
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે. કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર વધુ રાખવાની અને લઘુત્તમ મૂળ પગાર (મિનિમમ બેઝિક સેલરી) વધારવાની માગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, મોંઘવારી ભથ્થાને લઈને પણ નવું અપડેટ આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધી શકે છે. જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધવાની આશાનું મુખ્ય કારણ ઔદ્યોગિક શ્રમિકો માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI-IW) છે. મોંઘવારી ભથ્થાની ગણતરી આ ઇન્ડેક્સના આધારે જ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં 149.1 હતો, જે એપ્રિલમાં વધીને 149.9 થઈ ગયો છે.

ઔદ્યોગિક શ્રમિકો માટે રિટેલ મોંઘવારી દર પણ વધ્યો છે. તે 4.27 ટકાથી વધીને 4.46 ટકા થયો છે. એપ્રિલ 2026 સુધીના ઉપલબ્ધ AICPI-IW ડેટાના આધારે 12 મહિનાની સરેરાશ 147.51 છે.

જો 2016ની બેઝ સિરીઝને 2001ના બેઝમાં બદલવા માટે 2.88 લિંકિંગ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે, તો મોંઘવારી ભથ્થાની ગણતરી કર્યા પછી તે અંદાજે 62.51 ટકા થઈ જશે. આ જ કારણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.

વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. સરકારે જાન્યુઆરી મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારો કરી દીધો છે અને હવે જુલાઈમાં થનારા વધારાની રાહ જોવાઈ રહી છે. જો જુલાઈથી જ આ વધારો લાગુ થાય છે, તો કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ મહિનાના પગારની સાથે જ વધેલું મોંઘવારી ભથ્થું પણ મોકલી આપવામાં આવી શકે છે.

હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકા છે. એવામાં જો સરકાર જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેશે, તો તે વધીને 63 ટકા સુધી પહોંચી શકે છે.