
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, બેંક લોકરમાં સોનું રાખવા માટે કોઈ નિશ્ચિત મહત્તમ મર્યાદા નથી. તમે લોકરની ક્ષમતા અથવા કદ જેટલું સોનું રાખી શકો છો તેટલું સંગ્રહ કરી શકો છો; જોકે, નુકસાનની સ્થિતિમાં વળતર મર્યાદિત છે.

બેંક લોકરમાં સોનું રાખવાની કોઈ સીમા નથી એ વાત સાચી, પરંતુ તેનો અર્થ એ નથી કે ત્યાં તમારી કિંમતી વસ્તુઓ સંપૂર્ણપણે તમે બેંકમાં નિશ્ચિત થઇને મૂકી શકો. વાસ્તવમાં બેંક ગ્રાહકોને માત્ર લોકરની જગ્યા ભાડે આપે છે અને લોકરની અંદર શું રાખવામાં આવ્યું છે તેની સત્તાવાર જાણકારી બેંક પાસે હોતી નથી. આ જ કારણ છે કે બેંક તમારા સોના કે દાગીનાનો કોઈ વીમો (Insurance) લેતી નથી. તેથી, જો તમારી પાસે મોટી માત્રામાં સોનું અથવા અત્યંત કિંમતી દાગીના હોય, તો સુરક્ષાના ભાગરૂપે તમારે તેનો અલગથી જ્વેલરી ઈન્સ્યોરન્સ કરાવી લેવો જોઈએ જેથી કોઈ અનિચ્છનીય ઘટનામાં આર્થિક નુકસાનથી બચી શકાય.

ખૂબ જ ઓછા લોકો એ વાત જાણતા હોય છે કે લોકરમાં રાખેલા સામાન પર બેંકની જવાબદારી મર્યાદિત હોય છે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો બેંકની બેદરકારી, કર્મચારીઓની છેતરપિંડી, આગ, ચોરી કે લૂંટફાટના કારણે લોકરના સામાનને નુકસાન થાય, તો બેંક લોકરના વાર્ષિક ભાડાના મહત્તમ 100 ગણું જ વળતર આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારા બેંક લોકરનું વાર્ષિક ભાડું 3,000 રૂપિયા છે, તો કોઈ દુર્ઘટનાના કિસ્સામાં બેંક તમને વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનું જ વળતર આપશે, ભલે પછી તમારા લોકરમાં 20 કે 30 લાખ રૂપિયાનું સોનું કેમ ન રાખેલું હોય.

બેંક લોકર અને ઘરમાં સોનું રાખવાના નિયમોમાં મોટો તફાવત છે જેના વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઈન્કમ ટેક્સ વિભાગની ગાઈડલાઈન્સ અનુસાર, ઘરમાં મર્યાદિત માત્રામાં સોનું રાખવા પર સામાન્ય રીતે કોઈ પ્રશ્નો પૂછવામાં આવતા નથી. આ નિયમ હેઠળ એક પરિણીત મહિલા પોતાના ઘરમાં 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને કોઈપણ પુરુષ માત્ર 100 ગ્રામ સુધીનું સોનું વગર કોઈ દસ્તાવેજે રાખી શકે છે. જો કે, જો તમારી પાસે સોનાની ખરીદીના પાકા બિલ, વારસાના પુરાવા કે કાયદેસરના સોર્સ ઓફ ઈન્કમ (આવકના સ્ત્રોત) ના દસ્તાવેજો હોય, તો તમે આ નિર્ધારિત મર્યાદા કરતા પણ વધુ સોનું ઘરમાં રાખી શકો છો.

બેંક લોકરમાં સોનાની માત્રા પર RBI એ કોઈ મર્યાદા નક્કી કરી નથી. તમે લોકરની ક્ષમતાને આધીન, તમારી ઇચ્છા મુજબ જેટલું સોનું સંગ્રહિત કરી શકો છો. બેંકો એ પણ પૂછી શકતી નથી કે તમે લોકરમાં કઈ ચોક્કસ વસ્તુઓ - જેમ કે સોનું કે ચાંદી - મૂકી છે. એટલા માટે લોકો બેંક લોકરને સલામત માને છે.

ભારતમાં મોટાભાગના લોકો તેમના કિંમતી દાગીના સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. જોકે, તેઓ સોનું જમા કરાવે છે, પરંતુ સાવચેતીના ધોરણે જ્વેલરી ઇન્સ્યોરન્સ કરાવી લેવો જરૂરી છે.