
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ભારતના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનોનો સમાવેશ થાય છે જેમને વર્ષોથી ટીમને ઉત્તમ શરૂઆત આપી છે. વીરેન્દ્ર સેહવાગ આ લિસ્ટમાં ટોપ પર છે. તેને ODI અને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 16,000 થી વધુ રન બનાવ્યા છે, અનેક વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. તેમના સાતત્ય અને લાંબા ગાળાના શાનદાર પ્રદર્શને તેમને ભારતીય ક્રિકેટના મહાન ઓપનરોમાંના એક બનાવ્યા છે. બીજા સ્થાને રોહિત શર્મા છે, જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગ અને મોટી સદી ફટકારવાની ક્ષમતાથી ઓપનર તરીકે નવી ઓળખ સ્થાપિત કરી છે. રોહિતના નામે ત્રણ ODI બેવડી સદી પણ છે અને તાજેતરમાં ઓપનર તરીકે 16,000 ઈન્ટરનેશનલ રન પૂર્ણ કર્યા છે. ત્યારબાદ સચિન તેંડુલકર છે. સચિન તેની આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતા હતા અને ટેસ્ટ અને ODI બંને ફોર્મેટમાં વિરોધી બોલરો પર દબાણ લાવતા હતા. તેને ઓપનર તરીકે 15,000 થી વધુ રન બનાવ્યા છે. ચોથા સ્થાને સુનીલ ગાવસ્કર છે, જેમને મુશ્કેલ સમયમાં વિશ્વ કક્ષાના બોલરો સામે હજારો રન બનાવીને ભારતીય બેટિંગનો મજબૂત પાયો નાખ્યો હતો. શિખર ધવન પાંચમા સ્થાને છે, જેને ભારતને ઘણી યાદગાર ઈનિંગ આપી છે, ખાસ કરીને ICC ટુર્નામેન્ટમાં. તે અને રોહિત શર્મા લાંબા સમયથી ભારતની સૌથી સફળ ઓપનિંગ જોડીમાંની એક છે. ટીમ ઈન્ડિયાએ વિશ્વ ક્રિકેટમાં કેટલાક સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેન બનાવ્યા છે, જેમને અનેક રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવા અશક્ય છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે ત્રણેય ફોર્મેટમાં 332 મેચ રમી છે, જેમાં 400 ઈનિંગમાં 41.54 ની એવરેજથી 16,119 રન બનાવ્યા છે. સેહવાગે ઓપનર તરીકે 36 સદી અને 67 અડધી સદી ફટકારી છે.

રોહિત શર્મા હાલમાં આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેને ત્રણેય ફોર્મેટમાં કુલ 359 મેચ રમી છે, જેમાં 384 ઈનિંગમાં 45.3 ની એવરેજથી 16,010 રન બનાવ્યા છે. રોહિતે ઓપનર તરીકે 45 સદી અને 83 અડધી સદી ફટકારી છે.

સર્વકાલીન મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા સચિન તેંડુલકરનો ઓપનર તરીકેનો રેકોર્ડ નોંધપાત્ર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિને ઓપનર તરીકે 346 મેચ રમી છે, જેમાંથી 342 મેચમાં તેને બેટિંગ કરીને 48.07 ની એવરેજથી 15,335 રન બનાવ્યા છે. સચિને ઓપનર તરીકે 45 સદી અને 75 અડધી સદી ફટકારી છે.

ભારતીય ટીમ માટે લાંબા સમયથી બેટિંગ શરૂ કરવાની જવાબદારી સંભાળી રહેલા સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ પ્રભાવશાળી છે, જેમને 10,000 થી વધુ રન બનાવ્યા છે. 202 મેચોમાં 286 ઈનિંગમાં ઓપનર તરીકે રમતા સુનીલ ગાવસ્કરે 46.08 ની એવરેજથી 12,258 રન બનાવ્યા, જેમાં 34 સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આક્રમક બેટિંગ દર્શાવનાર શિખર ધવનનો ઓપનર તરીકે પણ શાનદાર રેકોર્ડ છે. ધવને ઓપનર તરીકે 268 મેચ અને 288 ઈનિંગ રમી છે, જેમાં 39.66 ની એવરેજથી 10,867 રન બનાવ્યા છે, જેમાં 24 સદી અને 55 અડધી સદીનો સમાવેશ થાય છે.