંદર લડાઈ થતાં જેલ-વહીવટી તંત્રના લોકો દોડી ગયા હતા અને ઘાયલ થયેલા બધા કેદીને નજીક આવેલી ડીડીયૂ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રિન્સ તેવટિયાનું મૃત્યુ થયું હતું. પ્રિન્સ તેવટિયા પર લગભગ 18 કરતાં વધારે કેસ હતા. પ્રિન્સ તેવટિયાની હત્યાના ગણતરીના દિવસો બાદ બીજી મેએ તિહાડ જેલમાં ગેંગવૉરની વધુ એક ઘટનામાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા થઇ હતી. જેલની અંદર બે જૂથ વચ્ચે અથડામણ દરમિયાન ગેંગસ્ટર ટિલ્લુ પર પણ જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારબાદ તિહાડ જેલ તંત્ર દ્વારા ઘવાયેલા ટિલ્લૂને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેલ સૂત્રોના અનુસાર જેલ નંબર 8 માં બંધ યોગેશ ટુંડા નામના કેદીએ લોખંડની ગ્રિલ વડે જેલ નંબર 9માં બંધ ટિલ્લુ પર અચાનક જ હુમલો કર્યો હતો જેમાં ટિલ્લુ ખરાબ રીતે ઘવાયો હતો. ઘવાયેલા ટિલ્લૂને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. જિતેન્દ્ર ગોગી ગેંગના ગેંગસ્ટર રાજેશ બવાનિયા, યોગેશ ટુંડા અને દીપક તીતર તેમજ રેન્ચોએ ટિલ્લુ પર આ જીવલેણ હુમલો કર્યો હતો. ટિલ્લૂએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. ઘટના બાદ તિહાડ જેલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલ ઊઠયા હતા. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ટિલ્લુ તાજપુરિયા 24 સપ્ટેમ્બર, 2021ના રોજ દિલ્હીની રોહિણી કોર્ટમાં થયેલા શૂટઆઉટનો માસ્ટરમાઇન્ડ હતો. કોર્ટમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની હત્યા માટે ગેંગસ્ટર ટિલ્લૂએ બંને શૂટર્સને તાલીમ અપાવી હતી. વકીલો જેવા દેખાવા, તેમના જેવો પ્રોફેશનલ વ્યવહાર કરવાની તાલીમ અપાવાઇ હતી અને આરોપી ઉમંગના હૈદરપુર સ્થિત ઘરે આ તાલીમ અપાઇ હતી. કોર્ટમાં થયેલા શૂટઆઉટમાં બંને શૂટર માર્યા ગયા હતા.


  • Follow us on: