દરવર્ષે અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રા શરૂ થાય છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલ (2025) બુધવારના રોજ શરૂ થશે. અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવશે. જ્યારે 2 મે શુક્રવારના દિવસે કેદારનાથધામ અને 4 મે રવિવારના દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. ચારધામ યાત્રા પર જવા માગતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ભાગ લઈ માતા ગંગા અને યમુના અને ભગવાન કેદારનાથ અને બદ્રીનાથના દર્શનનો લાભ લે છે. સામાન્ય રીતે ચારધામ યાત્રાની શરૂઆત હરદ્વાર અથવા દહેરાદૂનથી થાય છે. શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટરના માધ્યમથી હવાઈ મુસાફરી તેમજ ખાનગી વાહન અથવા તો કોઈ ટુરમાં માર્ગો દ્વારા ચારધામ યાત્રાની મુસાફરી કરી શકે છે. કેટલાક શ્રદ્ધાળુઓ ઇચ્છા હોવા છતાં ચારધામ યાત્રાની મુસાફરી કરી શકતા નથી. તો ઘરે બેઠાં ચારધામ યાત્રાના સુપ્રિસદ્ધ મંદિરોની સુંદર તસવીરો જોઈ ભગવાનના ભાવથી કરો દર્શન.




