• મકાઈથી બનાવો નવી વાનગી
  • મકાઈ અને પનીરના ભજીયા આપશે ખાસ ટેસ્ટ
  • ચોમાસામાં એકના એક ભજીયાનો નહીં માણવો પડે સ્વાદ

રાજ્યમાં ચોમાસું દેખા દઈ ચૂક્યું છે ત્યારે જો તમે એકના એક મેથીના ગોટા, બટાકાના ભજીયા , ડુંગળીના ભજીયા , મરચાના ભજીયા કે દાળવડાથી કંટાળ્યા છો તો તમે હવે મકાઈના ભજીયા ટ્રાય કરી શકો છો. માર્કેટમાં મકાઈ સરળતાથી મળી રહે છે. તમે તેની સાથે પનીરને મિક્સ કરીને મસ્ત ભજીયા પ્લાન કરી શકો છો. વરસતા વરસાદમાં તમે ગરમાગરમ અને હેલ્ધી ભજીયાની મજા ઘરે જ લઈ શકો છો. તો જાણો રેસિપિ.

મકાઈ-પનીર પકોડા

સામગ્રી


-100 ગ્રામ પનીર

-200 ગ્રામ મકાઈ

-1/2 ટી સ્પૂન જીરૂં પાઉડર

-2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

-6 ટેબલ સ્પૂન ચણાનો લોટ

-મીઠું સ્વાદાનુસાર

-2 ટી સ્પૂન આદુંની પેસ્ટ

-1 ટી સ્પૂન લસણની પેસ્ટ

-2 નંગ લીલાં મરચાંની પેસ્ટ

-1 કપ દૂધ

-11/2 ટી સ્પૂન આમચૂર પાઉડર

-1 નંગ ડુંગળી સમારેલી

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ મકાઈને બ્લેંડરમાં અધકચરી ક્રશ્ડ કરી લો. પનીરને છીણી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી આદું અને લસણ નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં ક્રશ્ડ કોર્ન, મીઠું અને દૂધ નાખી ક્રીમી પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને ઠંડું કરી તેમાં છીણેલું પનીર, ડુંગળી, લીલાં મરચાં, જીરૂં પાઉડર, આમચૂર અને કોથમીર નાખી મિક્સ કરી લો. હવે ચણાના લોટમાં આ મિશ્રણ ઉમેરી થોડું પાણી નાખી તેનું ઘટ્ટ ખીરું બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચમચી અથવા હાથની મદદથી નાના-નાના બોલ્સ પાડી તેને ગોલ્ડન બ્રાઉન કરી લો. પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં ટામેટાં કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.


  • Follow us on: