• ડિનરમાં બનાવી લો રાજસ્થાની ફેમસ ડિશ
  • દાલ બાટીથી મળશે નવો ટેસ્ટ
  • છાશ અને લસણની ચટણીની સાથે માણો મજા

તમે ગુજરાતી ફૂડ સિવાય કંઈક નવું ખાવા ઈચ્છો છો તો તમે રાજસ્થાની ફૂડ દાલ બાટી ટ્રાય કરી શકો છો. તમે તેને ખાસ રીતે બનાવશો તો તેનો ટેસ્ટ તમે ભૂલી શકશો નહીં. લસણના ફ્લેવરની દાળ અને સોફ્ટ બાટીની પરફેક્ટ રેસિપિ જાણી લો અને ફટાફટ કરી લો તૈયારી.

દાળ માટે જોઈશે આ સામગ્રી

  • 1/2 કપ અડદની દાળ
  • 1/4 કપ મગની દાળ
  • 1/4 ચણાની દાળ
  • 1 સૂકું લાલ મરચું
  • 2 ટામેટું બારીક સુધારેલું
  • 1 ટુકડો છીણેલું આદુ
  • 4 લીલા મરચા ઝીણા સુધારેલા
  • 1 ટીસ્પૂન જીરું
  • 1 ટીસ્પૂન લાલ મરચું
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1/4 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન ધાણા
  • 1 ચપટી હિંગ
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • મીઠું સ્વાદઅનુસાર
  • એક ચમચો બારીક સુધારેલી કોથમીર

દાલ બનાવવા માટેની રીત

સૌ પહેલા દાળને સારી રીતે ધોઈને એક કલાક માટે પલાળીને રાખો. મીડિયમ ગેસ પર એક પ્રેશર કૂકરમાં દાળ, પાણી, મીઠું અને હળદર મિક્સ કરીને 4-5 વ્હીસલ વગાડો અને ગેસ બંધ કરો. હવે ટામેટા, લીલા મરચા અને આદુને મિક્સરમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. એક અન્ય પેનમાં મીડિયમ ગેસ પર ઘી ગરમ કરો. ઘી ગરમ થાય તો તેમાં લાલ મરચા, જીરું, આખા ધાણા, હીંગ મિક્સ કરો. જીરું તતડે એટલે ટામેટાની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો. પેસ્ટને શેકતી સમયે ધાણા પાવડર, લાલ મરચું, ચપટી હળદર અને મીઠું મિક્સ કરો. મસાલા તેલ છોડે ત્યારે બાફેલી દાળ ઉમેરો અને તેને ઉકાળો. દાળને સારી રીતે ઉકળ્યા બાદ તેમાં ગરમ મસાલો ઉમેરો અને પછી ગેસ બંધ કરો. તૈયાર છે દાલ બાટીની દાળ. હવે તમે તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.


બાટી માટેની સામગ્રી

  • 1 કિલો લોટ
  • 1 વાટકી ઘી
  • 1 બાઉલ હૂંફાળું પાણી
  • 1 ચમચી અજમો
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલના ટીપાં

આ રીતે બનાવો સોફ્ટ બાટી

બાટી બનાવવા માટે સૌથી પહેલા લોટમાં થોડો અજમો, મીઠું અને તેલના ટીપાં ઉમેરો. બાટીનો લોટ હૂંફાળા ગરમ પાણીથી બાંધો. લોટમાંથી ગોળ શેપની બાટી તૈયાર કરો અને બાટી કૂકરમાં રાખો. બીજા ગેસ પર એક વાસણમાં પાણી ઉકળવા માટે રાખો.બાટી જ્યારે બંને તરફ થોડી થોડી શેકાઈ જાય તો તેને ઉકળેલા પાણીમાં ઉમેરો. 1-2 મિનિટ સુધી ઉકળવા દો. આ પછી આ બાટીને ઓવનમાં રાખીને શેકી લો. આમ કરવાથી બાટીમાં એક અલગ ચમક જોવા મળશે. જ્યારે બાટી શેકાઈ જાય તો તેને ફોડો અને તેની પર ઘી ઉમેરો. બાટીને ગરમ જ ઉપયોગમાં લો. બાટી બચી ગઈ હોય તો તેને ફરીથી બાટી કૂકરમાં ગરમ કરો અને યૂઝ કરો.

આ દાલ-બાટી તમે લસણની ચટણીની સાથે યૂઝ કરી શકો છો. ધ્યાન રાખો કે બાટી પચવામાં ભારે હોય છે. આ સાથે તમે છાશ પણ પી શકો છો. 

  • Follow us on: