શિયાળાની કડકડતી ઠંડીમાં હેલ્ધી બનવા માટે આપણે ત્યાં સદીઓથી વસાણા બનાવવામાં આવે છે. આ તમામ પાક ખાવાથી સ્વાદ તો મળે છે જ સાથે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ તેમજ જોઇતી એનર્જી મળે છે. તો આજે આપણે સૌના ઘરમાં બનતો ખુબજ લોકપ્રિય એવો અડદિયા પાક બનાવતા શીખીશુ.
અડદિયા પાક બનાવવા જોઇશે સામગ્રીઃ
500 ગ્રામ ફોતરા વગરની અડદની દાળ
500 ગ્રામ ગોળ
500 ગ્રામ ઘી
4 ચમચી દૂધ
પિસ્તા, એલચી પાવડર, ત્રણ ચમચી સૂંઠ
અડધી ચમચી જાયફળ
250 ગ્રામ ગુંદ
બદામ, કાજુ,
અડદિયા પાક બનાવવાની પદ્ધતિ
અડદિયા પાક બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળને મિક્સરમાં કરકરી દળી લો. હવે એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી સાથે ચાર ચમચી દૂધ લો અને આ બન્ને વસ્તુને સાથે ગરમ કરી લો. પછી આમાં અડદનો લોટ નાંખો અને હાથથી મિક્સ કરી લો. પછી ગુંદ અને ડ્રાય ફ્રૂટસને કટ કરી લો. લોટ લઇને સારી રીતે ચાળી લો પછી એક કડાઇમાં ઘી લો અને એમાં લોટને શેકી લો. આછા બ્રાઉન રંગનો લોટ શેકાઇ જાય એટલે થોડુ ઘી ઉમેરીને મિક્સ કરી લો. હવે ગુંદ અને લોટ નાંખીને શેકી લો. ત્યારબાદ ધીમે-ધીમે દૂધ ઉમેરીને સતત હલાવો. પછી ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર અને જાયફળ પાવડર નાંખીને મિક્સ કરી લો.
ગેસ બંધ કરી દો અને ગોળ ઉમેરો. હવે એક થાળીમાં નીચે ઘી લગાવી દો અને એની ઉપર આ મિશ્રણ ઠારી દો. ત્યારબાદ આના નાના ચોસલા પાડી દો. તેના પર તમે કોપરાનું છીણ કે બદામના ટુકડાઓ નાંખીને સજાવી શકો છો. આ પાક શિયાળામાં દરેક ઘરે બને અને ખુબ ગુણકારી છે.