અમેરિકાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડક્વાર્ટર ખાતે 180 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરીને 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન 'નમસ્તે'થી શરૂ કરેલા પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, તમને સૌને જોઈને મને ઘણો આનંદ થયો છે. મિત્રો, અહીં આવવા બદલ તમારા બધાનો આભાર. મને જણાવાયું છે કે, આજે અહીં લગભગ દરેક દેશનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. યોગ ભારતમાંથી આવ્યા પણ તે કોપીરાઇટ, રોયલ્ટી, પેટન્ટ વગેરેથી મુક્ત છે. યોગ ભારતની બહુ પ્રાચીન પરંપરા છે. વળી, કોઈ પણ ઉંમરના લોકો યોગ કરી શકે છે. ઘરે કામ દરમિયાન કે બહાર પણ યોગ કરી શકાય છે. એકલા પણ યોગ કરી શકો, ગ્રૂપમાં પણ કરી શકો છો. યોગ તમારી ઉંમર, જાતિ અને ફિટનેસ લેવલ સાથે એડેપ્ટેબલ પણ છે. યોગ યુનિવર્સલ છે.
સંબોધન બાદ મોદી લોકોની વચ્ચે જઈને યોગ કરવા બેઠા હતા. હૉલિવૂડના મશહૂર અભિનેતા રિચર્ડ ગેર મોદીની બાજુમાં બેઠા હતા. યોગ પહેલાં ઓમનું ઉચ્ચારણ કરાયું હતું. મોદીએ ભદ્રાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસનો કર્યા હતા. અહીં યોગ દિવસની ઉજવણીમાં યુએનના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ દેશોના રાજદૂતો તથા અમેરિકી સેલિબ્રિટીઝ પણ જોડાઈ હતી, જેમાં યુએન જનલર એસેમ્બલીના 77મા સેશનના પ્રેસિડેન્ટ કસાબા કોરોસી, ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ અને યુએનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમિના મોહમ્મદ પણ સામેલ હતા.










