
GST કાઉન્સિલની 56મી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશવાસીઓને મોટી ભેટ આપી. સરકારે GST સ્લેબમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલાના 4 ટેક્સ સ્લેબ ઘટાડીને 2 કરવામાં આવ્યા છે. 12 ટકા અને 28 ટકા સ્લેબ હવે નાબૂદ કરવામાં આવ્યા છે અને 5 ટકા અને 18 ટકા જાળવી રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે, જ્યારે GST કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, ત્યારે સરકારે પોપકોર્ન પર ત્રણ શ્રેણીઓમાં અલગ અલગ કર લાદ્યા હતા. પરંતુ આ વખતે મંત્રાલયે પોપકોર્ન પરના ટેક્સ અંગેની મૂંઝવણ દૂર કરીને તેને 2 શ્રેણીઓમાં સમાયોજિત કરી છે. નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

GST કાઉન્સિલની છેલ્લી બેઠક પછી, જ્યારે સરકારે મીઠું ચડાવેલું પોપકોર્ન બે શ્રેણીમાં અને કેરેમલાઇઝ્ડ પોપકોર્નને અલગ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લીધો, ત્યારે સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો. તેથી આ વખતે સરકારે મીઠું ચડાવેલું પોપકોર્ન, પછી ભલે તે ખુલ્લું હોય કે પેકેટમાં પેક કરેલ હોય, તેના પર 5 ટકા ટેક્સ લગવાવાનો નિર્ણય લીધો છે. કેરેમલ પોપકોર્ન પર 18 ટકા GST લગાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી સરકારે પોપકોર્ન પર ત્રણ સ્લેબમાં ટેક્સ લાદ્યો હતો. હવે ફક્ત બે ટેક્સ સ્લેબ હોવાથી, પોપકોર્ન પર ત્રણ શ્રેણીઓમાં ટેક્સ લગાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. ગયા વર્ષની GST બેઠકમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે મીઠાવાળા પોપકોર્નને બે સ્લેબમાં વહેંચ્યા હતા.

જેમાં ખુલ્લામાં વેચાતા મીઠાવાળા પોપકોર્ન પર 5% ટેક્સ લગાવવામાં આવ્યો હતો અને લેબલવાળા પેકેટમાં વેચાતા પોપકોર્ન પર 12% ટેક્સ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેરેમલાઈઝ્ડ પોપકોર્ન પર 18% ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

મીઠું ચડાવેલું ખુલ્લા પોપકોર્નના પેકેટ પર પહેલા 5 ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો હવે પણ તેમાં 5 ટકા ટેક્સ જ રહેશે, તેમજ મીઠાવાળા લેબલવાળા પોપકોર્નના પેકેટ પર પહેલા 12 ટકા ટેક્સ હતો તે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. કારામેલાઇઝ પોપકોર્ન પર પહેલા 18 ટકા ટેક્સ હતું હવે પણ તેમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો તેમાં 18 ટકા ટેક્સ જ છે.

સરકારે રોટલી અને પરાઠાને કરમુક્ત કર્યા છે. હાલમાં રોટલી પર 5% ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે પરાઠા પર 18% ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ નવા દરોમાં, સરકારે આના પરનો ટેક્સ દૂર કર્યો છે. આ કરમુક્ત થઈ ગયા છે. આ ઉપરાંત, ચીઝ, વિદ્યાર્થીઓ માટે પેન્સિલો, નકશા, શાર્પનર અને રબરને પણ કરમુક્ત કરવામાં આવ્યા છે.