
કાશ્મીર ખીણ હાલમાં તીવ્ર ઠંડીનો સામનો કરી રહી છે, તાપમાન સતત શૂન્યથી નીચે જઈ રહ્યું છે. તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, અને લોકો ઠંડીથી બચવા માટે ઊનના કપડાં અને ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે.

જમ્મુકાશ્મીરમાં અત્યારે તાપમાન શૂન્યથી નીચે જઇ રહ્યું છે. હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે. તેઓ કહી રહ્યા છે કે અહીં ખૂબ ઠંડી છે, પણ અમે તેનો આનંદ માણી રહ્યા છીએ... ડલ લેકનો નજારો પણ ખૂબ જ સારો હતો... બરફ પડવો જોઈએ કારણ કે પ્રવાસીઓ અહીં એ જ જોવા આવ્યા છે.

કાશ્મીર ઘાટીમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પુલવામામાં તાપમાન માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરમાં માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. હવામાન વિભાગે હળવી હિમવર્ષાની આગાહી કરી છે અને લોકોને, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘરમાં રહેવાની ચેતવણી આપી છે.

શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગરમાં રાત્રિનું તાપમાન માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે પાછલા દિવસના માઈનસ 2.9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું છે. આ આ સિઝન માટે સામાન્ય રાત્રિના તાપમાન કરતાં 2.4 ડિગ્રી ઓછું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટીમાં શુષ્ક હવામાનને કારણે ખાંસી અને શરદી જેવી બીમારીઓમાં વધારો થયો છે. ડોક્ટરોએ લોકોને, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને, ઘરની અંદર રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 13 થી 17 ડિસેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે. 18 અને 19 ડિસેમ્બરે હવામાન આંશિક વાદળછાયું રહેશે, 20 અને 21 ડિસેમ્બરે ખીણના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ચિલ્લાઈ કલાન 40 દિવસનો કઠોર શિયાળો શરૂ થશે. વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ખીણના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ધુમ્મસ રહી શકે છે.