- મોદીએ નવા સંસદ ભવનમાં સંસદીય કાર્યવાહીને આઝાદીના અમૃતકાળનો ઉષાકાળ ગણાવ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 28 મેએ નવું સંસદભવન દેશને સમર્પિત કર્યું
- ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજાવિધિ અને હવન સાથે થઇ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 28 મેએ નવું સંસદભવન દેશને સમર્પિત કર્યું. નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્ય માટે બેસવાની વ્યવસ્થા છે. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજાવિધિ અને હવન સાથે થઇ હતી, જે લગભગ એક કલાક સુધી ચાલી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી પૂજનવિધિમાં પીએમ મોદીએ ભાગ લીધો. તામિલનાડુના જુદાજુદા મઠોમાંથી આવેલા અધીનમ સંતોએ હવનવિધિ કરાવી હતી. હવન બાદ અધીનમ સંતોએ પીએમ મોદીને સેંગોલ (રાજદંડ) સોંપ્યા બાદ મોદીએ સેંગોલને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા હતા અને અધીનમ સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ મોદીએ સેંગોલ સાથે નવા સંસદભવનમાં પ્રવેશ કર્યો હતો. સેંગોલને નવી સંસદમાં લોકસભા અધ્યક્ષની ખુરશી નજીક સ્થાપિત કરાયું હતું. આ સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવું સંસદ ભવન દેશભરમાંથી આવેલી વિવિધ વસ્તુઓથી બનેલું છે, જેમ કે નાગપુરનું સાગનું લાકડું, રાજસ્થાનના સરમથુરાની રેતી, યુપીના મિર્ઝાપુરની કાલીન, અગરતલાના વાંસ અને ઔરંગાબાદ તથા જયપુરના અશોક ચિહન. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન નિમિત્તે મોદીએ 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડયો હતો. નવી સંસદમાં પીએમ મોદી, કેબિનેટ મંત્રીઓ તથા રાજ્યોના મુખ્યપ્રધાનોની ઉપસ્થિતિમાં સર્વધર્મ સભાનું પણ આયોજન કરાયું હતું. મોદીએ નવી સંસદના ઉદ્ઘાટન બાદ તેના નિર્માણમાં કામ કરનારા શ્રામિકોને સન્માનિત પણ કર્યા હતા.
જૂની સંસદમાં પીએમ મોદીનું છેલ્લું ભાષણ
18 સપ્ટેમ્બરે સંસદનાં વિશેષ સત્રનાં પહેલા દિવસે પીએમ મોદીએ જૂના સંસદ ભવનમાં છેલ્લું ભાષણ કર્યું હતું. 19 સપ્ટેમ્બરે ગણેશચતુર્થીનાં દિવસથી સંસદનાં બંને ગૃહની બેઠક નવા સંસદ ભવનમાં યોજાવાની શરૂઆત થઇ હતી. 50 મિનિટની તેમની સ્પીચમાં તેમણે જૂની યાદોને વાગોળી કહ્યું હતું કે, જૂનું સંસદ ભવન કલમ 370ની નાબૂદીથી લઈને GST, વન રેન્ક વન પેન્શન તેમજ કેશ ફોર વૉટ જેવા અનેક ઐતિહાસિક નિર્ણયોનું સાક્ષી રહ્યું છે. તેમણે આ પ્રસંગે ચંદ્રયાન-3ની સફળતા, G-20નાં સફળ આયોજનથી દેશને મળેલા ગૌરવની યાદ અપાવી હતી. નહેરુથી લઈને વાજપેયી તેમજ ઈન્દિરા ગાંધી અને નરસિંહ રાવ જેવા નેતાઓની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે આ તમામ નેતાઓની કામગીરી આપણને સતત પ્રેરણા આપી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સંસદનાં વિશેષ સત્રને ટૂંકું હોવા છતાં ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હોવાનું જણાવ્યું હતું. જૂની સંસદમાં આઝાદીનાં 75 વર્ષ સુધી દેશનાં ભવિષ્યનું નિર્માણ કરતા અને દેશને આગળ વધારતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું કે આ એ જ સદન છે જ્યાં પંડિત નહેરુનાં સ્ટ્રોક ઓફ મિડનાઈટની ગુંજ આપણને સૌને પ્રેરણા આપી રહી છે. ઈન્દિરા ગાંધીનાં નેતૃત્વમાં બાંગ્લાદેશનાં મુક્તિ સંગ્રામને પણ સદને જોયું છે.
સંસદની જૂની ઈમારત સંવિધાન સદન તરીકે ઓળખાશે, તેની ગરિમા ક્યારેય ઓછી નહીં થાય : મોદી
સંસદની 96 વર્ષ જૂની ઈમારતમાંથી ગણેશચતુર્થીનાં દિવસે નવા સંસદ ભવનમાં સંસદીય કાર્યવાહીનાં શ્રીગણેશ કરાયા હતા. પીએમ મોદી તેમજ તમામ સાંસદો ચાલીને નવી ઈમારતમાં ગયા તે પહેલા મોદીએ જૂની સંસદમાં જૂનાં સંસ્મરણો તાજા કરીને પ્રવચન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે જૂની સંસદની ગરિમા ક્યારેય ઓછી થશે નહીં. તેમણે જૂની સંસદને સંવિધાન સદન તરીકે ઓળખવા સૌને અપીલ કરી હતી અને તેનું નવું નામકરણ કર્યું હતું. મોદીએ તમામ સાંસદો સાથે ફોટા પડાવ્યા હતા. તે પછી હાથમાં બંધારણ પકડીને નવી સંસદમાં પ્રવેશ કર્યો હતો. મોદીએ જૂની સંસદનાં સેન્ટ્રલ હોલમાં ભાવુક સાંસદો સાથે જોડાઈને કહ્યું હતું કે સેન્ટ્રલ હોલ આપણને સૌને ભાવુક કરી રહ્યો છે અને કર્મ તેમજ કર્તવ્ય કરવા પ્રેરિત કરે છે. આપણા બંધારણને અહીં જ ઘડવામાં આવ્યું હતું અને અપનાવાયું હતું. આપણે સૌ નવા સંસદ ભવનમાં સાથે મળીને નવા ભવિષ્યનાં શ્રીગણેશ કરવા જઈ રહ્યા છીએ. આજનો દિવસ ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરવાનો છે. 38 મિનિટની સ્પીચમાં મોદીએ ચંદ્રયાન -3 તેમજ G-20નાં સફળ આયોજનનો મુદ્દો દોહરાવ્યો હતો. ગણેશ ચતુર્થીએ તેમણે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ભારતનાં વિકાસનો સંકલ્પ યાદ કરાવ્યો હતો. 1947માં અંગ્રેજો પાસેથી મેળવેલી સત્તાથી લઈને રાષ્ટ્રગાન અને તિરંગાને અપનાવવાની ઘટનાઓ યાદ કરી હતી.