• કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદીને વિવાદો સાથે લેણું લાગે છે

  • અનેક યુવતીઓનું શોષણ કર્યાનો અને પોલીસ પણ ભળેલી હોવાનો આક્ષેપ કર્યો
  • હાઈકોર્ટે પણ સંબંધિત પોલીસ સ્ટેશનના સીસીટીવી રેકોર્ડીંગ અને ફૂટેજ મંગાવ્યા

કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદીને વિવાદો સાથે લેણું લાગે છે. થોડા સમય પૂર્વે તેમની પત્નીએ તેમની સામે સોલા પોલીસ સ્ટેશને કેસ દાખલ કર્યાનો વિવાદ થયો, તે પછી રૂ. 200 કરોડના સેટલમેન્ટ સાથે તેમણે પત્નીથી છૂટાછેડા લીધાનો વિવાદ સર્જાયો અને હવે તાજેતરમાં જ તેમની કંપનીમાં ઓફિસ અને પર્સનલ આસિસ્ટન્ટની ફરજ બજાવતી બલ્ગેરિયાની નાગરિક યુવતીએ રાજીવ મોદીએ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ યુવતીએ તો એટલે સુધી આક્ષેપ કર્યો છે કે, માત્ર રાજીવ મોદી જ નહીં પરંતુ તેમની ઓફિસના મેનેજર આ આખા કાંડમાં ભળેલા છે અને સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પણ મિલીભગત આચરી આખા પ્રકરણને દબાવી દેવા અને રાજીવ મોદી સાથે સમાધાન કરી લેવા દબાણ આચર્યું હતું. આખો મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. પોલીસને બચાવવા સરકાર હવાતિયા મારી રહી છે. આ આખા કાંડમાં પોલીસની કોઈ જ ગેરરીતિ ન હોવાનો બચાવ કરતાં મુખ્ય સરકારી વકીલે તો એટલે સુધી સામો આક્ષેપ કર્યો હતો કે, આ યુવતીને પાછલા પગાર પેટે લાખ્ખોની રકમ મેળવવી હતી, તે ચૂકવાઈ ગયા પછી તેણે આવો દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. જો કે, યુવતીએ તો મહિલા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડીંગ, વોટ્સએપ મેસેજિસ સઘળું રજૂ થાય તો આખી વાતનો ભાંડો ફૂટે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટે પણ સંબંધિત પોલીસ સ્ટેશનના સીસીટીવી રેકોર્ડીંગ અને ફૂટેજ મંગાવ્યા છે. આ યુવતીએ જે આક્ષેપો કર્યા તે એટલે ચોંકાવનારા છે કે, કોર્પોરેટ સેક્ટરમાં આ પ્રકારે યુવતીઓનું શારીરિક શોષણ થતું હોવાની વાતો દબાતા અવાજે ઘણા સમયથી થતી રહી છે. પરંતુ આ રીતે ખુલ્લામાં કોઈ યુવતી આવવાની હિંમત કરતી હોતી નથી. આ બલ્ગેરિયન યુવતીએ તો એ હદે કહ્યું કે, અમદાવાદ શહેરમાં વિદેશથી આવનારા નાગરિકોની જ્યાં નોંધણી થતી હોય છે તેમાં યુવતીઓનો રેકોર્ડ કઢાવી સઘન તપાસ કરવામાં આવે તો રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી આ રીતે વિદેશની યુવતીઓને સેક્રેટરી તરીકે જોબ ઓફર કરી તેમનું જાતીય શોષણ કરે છે અને પછી પોતાની છાપ ખરાબ થવાની બીકના માર્યા આ યુવતીઓ ચૂપચાપ પોતાના દેશ પરત ફરે છે.


  • Follow us on: